પ્રેમ સાગરને તરવામાં કાગળ ને કલમ બધા ટુંકા લાગે!
પ્રેમ વિષે લખવા બેસુંને
મને આ શબ્દો બધા સુકા લાગે!
પ્રેમ એટલે આશ,
પ્રેમ એટલે શ્વાસ…!
પ્રેમ એટલે
આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ…!
પ્રેમ એટલે
આપણા અલગ-અલગ સપનાઓને
એક તાંતણે બાંધવાનો પ્રયાસ…!
પ્રેમ એટલે
એક મેકના મન તરફ, મન માટે
જીદંગીભરનો સુંદર પ્રવાસ…!
પ્રેમ એટલે
આપણે બે હતા હવે એક થયા
જાણે આ ધરતી ને આકાશ…!
પ્રેમ એટલે
તને ઓઢુ, તને પહેરુ, તને શ્વસુ
તું જ છે સદા મારી
આસ-પાસ…!
પ્રેમ એટલે
હજી નથી કરી શકાઈ વ્યાખ્યા
પ્રેમમાં રહી ગઇ કચાશ…!
પ્રેમ એટલે હાજર હોય
યા ગેરહાજર
કશીશ કદીયે ના કરમાય
અહેસાસ હરદમ અનુભવાય.
પ્રેમ એટલે જેમાં સોદો ન હોય,
પ્રેમ એટલે જેનાં મોલ ન હોય,
પ્રેમ એટલે જેમાં સ્વાર્થ ન હોય,
પ્રેમ એટલે જે ઝરણાં સમાન ,
પવિત્ર હોય,
પ્રેમ ને દિશા ન હોય,
પ્રેમ ને રંગ ન હોય,
પ્રેમ ને સ્વાદ ન હોય,
પ્રેમમાં માન યા
અપમાન ન હોય!
પ્રેમમા આશા યા
નિરાશા ના હોય!
પ્રેમ તો શાશ્વત હોય.
પ્રેમ એ શાશ્વત …
નથી એને કોઈ કુંડાળું,
નથી કોઈ મીડું,
નથી કોઈ મથાળું,
પ્રેમ કોઈ શબ્દમાં,
બંધાયેલો નથી,
પ્રાણી માત્રમાં!
જીવ, જીવમાં એ વિશાળ!!
પ્રેમ એટલે શાશ્વત લાગણીઓનું અસીમ સોપાન!
પ્રેમ એટલે કલાત્મક
ઊર્મિઓનું આવરણ!
પ્રેમ એટલે મૌન તરંગોને પ્રેમી તરફ પહોંચાડતું સાધન!
પ્રેમ અટલે ગણિત વગરનું આત્મ-સમર્પણ!
પ્રેમ એટલે ગહન પણ અવર્ણનીય આનંદની પરાકાષ્ઠા!
પ્રેમ એટલે જીવનની ગઝલ ને ઘેલી લાગણીઓથી ઓપતો
સમયાન્તરે
વધુ ને વધુ નવપલ્લવિત થતો
ઊર્મિઓનો મેળો!
પ્રેમ એટલે એક્બીજાંને પરસ્પર ખોવાડી દેતો શ્રુંગારમય રસ!
પ્રેમ એટલે સ્નેહનાં અમૃતબિંદુઓની
અમર્યાદિત સરવાણી!
પ્રેમ એટલે મનનાં
ઊંડા મહાસાગરમાં ઉદ્ભવતાં
પરિણય ના દિવ્ય મોતી!
પ્રેમ એટલે શેરડીનો મીઠો રસ
જે ક્ક્ત પ્રેમીઓ જ સમજી શકે!
પ્રેમ એટલે બે દિલોની લાગણીઓનું સુભગ મિલન!
પ્રેમ એટલે કશા પણ
આડંબર વગર વધુ ફુલતો
પારસ્પરિક ભાવ!
પ્રેમ એટલે સનાતન
ભારતીય સંસ્કૃતિ ની
અમૂલ્ય ભેટ!
પ્રેમ એટલે આત્મિયતા નું સદૈવ મૈત્રીમાં પરિણમતું અખંડ ઝરણું!
પ્રેમ એટલે નટખટ અને તોફાની ભાવ જે ફૂલે માત્ર લૂંટાતી વખતે!
પ્રેમ એટલે ‘કલાપી’ના
કાવ્ય-પુષ્પોની માળા પહેરાવી કરાતો પ્રણયનો એકરાર!!
-ડો. દક્ષા જોશી
અમદાવાદ
ગુજરાત.
