
પશ્ચિમોત્તાનાસન એ શિવજીનું એક મનપસંદ આસન હઠ યોગના મૂળ 12 આસનોમાનું આ એક આસન છે. આ આસનને શિવ સંહિતા સૂત્રમાં પ્રાણને સંતુલિત કરવાવાળું આસન પણ કહેવામાં આવ્યું છે. પશ્ચિમોત્તાનાસન એટલે કે શરીરનો પશ્ચિમ ભાગ, એટલે કે પાછળના હિસ્સાને તીવ્રત ખેચાવ સાથે ઉત્તર એટલે કે આગળની તરફ ખેંચીને આસન ગ્રહણ કરવું. આ આસન કરવા માટે બંને પગ સીધા રાખીને બેસવું, પગ અડે તે રીતે રાખવા, એવી રીતે રાખવા કે ઘૂંટણ બિલકુલ ઊંચા ના થાય અને બંને પગના સાથળ પગ અને પંજા એકબીજાને અડકેલા રહે. ત્યારબાદ બંને હાથને આગળની તરફ મેરુદંડને વાળીને લાવવા અને હાથની પહેલી બે આંગળી અને અંગૂઠાથી પગના અંગૂઠાને પકડીને દાઢી ઘૂંટણને અડાડવી. પછી માથું બે પગની વચ્ચે મૂકવું. આસનમાં જ્યાં રોકાવાય ત્યાં શ્વાસ ભરીને એટલે કે કુંભક કરીને ધીરે ધીરે શ્વાસ છોડતા જાઓ એટલે કે રેચક કરતા કરતા આસનમાં આવો. દાઢીને મૂળાધાર ચક્રની દિશામાં તથા ચિત્તવૃદ્ધિને મૂળાધાર ચક્રમાં સ્થાપિત કરો. આ આસનને ઉગ્રાસન પણ કહેવામાં આવે છે. ઉગ્રાસન એટલે કે અતિશય આકરું. શિવ સંહિતામાં શિવજીએ કહેલું છે કે પશ્ચિમોત્તાસન એ સર્વશ્રેષ્ઠ આસન છે. આ આસનના અભ્યાસ દ્વારા મંદાગ્નિ, મળાવરોધ, અજીર્ણ, કૃમિ, વિકાસ, કમરનો દુખાવો, વાતવિકાર, હેડકી, કોઢ, મધુપ્રમેહ, દમ, અનિંદ્રા, વ્યંધત્વ, નપુશકતા જેવા અગણિત રોગોમાં ફાયદો થાય છે, અને મેદ પણ ઘટે છે. આ આસનનો અભ્યાસ 1 મિનિટથી ચાલુ કરી 15 મિનિટ સુધી પહોંચવા દેવો. ધીરે ધીરે આગળ વધવું હિતાવહ છે.