રોજબરોજના યોગમાં ઓમકાર એ યોગની શરૂઆતમાં અને યોગ કર્યાનાં અંતમાં કરવામાં આવે છે.
તેને ઉદ્ગિત પ્રાણાયામ તરીકે પણ ઓળખવામાં આવે છે.

શરૂઆતમાં એટલે માટે કે જ્યારે આપણે યોગ કરવા માટે સજ્જ થઈએ છીએ ત્યારે ઓમકાર કરવાથી આપણી પ્રાથમિકતા ફક્ત આપણું શરીર જ હોવી જોઈએ.બાકી બધી જંજાળમાંથી એટલો સમય મુક્તિ મળે.
અને અંતમાં એટલે માટે કે યોગ કરી લીધા પછી કુલીંગ ઈફેક્ટ માટે ૐકાર કરવો .જેથી ઓમકાર બાદ ફરીથી નવી ઊર્જાનો સંચાર થાય અને સ્ફુર્તિનો અનુભવ થાય.
ૐ એ ત્રણ અક્ષરનો બનેલો છે.
અ ,ઉ અને મ. ॐ ના બધાં ગુણોનું વર્ણન અસંભવ છે.એનો અસ્ખલિત અને સતત વહેતો પ્રવાહ છે.
ઓમનો મહિમા પણ અવ્યક્ત છે.
ઓમકારને પ્રણવ પણ કહે છે.
જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું ત્યારે એક ગેબી અવાજ પેદા થયો હતો,આ અવાજ ઓમકારનો હતો એમ માનવામાં આવે છે.
ૐના અ(A), ઉ(U)અને મ(M)માં:
-સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોક સમાયેલ છે.
-વર્તમાનકાળ , ભૂતકાળ, અને ભવિષ્યકાળ સમાયેલ છે.
-બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ સમાયેલ છે.
-જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થા સમાયેલ છે.
-લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ સમાયેલ છે.
-નર,નારી અને નાન્યતર જાતિ પણ સમાયેલ છે.
-ઉષ્મા, ઉર્જા અને પ્રાણ પણ ઓમકારને આભારી છે.
ૐકારની સાધના કરવા સ્વસ્થ ચિત્તે,શાંત, ટટ્ટાર બેસી,હોઠ બંધ રાખીને, જીભને તાંળવા સાથે ચોટાડીને ઓમકારનો નાદ શરૂ કરવો.આ નાદનો ગુંજારવ હોઠ બંધ રાખી એટલો બુલંદ બનાવવો કે જેથી બહાર ભીતરનો અવાજ સાંભળી શકાય.
આંખો બંધ રાખી આ ક્રિયા કરવાથીશરીરને અદભુત અને આલ્હાદક અનુભૂતિ થાય છે.ઓમનાં ગુંજારવથી ભીતર અમૃત ઝરતું હોય એટલી અપ્રતિમ અનુભૂતિ થાય છે. સ્ફુર્તિ અને નવી તાજગી અનુભવાય છે. ઓમકાર નિયમિત કરવાથી શારીરીક,માનસિકતાની સાથે પરમાત્માની આધ્યાત્મિક અનુભૂતિ પણ અનુભવાય છે.
દરરોજ એક મિનિટમાં ચાર આવર્તનમાં ઓમકારનું ગાન કરવું. પ્રત્યેક ૐકારમાં
પંદર સેકન્ડ આપવી.
વિચાર કરો કેટલો શક્તિશાળી પ્રાણાયામ છે કે પંદર સેકન્ડમાં એ અસર કરે છે..!
ઓમકાર પરમ તત્વને પામનારૂ રસાયણ છે.
ઓમકાર કરવાથી એનાં ધ્વનિના કંપનોથી એને કરનાર વ્યક્તિની આસપાસ એક મેગ્નેટીક ફીલ્ડ જનરેટ કરે છે .જેને કારણે એના ધ્વનિ તરંગોના આંદોલનો મગજની નસોમાં એક અજબનો હળવાશનો ભાવ મહેસુસ કરાવે છે અને એમાંથી મુડ સ્ટેબીલાઈઝ કરતાં અંત:સ્ત્રાવોનો જોઈતો પ્રવાહ વહેવા માંડે છે. જેથી કરીને શરીરના બીજા અંગોને પણ સહાયતા મળે છે . જેને કારણે બ્લડ પ્રેશર, હ્રદયના ધબકારાની સંતુલિતતા જળવાઈ રહે છે.મેટાબોલીઝમ અને બીજા જ્ઞાન તંતુઓ પણ કંટ્રોલમાં રહે છે.
-જેથી કરી ડિપ્રેશન અને એપીલેપ્સી જેવા રોગોમાં ફાયદો થાય છે.
-મનમાં સ્થિરતા આવે છે.
-નિર્ણયાત્મક શક્તિ પેદા થાય છે.
-અંત:કરણ શુધ્ધ થાય છે.
-પ્રેરણાશક્તિ વધી આત્મબળ વધે છે.
-એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત થાય છે.
– તણાવ અને નકારાત્મક વિચારો દૂર થાય છે.
-દોષ અને દુર્ગુણો દૂર કરે છે.
-સિધ્ધિદાયક મંત્ર છે.
-ઉર્ધ્વારોહણ તરફ ગતિ કરાવે છે.
-અધ્યાત્મશક્તિ વધે છે.
– ચહેરાનું તેજ અને કાંન્તિ વધે છે.
-બુધ્ધિ વધે છે
-પ્રતિભાશાળી થવાય છે.
-આજ્ઞાચક્ર સતેજ થાય છે.
-હ્રદયચક્રને સુદ્રઢ બનાવે છે.
-શારીરિક, માનસિક અને ધાર્મિક જોડાણ મજબુત બનાવે છે.
-આત્મવિશ્વાસ બમણો થાય છે.
-સંમોહક વ્યક્તિત્વ વિકસાવી શકાય છે.
આમ ૐકાર એ યોગમાં એક અનુભૂતિનો વિષય છે એને વાંચ્યા કરતાં પ્રયોગાત્મક રીતે અનુભવવો જોઈએ. ઓમકાર અનાહદ નાદ છે.
કોઈપણ ટકરાવ કે આઘાત વિના થયેલ નાદ-ધ્વનિ છે.દુ:ખોનાં ભ્રંમ ભાગવા માટે અકસીર ઉપાય છે.ઓમકાર એ અનંતને પામવાનો આખરી ઉપાય છે. એક અખંડ નાદ બ્રહ્મ છે…ઓમકાર.
ૐ ૐ ૐ
©️ૠતંભરા વિશ્વજીત
ઠાકર