*માનવ ગરિમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-‘૨૨ દરમિયાન*
*૫૩૬ લોકોને સ્વરોજગાર કિટ્સ અપાઈ*

*રાજકોટ, તા. ૧૫ જુલાઈ -* ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગને મદદરૂપ થવાના હેતુ સાથે વિવિધ યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિના લોકોના વિકાસ અર્થે અનેક યોજનાઓ અમલી છે. જે પૈકી માનવ ગરિમા યોજના અંતર્ગત નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક વ્યક્તિઓને સ્વરોજગારી અર્થે ધંધા-રોજગાર અનુરૂપ કિટ્સ નિઃશૂલ્ક આપવામાં આવે છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિના કુલ ૫૩૬ જેટલા લોકોને માનવ ગરિમા યોજનાનો લાભ આપી તેમને વ્યવસાય કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તેમ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, રાજકોટના નાયબ નિયામકશ્રી સી. એન. મિશ્રાએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે અરજદારની વય મર્યાદા ૧૮થી ૬૦ વર્ષ હોવી જોઇએ. ગ્રામ્ય વિસ્તારમાં રૂા. ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં રૂા. ૧,૫૦,૦૦૦ની વાર્ષિક આવક ધરાવતા હોય, તેવા અનુસૂચિત જાતિના લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે. અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી. લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના કુટુંબના અન્ય સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલ હશે, તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી. અરજદારે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક), અરજદારની જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો, બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું) અને એકરારનામું રજૂ કરવાના રહેશે.
માનવ ગરિમા યોજના હેઠળ કુલ ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે. જેમાં કડીયાકામ, સેન્ટીંગકામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ, મોચીકામ, દરજીકામ, ભરતકામ, કુંભારીકામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ, ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ, સુથારીકામ, ધોબીકામ, સાવરણી-સુપડા બનાવનાર, દુધ-દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ-ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ, પંચર રીપેરીંગ, ફ્લોર મીલ, મસાલા મીલ, મોબાઇલ રીપેરીંગ, હેર કટીંગ (વાળંદ કામ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેવા માટે https://esamajkalyan.gujarat.gov.in પર અરજી કરી શકાય છે.
*માર્ગી ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*