ઉદયપુરના ભૂતમહાલ વિસ્તારમાં મંગળવારે બપોરે કપડાં સીવડાવવાના બહાને આવેલા મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ દ્વારા ટેલર કન્હૈયાલાલની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

રાજસ્થાનના ઉદયપુરમાં માર્યા ગયેલા ટેલર કન્હૈયાલાલ હત્યાકાંડના પડઘા હવે સુરતમાં પણ પડ્યા છે. બજરંગ દળ દ્વારા મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદના પૂતળા દહન કરીને કનૈયાલાલના હત્યારાઓને ફાંસીના ફંદે ચડાવવાની માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તાઓએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો.
કન્હૈયાલાલની ઉદયપુરમાં ભૂત મહેલ પાસે સુપ્રીમ ટેલર્સ નામની દુકાન છે. મંગળવારે બપોરે બે યુવકો દરજીની દુકાને કપડાં સીવડાવવાના બહાને આવ્યા હતા અને માપ આપવાના બહાને તિક્ષ્ણ હથિયાર વડે કન્હૈયાલાલની હત્યા કરી નાખી હતી. આ પછી બંનેએ વીડિયો શેર કર્યો અને કહ્યું કે, આ ઘટના ઈસ્લામના અપમાનનો બદલો લેવા માટે કરવામાં આવી છે.
રાજસ્થાન SITએ આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એકનું નામ મોહમ્મદ રિયાઝ અને બીજા આરોપીનું નામ ગૌસ મોહમ્મદ છે. ઘટના બાદ ઉદયપુરના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે 8 વાગ્યા સુધી આગામી આદેશો સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી અશોક ગહલોતે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
આ વિવાદ જૂનના પહેલા સપ્તાહમાં શરૂ થયો હતો. ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં કન્હૈયાલાલના પુત્ર દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ , 11 જૂને, કન્હૈયાલાલના પાડોશી નાઝિમે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો. ધરપકડ બાદ તેને કોર્ટમાંથી જામીન પણ મળી ગયા હતા.
આ પછી પણ કન્હૈયાલાલને ધમકીઓ મળી રહી હતી. ડરના કારણે કન્હૈયાલાલે તેની દુકાન પણ ખોલી ન હતી. 15મી જૂને પોલીસને પત્ર લખીને તેની હત્યાની શક્યતા વ્યક્ત કરી સુરક્ષાની માંગ કરી હતી. આ કેસમાં પોલીસે કન્હૈયાલાલ અને તેના પાડોશી વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું. ત્યાર પછી, જ્યારે તેણે હિંમત કરીને દુકાન પર આવ્યો, ત્યારે તેની હત્યા કરી દેવામાં આવી હતી.