માઈક્રો ફિક્શન
શીર્ષક :- ‘ક્ષમા’

વિભૂતિ આજે સવારના પહોરમાં ૫ વર્ષની વહાલસોયી દીકરી ક્ષમાને શાળાએ મૂકી પાછી આવી. ગઈકાલથી કોણ જાણે કેમ પણ વિભૂતિ થોડી વ્યથિત જણાતી હતી. ગઈકાલે શાળાએથી આવતાવેંત જ માસૂમ ક્ષમાએ એને મૂંઝવી દેતો પ્રશ્ન કર્યો હતો. ‘મમ્મી, મારી શાળામાં પેરેન્ટ્સમીટમાં બીજા બધા બાળકોના પપ્પા અને મમ્મી બંને આવે છે,મારા પપ્પા કેમ નહીં આવે? મને મારા પપ્પા પણ મારી સાથે જોઈએ છે. આપણે સૌ બીજા બધાની જેમ સાથે રહેતાં હોઈએ તો કેટલું સારું?’ વિભૂતિ પાસે ક્ષમાના નિર્દોષ પ્રશ્નનો હાલ તો કોઈ જવાબ નહોતો. પરંતુ આ પરિસ્થિતિમાં મૂકાવાની પસંદગી તો તેની પોતાની જ હતી ને! ક્ષમાને આ દુનિયામાં લાવવાનો અને સીંગલ મધર બની તેનો ઉછેર કરવાનો કપરો નિર્ણય પણ તેણે જ લીધો હતો. એ ક્ષમાની માસૂમ આંખોમાં જોતી મૌન રહી ગઈ.
– નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૧૮.૦૬.૨૦૨૨