તા.26 જૂન,રવિવારે,સાંજે 06-00 કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી
અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે કવયિત્રી ભારતી પ્રજાપતિના કાવ્યસંગ્રહના વિમોચન નિમિત્તે ‘સફેદ અંધારું’ કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું

.સાહિત્યકાર ઉષા ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં પદ્મશ્રી પુરસ્કૃત સર્જક વિષ્ણુ પંડ્યાના વરદહસ્તે કાવ્યસંગ્રહનું વિમોચન થયું.કવયિત્રી ભારતી પ્રજાપતિએ પોતાની કેફિયત રજૂ કરી.ઉષા ઉપાધ્યાયે આવકાર આપી મનનીય વક્તવ્ય આપ્યું.વિષ્ણુ પંડ્યાએ પ્રસંગોચિત રજૂઆત કરી.કવિસંમેલનમાં ઉષા ઉપાધ્યાય,લતા હિરાણી,રક્ષા શુકલ,રાધિકા પટેલ,ગોપાલી બુચ,ભાર્ગવી પંડ્યા,રિન્કુ રાઠોડ,જિજ્ઞા મહેતા,જિગીષા રાજ અને ભારતી પ્રજાપતિએ સ્વરચિત કવિતાનો પાઠ કર્યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.આ પ્રસંગે કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
———–
કવિસંમેલનમાં રજૂ થયેલ કવિતાના અંશ :
————
(1)
એક તો રસ્તો હતો સતનો છતાં,
ચાલવામાં રોજ ગોટાળો થયો !
-ભારતી પ્રજાપતિ
(2)
દોડતી મા આવશે સામે લઈ ઘર સામટું,
થાકતાં પગને દિલાસો આટલો આપ્યાં કરે.
-ઉષા ઉપાધ્યાય
(3)
તું બાંધ સમયને મુઠ્ઠીમાં
હું પળને ઝાલી લહેર કરું,
બ્રહ્માંડ સકળ અજવાળી દે
એ શબ્દોમાં હું સહેલ કરું.
– લતા હિરાણી
(4)
છે ઘણી રસતા ભરી કાળજાના પટ મહીં,
લાગણી વાવી શકો તો જ પાસે આવજો.
-જિગીષા રાજ
(5)
બારણે થાપા હતા એ ભીંત મેં રંગી નથી,
એ નિશાનીમાં હજી ભીંતે વસે છે દીકરી.
-જિજ્ઞા મહેતા.
(6)
કોઈ સવારે સ્વપ્નની માફક, તને હું ભૂલી જઈશ ;
તું ભૂલી જા, એ પછી બેશક, તને હું ભૂલી જઈશ.
– રાધિકા પટેલ
(7)
હું અપેક્ષાની સરકતી નાવમાં છું,
ખૂબ મોડી છિદ્રની સમજણ મળે છે.
-ભાર્ગવી પંડ્યા
(8)
સમયનો ખેલ શીખવાડે કશું કાયમ નથી હોતું,
અરીસો થાય છે ઝાંખો જરા લહેજો નરમ રાખો.
-ગોપાલી બુચ
(9)
આહત મને કરશો અગર તાંડવ થવાનું છે ફરી
કૂદી હતી જે યજ્ઞ વેદીમાં સતી, એ હું હતી.
– રિન્કુ રાઠોડ
(10)
તુ જ આપે તુ જ કાપે આટલી દાદાગીરી.
નાચવુ તારી જ થાપે આટલી દાદાગીરી.
-રક્ષા શુકલ