આજે દુનિયા ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ આગળ નીકળી ગઈ છે. મેડિસીનની બાબતમાં પણ ઘણા-બધા સંશોધનો થયા અને નવી નવી ટેકનોલોજીનો વિકાસ થયો છે. અદ્યતન સાધનોની મદદથી ઝડપી અને ખૂબ જ સારી રીતે સારવાર કરી શકાય છે.

આ બધુ હોવા છતાં પણ હજુ સુધી કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. એના માટે ઘણા બધા પ્રયત્નો થયા છે પણ હજું સુધી તેમાં સફળતા મળી નથી. તેના માટેના તમામ પ્રયત્નો વ્યર્થ સાબિત થયા છે. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. અને આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે.
એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે ૫ કરોડ બોટલ લોહીની જરૂરિયાત ઊભી થાય છે જે દિવસે દિવસે વધી રહી છે પરંતુ તેની સામે માત્ર ૮૦ લાખ બોટલ લોહી રક્ત-દાતાઓ દ્વારા મળી રહે છે. આ પરથી કહી શકાય કે આપણા દેશમાં લોહીની ખૂબ જ અછત છે અને રક્તદાનની જાગૃત્તતા ફેલાવવાની તાતી જરૂરિયાત છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા કાર્લ લેન્ડસ્ટાઇનર નામના જાણીતા ઓસ્ટ્રેલિયન જીવવિજ્ઞાની અને ભૌતિકશાસ્ત્રીની યાદમાં તેમના જન્મદિનનાં અવસરે રક્તદાનને પ્રત્સાહન આપવા માટે ૧૪ જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવે છે. કાર્લ લેન્ડસ્ટાઇનર (Karl Landsteiner) એ એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક છે અને આ માટે તેમને ૧૯૩૦નાં વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું.
એમનો જન્મ ૧૪મી જૂન ૧૮૬૮માં થયેલો. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organisation-WHO) એ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા વર્ષ ૨૦૦૭થી એમના જન્મદિવસ ૧૪ જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરી. આ સંગઠને ૧૯૯૭માં એ લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે વિશ્વવના પ્રમુખ ૧૨૪ દેશો પોતાને ત્યાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપે. આનો ઇરાદો એ હતો કે કોઇપણ વ્યક્તિને લોહીની જરૂર પડતા તેના માટે તેણે પૈસા ચૂકવવાની જરૂર ન પડે.
વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરનાં સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે તથા વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ, રક્તાધાન (Blood Transfusion) માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો પણ છે. વર્ષ ૨૦૨૨ની થીમ ‘રક્તદાન એ એકતાનું કાર્ય છે’ નક્કી કરવામાં આવી છે.
આ બાબતે યુવાનોનું ધ્યાન કેંદ્રિત કરવાની તાતી જરૂરિયાત છે. કારણ કે યુવાનો રક્તદાન માટે સક્ષમ હોય છે પણ જાગૃતતાનાં અભાવે યુવાનોને રક્તદાન માટે પ્રેરી શકાતા નથી. હાલમાં જુદી-જુદી બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે જે ખૂબ જ આવકારદાયક પગલું છે.
જો કે હવેના સમયમાં જાગૃતિનો ફેલાવો થતાં આવા કિસ્સા ખૂબ જ ઘટી ગયા છે. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મદિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યુ છે જે ખૂબ જ આવકાર્ય છે. આમ છતાં પણ સૌના સહિયારા પ્રયાસો હજુ ઓછાં પડે છે. જો એમાં વધારો થાય અને જરૂરી સમયે રક્ત મળી રહેવાથી કોઈનું પણ મૃત્યુ ન થાય તેવી પરિસ્થિતિ સર્જાય તે જ આદર્શ સ્થિતિ કહી શકાય.
રક્તની પહોંચ એ લોકો માટે જીવન અથવા મૃત્યુની બાબત બની શકે છે. હું ડોક્ટર તો નથી પણ મારાં ડોક્ટર મિત્રો પાસેથી આને લગતી થોડી માહિતી ચોક્કસ મેળવી છે જે આપ સહુ સમક્ષ વહેતી કરું છું. અન્ય કોઈ ડોક્ટર નીચે જણાવેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાનું યોગ્ય સમજે તો ચોક્કસ કરે. આશા છે નીચે જણાવેલ અમુક મુદ્દાઓથી રક્તદાનને લઈને સમાજમાં પ્રવર્તતા અમુક ભ્રમમાંથી ઘણેખરે અંશે બહાર આવી શકાશે.
– મનુષ્યનાં શરીરમાં લોહી બનવાની પ્રક્રિયા હંમેશા ચાલતી રહે છે અને રક્તદાનથી કોઇ પણ નુકસાન નથી થતું.
– કોઇ પણ સ્વસ્થ વ્યક્તિ જેની ઉંમર 18થી 60 વર્ષની છે અને તેનું વજન 45 કિલોગ્રામ કરતા વધુ છે તે રક્તદાન કરી શકે છે.
– જેને એચઆઈવી, હેપેટાઇટિસ બી કે તેના જેવી બીમારીઓ ન હોય તે રક્તદાન કરી શકે છે
– એકવારમાં 350 મિલીગ્રામ રક્ત આપી શકાય છે. આની પૂર્તિ શરીરમાં 24 કલાકમાં થઇ જાય છે અને ગુણવત્તાની પૂર્તિ 21 દિવસોની અંદર થાય છે.
– જે વ્યક્તિ નિયમિત રક્તદાન કરે છે તેને હૃદય સંબંધી બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે.
– આપણા શરીરમાં લોહીની રચના એવી છે કે તેમાં સમાવિષ્ટ રેડ બ્લડ સેલ ત્રણ માસમાં સ્વયં જ મરી જાય છે, માટે પ્રત્યેક સ્વસ્થ વ્યક્તિ ત્રણ મહિનામાં એકવાર રક્તદાન કરી શકે છે.
હવે, આ વિશે વિચારવાનો સમય થઈ ગયો છે. રક્તદાન ભલે આપણે બીજાની મદદ માટે કરતાં હોય પણ એ ફક્ત અન્ય કોઈ બીજી વ્યક્તિને મદદરૂપ છે એવું નથી, પણ ક્યારેક એ આપણને પણ મદદરૂપ બની જાય છે. કારણ કે, આપણે પોતે કે આપણા કોઈ સંબંધી અકસ્માત કે બીમારીને કારણે દવાખાને દાખલ થાય તો જરૂર પડે કોઈકનું દાન કરેલું રક્ત જ કામમાં આવશે..!!
– વૈભવી જોશી