આ ચિંતનલેખનો ઉદ્દેશ કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણીઓ ઉપર પ્રશ્ન ઊભો કરવાનો બિલકુલ નથી. એક મનોવૈજ્ઞાનિક વૈચારિક વિશ્લેષણ દ્વારા ભ્રમણા દૂર કરવાની કોશિશ છે. જે વ્યક્તિ ઉચિત વાણી, વ્યવહાર અને સુકર્મ આચરણમાં સુનિશ્ચિત કરે છે એ વ્યક્તિએ મનમાં ઇશ્વરનો ડર રાખવાની જરૂર જ નથી અને ઈશ્વરની કૃપાનો અધિકારી આપોઆપ બને છે. આ લેખમાં મેં મારા અંગત વિચારો દર્શાવેલ છે, જેને સ્વિકાર કે અસ્વિકાર કરવાની ઈચ્છા વાંચક ઉપર છોડી છે.

🌻🌄🌻🌄🌻🌄🌻🌄🌻🌄🌻🌄🌻🌄🌻🌄
ઈશ્વરની કૃપા મેળવવી અને તે માટે ઈશ્વરથી ડરવું એ બંને બાબતો અલગ છે. ઈશ્વર તો અમાપ અમીદ્રષ્ટિ ધરાવતો સૃષ્ટિનો સર્જનહાર છે. તેને માટે આપણે સહુ એકસરખાં જ છીએ. કોઈની પ્રત્યે તેનો કોઇ ભેદભાવ ક્યારેય ન હોય. આપણી સાથે ઘટતી ઘટનાઓને મૂલવતી આપણી દ્રષ્ટિ મોટેભાગે આમાં કારણભૂત હોય છે. ઘણી વખત આપણને એવો પ્રશ્ન થાય છે કે હું તો ઈશ્વરની કેટકેટલી ભક્તિ કરું છું. કેટલાં વ્રત અને બાધા-આખડી કરું છું, નિત્ય પૂજા-પાઠ કરું છું, મંદિરે દર્શન કરવા જાઉં છું, દાન-પુણ્ય પણ કરું છું, છતાં આપણને દુઃખ આપતી કોઈપણ ઘટના બનતાં જ અશ્રદ્ધાના આવરણમાં આપણી પ્રથમ પ્રતિક્રિયા એવી જ હોય છે કે,આવું મારી સાથે જ કેમ બને? ઈશ્વરની કૃપા મને કેમ પ્રાપ્ત ન થાય?
હકીકતમાં મોટાભાગની વ્યક્તિઓ કોઈ અપેક્ષિત સમસ્યાના નિરાકરણ માટે અથવા સુખની પ્રાપ્તિની આકાંક્ષા સાથે ઈશ્વર સાથે મનોવૈજ્ઞાનિક રીતે જોડાય છે અને કંઇક મેળવવું છે તેને માટે ઈશ્વરને કરગરે છે, વ્રત, નિયમ, મંદિરદર્શન અને પૂજા-પાઠ દ્વારા પોતાનું ઈચ્છીત કાર્ય થાય તેને માટે ઈશ્વરને બાંધવા પ્રયાસ કરે છે. આ બધું એકપક્ષીય છે અને મનને શાંતિ આપતી પ્રવૃત્તિના ભાગરૂપે છે. આપણે ઈશ્વર સાથે સાટા પદ્ધતિથી વેપાર કરવા બેસીએ છીએ. હું તારી આટલી ભક્તિ કરું તો, હે ઈશ્વર ! તારે મારી ઉપર આટલી કૃપા તો કરવી જ રહી.
ઈશ્વરની કૃપા પ્રાપ્ત થવી એ સંપૂર્ણપણે નિજ કર્મનું ફળ છે. તેને માટે ઈશ્વરથી ડરવું આવશ્યક નથી. તેને માટે વૈચારિક અને આધ્યાત્મિક ઉત્થાનની જરૂર હોય છે અને તેને અનુરૂપ કર્મ કરવાં જોઈએ. તેનાથી ઈશ્વરીય શક્તિ તરફની નિકટતા સધાય છે અને ઈશ્વર સાથે જોડાણ થાય છે. મંત્ર-જાપ, નિત્ય દર્શન, બાધા-આખડી, પૂજા-પાઠ, પદયાત્રા, વ્રત-ઉપવાસ આ બધા માધ્યમો છે જેના દ્વારા આપણે ઇશ્વરીય શક્તિની નજીક પહોંચીએ છીએ એ સાચું. જે આપણા મન અને ચિત્તને નિર્મળ બનાવીને એકાગ્રતા બક્ષે છે. પરિણામ સ્વરૂપ જાણે અજાણે પોતાની જાતને આધ્યાત્મિકતા તરફ લઈ જવાનો એક પ્રયાસ થાય છે. પરંતુ જો આ સઘળું આપણે ઈશ્વર પ્રત્યેના ડરના માર્યા કે અઢળક સુખની અપેક્ષાઓ સાથે કરીશું તો એ ઈશ્વરકૃપાની ખાતરી આપતું નથી.
વ્રત-ઉપવાસ, પદયાત્રા વગેરે દ્વારા શરીરને કષ્ટ આપવાનો હેતુ પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવવાનો, સહનશક્તિ કેળવી મનની વિચારશુધ્ધી અને એકાગ્રતા વધારવાનો હોઈ શકે છે. મંત્ર-જાપનો ઉદ્દેશ આંતરિક ચેતના શક્તિને જાગ્રત કરીને ઈશ્વર સાથે જોડાણ સાધવાનો હોઈ શકે છે. પૂજા-પાઠ અને નિત્યદર્શન મનમાં શાંતિની અનુભૂતિ કરાવી શકે છે. પરંતુ તેનાથી વિશેષ મહત્વનું છે માણસનું કર્મ. આ બધાં ધર્મકર્મો કર્યા બાદ કોઈનું દિલ દુભાવીને, દગો-ફટકો કરીને, અનીતિ, દ્વેષ અને ઈર્ષ્યાનું આચરણ કરવાની તથા પાપ અને દોષોનું પુનરાવર્તન કરવાની અનુમતિ ક્યારેય નથી. ઈશ્વરની સમીપ જવા માટે સૌપ્રથમ ઉત્તમ માનવીય આચરણ અને સુકર્મ નિશ્ચિત કરવું જોઈએ. ત્યારે જ વ્યક્તિ ઈશ્વરીય કૃપાનો અધિકારી બને છે.
માટે જ ઈશ્વરથી ડરવા કરતાં પોતાના કર્મથી ડરવું વધુ ઈચ્છનીય છે. ઈશ્વર માણસની ઠાલી ખુશામત, સ્વાર્થની વિનંતીઓ તથા તુચ્છ પ્રલોભનોથી ક્યારેય આકર્ષાયો નથી. આશ્ચર્ય વચ્ચે માણસ પોતાની શરતોના બંધનથી ઈશ્વરને પોતાના કલ્યાણ માટે મજબૂર કરવા કોશિશ કરે છે પરંતુ એ તેનો ભ્રમ માત્ર બની રહે છે. ઈશ્વર માણસને ડરાવવા બેઠો નથી. એ તો સદાય માણસના કર્મને આધિન તેની ઉપર કૃપા વરસાવવા તૈયાર જ બેઠો છે. કલ્યાણનો માર્ગ આપણા પોતાના હાથમાં જ છે. જરૂર છે માત્ર તેને ઓળખવાની અને અનુસરવાની.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૦૮ જૂન ૨૦૨૨