અમદાવાદની એચ.એ. કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ સંજય વકીલે બારડોલી સ્થિત સરદાર પટેલના સ્વરાજ આશ્રમમાં “સરદાર પટેલ એક વિરલ વિરાટ વિભુતી” વિષય ઉપર વક્તવ્ય આપ્યુ હતુ. આઝાદીની લડાઈ દરમ્યાન સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહ કરેલ હતો ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય પ્રતીભા તરીકે ઉભરી આવ્યા હતા તથા સરદારનું બીરૂદ મળ્યુ હતુ. પ્રિ. વકીલે કહ્યું હતુ કે પોતાની ધીકતી વકીલાત છોડી સ્વતંત્રતા ચળવળમાં સરદાર પટેલે પોતાનુ સમગ્ર જીવન દેશને સમર્પણ કર્યું હતુ. દેશ આઝાદ થયા પછી નાના મોટા ૫૬૫ રજવાડાઓનું એકીકરણ કરી અખંડ ભારત નિર્માણ કરવાનુ ભગીરથ કાર્ય સરદાર પટેલે કર્યું હતુ. પોતાની કુનેહ, આવડત તથા મક્કમ મનોબળને કારણે દેશની એકતા તથા અખંડીતતા સ્થાપી શક્યા હતા. માત્ર દેશની સેવા કરવી, ભાઈચારાની ભાવના રાખવી તથા પ્રામાણીકતા અને વફાદારીપૂર્વક વહિવટ કરવા માટે સરદાર પટેલને આજે પણ યાદ કરીએ છીએ.પારદર્શક વહિવટ, સબળ નેતૃત્વ અને દેશપ્રેમ એ સરદાર પટેલની ઓળખ હતી. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા ગૃહમંત્રી તરીકે સરદાર પટેલે દેશની ઉત્કૃષ્ટ સેવા કરી હતી. સ્વતંત્રતા મળ્યા બાદ દેશમાં મહત્વની સંસ્થાઓ ઉભી કરી દેશના નાગરીકો તથા વહિવટીતંત્રને સવલતો પૂરી પાડી હતી. ગાંધીજીના પ્રિય સરદાર પટેલે સ્વતંત્રતા ચળવળ દરમ્યાન આંદોલનનું નેતૃત્વ લઈને ભારત દેશને આઝાદ કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. કાર્યક્રમના અંતે સ્વરાજ આશ્રમના વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કરી વક્તવ્યને જીવંત બનાવ્યુ હતુ. આશ્રમમાં ભારતીય સંસ્કૃતી તથા ભવ્ય પરંપરાઓ સાથે વિદ્યાર્થીઓ આજે અભ્યાસ કરી રહ્યાં છે.
