ભારતીય લોકોમાં સોના પ્રત્યે એક અલગ જ આકર્ષણ હોય છે. આપણા દેશમાં સદીઓથી સોનાને રોકાણ કરવા માટે સુરક્ષિત અને ભવિષ્ય માટે સૌથી સારો બચત વિકલ્પ માનવામાં આવે છે. લોકોની આ માનસિકતાને ધ્યાનમાં સરકાર પણ લોકોને સસ્તું સોનું ખરીદવાના અનેક અવસરો આપતી રહે છે. ત્યારે સોનાના ભાવોમાં થઇ રહેલા રોકેટગતિના વધારા વચ્ચે ફરી સરકાર જનતાને સસ્તા દરે સોનું ખરીદવાની તક આપી રહી છે.

વાસ્તવમાં ફરી એક વાર સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની તક સામે આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ માહિતી આપી છે કે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 20 જૂન, 2022થી પાંચ દિવસ માટે 2022-23ની પ્રથમ સીરીઝની ખરીદી ખુલવા જઈ રહી છે. આ સમય દરમિયાન રોકાણકારોને બજારથી નીચા દરે સોનું ખરીદવાની સોનેરી તક મળશે.
આરબીઆઈએ કહ્યું કે, સોવરેન ગોલ્ડ બોન્ડ 22થી 26 ઓગસ્ટ દરમિયાન 2022-23 માટે અરજીઓની બીજી સીરીઝ માટે ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય બેંક ભારત સરકાર વતી બોન્ડ જાહેર કરે છે. તેને માત્ર નિવાસી વ્યક્તિઓ, અવિભાજિત હિન્દુ પરિવારો, ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને સખાવતી સંસ્થાઓને જ વેચી શકાય છે. ગત નાણાંકીય વર્ષ 2021-22માં એસજીબીને કુલ 12,991 કરોડ રૂપિયાના 10 હપ્તામાં ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. “એસજીબીનો સમયગાળો 8 વર્ષ માટે હશે. જેમાં તે 5માં વર્ષ પછી અકાળે રિડેમ્પશન થઈ શકે છે. આ વિકલ્પનો ઉપયોગ તે તારીખે કરી શકાય છે કે જેના પર વ્યાજ ચૂકવવાપાત્ર છે.”
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં વ્યક્તિ એક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. લઘુત્તમ રોકાણ એક ગ્રામનું હોવું જોઈએ. સાથે જ ટ્રસ્ટ કે તેના જેવી સંસ્થાઓ 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે.