રથયાત્રા દરમ્યાન લોકોને રોજીંદી આવન જાવનમાં તકલીફ ન પડે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી છે યાત્રા પસાર થવાની હોય તેટલો જ સમય રૂટ બંધ રહેશે. આ ઉપરાંત વૈકલ્પિક રૂટ નિયત કરાયા છે. યાત્રાના દર્શનાર્થીઓની સાથે સાથે શહેરની રોજિંદા ટ્રાફિક નિયમનને પણ અસર ન થાય અથવા અત્યંત ઓછી તકલીફ પડે તે રીતે ટ્રાફિક નિયમનની વ્યવસ્થા કરવામાં આવી છે. એક સપ્તાહ પહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાની સમગ્ર તૈયારીઓની સમગ્ર સમીક્ષા દરમિયાન જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસ વર્ષોથી આ કામગીરીનો અનુભવ ધરાવે છે અને તેને અનુરૂપ વ્યવસ્થા ગોઠવે છે, એટલે જ રથયાત્રા સુખરૂપ સંપન્ન થાય છે. મંત્રીએ જણાવ્યું હતું કે રથયાત્રા શહેરના જુદા જુદા હિસ્સાઓમાંથી પસાર થાય છે એટલે જે હિસ્સામાં રથયાત્રા હોય એ સિવાયના ભાગમાં લોકોને અવરજવરની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સંદર્ભમાં રથયાત્રા જ્યાંથી પસાર થવાની છે એ માર્ગોને એટલા સમય માટે બંધ કરી એના વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા છે. આ અંતર્ગત ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, રથયાત્રા પસાર થાય ત્યારે રથયાત્રાના રૂટ સિવાય રોજિંદો ટ્રાફિક અન્ય રૂટ ઉપરથી સરળતાથી અવરજવર કરી શકે તે માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેર જનતાને અપીલ છે. ખમાસા ચાર રસ્તાથી જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફૂલ બજાર સુધીનો રૂટ સવારે ૨.૦૦ કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. આજ રીતે રાયખડ ચાર રસ્તા અને આસ્ટોડિયા દરવાજાનો વિસ્તાર સવારે ૫.૦૦ કલાકથી સવારે ૧૧.૦૦ કલાક સુધી અને સાંજે ૫.૦૦ કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ રૂટ સવારે ૯:૦૦ કલાકથી બપોરે ૪:૩૦ કલાક સુધી બંધ રહેશે. આ સમય દરમિયાન રાયખડ ચાર રસ્તાથી વિક્ટોરિયા ગાર્ડન થઈ રિવરફ્રન્ટ ફુલ બજાર, જમાલપુર બ્રિજ, ગીતામંદિર તથા રાયખડ ચાર રસ્તાથી જમાલપુર ગાયકવાડ હવેલી અને આસ્ટોડિયા ચાર રસ્તાથી ગીતામંદિર જમાલપુર બ્રિજ. સરદાર બ્રિજ અને પાલડી તરફનો માર્ગ વૈકલ્પિક રૂટ તરીકે જાહેર કરાયો છે. આ જ રીતે સારંગપુર સર્કલથી, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજથી સરસપુર સુધીનો રૂટ સવારે ૯.00 કલાકથી થી બપોરે ૪.૩૦ કલાક સુધી બંધ રહેશે. તેના વિકલ્પરૂપે લોકો કામદાર ચાર રસ્તાથી હરિભાઈ ગોદાણી સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલ પૂરા ચાર રસ્તા, ચામુંડા બ્રીજ, ચમનપુરા સર્કલથી અસારવા બ્રિજ થઈ ઇદગાહ સર્કલ સુધીનો માર્ગ ઉપયોગ કરી શકાશે. શહેરના કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજાથી દરિયાપુર દરવાજા અને દિલ્હી ચકલા સુધીનો રૂટ સવારે ૯.૩૦ થી બપોરે ૪.૩૦ કલાક સુધી બંધ રહેશે. આ માર્ગના વિકલ્પ રૂપે શહેરીજનો ઇન્કમટેક્સ થઈ ગાંધી બ્રિજ, રાહત સર્કલ, દિલ્હી દરવાજા થઈ ઇદગાહ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે આ જ રીતે દિલ્હી ચકલાથી શાહપુર દરવાજા, શાહપુર ચકલાથી રંગીલા ચોકીથી આરસી હાઇસ્કુલ, ઘીકાંટા ચાર રસ્તા, પાનકોરનાકા, માણેકચોકથી ગોળ લીમડા થઈ મંદિર તરફનો માર્ગ સાંજે ૫.૩૦ કલાક થી રથયાત્રા ખમાસાથી પસાર થાય ત્યાં સુધી બંધ કરાશે. તેના વિકલ્પ રૂપે શહેરીજનો દિલ્હી દરવાજાથી રાહત સર્કલ થઈ દધીચી સર્કલ, રીવરફ્રન્ટ, લેમન ટ્રી, રૂપાલી, વીજળીઘરથી લાલ દરવાજા સુધીના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત રથયાત્રાના રૂટ ઉપરના શાહપુર હલીમની ખડકીથી શાહપુર દરવાજા બહાર સુધી હાલ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલુ હોય રથયાત્રાના દર્શન માટે આવતા દર્શનાર્થીઓ આ સ્થળના બદલે કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા સુધીના વિસ્તારમાં રથયાત્રાના દર્શન કરી શકશે તેમ સંયુક્ત પોલીસ કમિશ્નર એ જણાવ્યું છે.
