– તાવ દરમિયાન ખંજવાળવાળી ફોલ્લી થવી, ચકામા પડવા, સ્નાયુમાં દુખાવો મંકીપોક્સના લક્ષણો
ભારતમાં મંકીપોક્સના કેસમાં હવે ચિંતાજનક વધારો થઇ રહ્યો છે અને કેરળમાંથી ૩-દિલ્હીમાંથી ૧ એમ કુલ ચાર કેસ સામે આવ્યા છે. આ સ્થિતિને પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મંકીપોક્સના ટેસ્ટ માટે ૪૫ જેટલી કિટ મગાવવામાં આવી છે. મંકીપોક્સના રીઝલ્ટ માટે ૧૬ કલાક જેટલી રાહ જોવી પડશે.

પ્રાપ્ત વિગતો અનુસાર દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તકેદારી વધારી દેવામાં આવી છે. મંકીપોક્સ માટે હાલમાં ૮ બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જરૃર પડશે તો આ વોર્ડમાં બેડની સંખ્યા વધારીને ૧૮ કરવામાં આવશે. સ્થિતિ વધુ વકરે તો તેવી સ્થિતિમાં ૧૨૦૦ બેડ હોસ્પિટલનો ઉપયોગ મંકીપોક્સના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ દર્દીમાં મંકીપોક્સ છે કે નહીં તે ચકાસવા માટે ૪૫ જેટલી કિટ મગાવાઇ છે. આરટીપીસીઆરની જેમ જ તેમાં ટેસ્ટ કરાશે. દર્દીની સ્થિતિ વધુ ગંભીર હોય તો તેવી સ્થિતિમાં સીરમથી પણ ચકાસી શકાશે. રાહતની વાત એ છે કે, ગુજરાતમાં હજુ સુધી મંકીપોક્સનો એકપણ શંકાસ્પદ દર્દી નથી. તજજ્ઞાોના મતે તાવ દરમિયાન ખંજવાળવાળી ફોલ્લી થવી, ચહેરા-હાથ-શરીરના અન્ય ભાગો પર ચકામા-દાણા નીકળવા મંકીપોક્સના કેટલાક લક્ષણો છે.