એકાંત….અગમ્ય અજવાસ

ભીતરના અજંપાને શાંત કરવાનું સ્થળ એટલે એકાંત ….
સ્વ સાથે સંવાદ કરવાનું સ્થળ એટલે એકાંત …
આત્મચિંતન અને આત્મમંથન કરવાનું સ્થળ એટલે એકાંત ..
એકાંત માણસને માત્ર જીભ નહીં મન પણ શાંત રાખતાં શીખવે છે .
એકાંત એટલે શરીરને અન્યથી દૂર લઇ જવું નહીં ,પણ મનને મુંઝવણોથી દૂર લઇ જવું.એકાંત એટલે એક એવો સમય જેમાં વ્યક્તિ તે જેવો છે ….અને તે જેવો બનવાં માંગે છે એનું ભીતરથી કરવામાં આવતું સંશોધન .જ્યાં વ્યક્તિ બીજાનું મૂલ્યાંકન નથી કરતો ,પણ પોતાના ગુણ – અવગુણનું સાચા મનથી મૂલ્યાંકન કરે છે .
કેટલાંક લોકોને એકલા રહેવાનું ખુબ પસંદ હોય છે .આવા લોકો એકાંતને પણ ખુબ એન્જોય કરતાં હોય છે અને તે સમયે તેઓ પોતાનાંમાં પહેલાં કરતાં વધુ રચનાત્મકતા અનુભવે છે .જીવનની દરેક ક્ષણને યાદગાર બનાવવાનાં એમના તમામ પ્રયત્નો કંઈક અનોખા હોય છે .જયારે કેટલાંક લોકોને જો એકલું રહેવાનું આવે તો તેઓ માનસિક રોગો થી ગ્રસિત થઇ જાય છે .તેઓ પોતાની જાતને સૌથી દુઃખી અને પોતાનાઓ એમને તરછોડયા છે ,એમ માનવાં લાગે છે .તેઓને પોતાની જિંદગી બોજ લાગવાં માંડે છે .
એકાંતપ્રિય વ્યક્તિ એ ચાહે સ્ત્રી હોય કે પુરુષ દુનિયા માટે એક રહસ્યમય કોયડો બની જતાં હોય છે ,જેને નજીકથી જાણવા લોકો વધુ પડતાં પ્રયાસ કરે છે .આવા લોકો બહુ સિલેકટીવ હોય છે ….બહુ ઓછા વ્યક્તિઓ સાથે મિત્રતા રાખતાં હોય છે .તેઓ ચિંતન અને મનન કરી પોતાના જીવનને એક નવી દિશા આપે છે .પોતેતો પોતાના બધા કાર્ય જાતે કરવાનો આગ્રહ રાખે છે સાથે બીજાને મદદ કરવાં હંમેશા તૈયાર હોય છે .
એકાંતપ્રિય લોકો અન્ય લોકો માટે એક બંધ પુસ્તક જેવા હોય છે તેથી લોકો એમની તરફ આકર્ષાય એ સ્વાભાવિક છે .ઘણીવાર આવા લોકો એકાંતમય જીવન ગાળીને પોતાની અંદર રહેલી સુષુપ્ત પ્રતિભાને દુનિયા સામે લાવીને સૌને અચંબિત કરી દે છે .તેઓ દુનિયાની ભીડ માં ખોવાતા નથી ,પણ પોતાની જાતને અલગ રાખી પોતાની વિશેષતાઓ ને ઉજાગર કરતાં હોય છે .
મોટાભાગે આવા લોકોનો ઓરા સકારાત્મક હોય છે .એમનું મૌન એક અનોખી શક્તિ એમની વાણીને આપે છે ….તેથી એમના શબ્દોથી લોકો વશીભૂત થતાં હોય છે .સાત્વિક વિચારો વાળા વ્યક્તિ એકાંતને ઉત્સવ બનાવે છે .અન્ય કરતા અલગ જીવન જીવતા આવા લોકો પોતાના સુખોની સરખામણી બીજાના સુખ
સાથે કરવામાં સમય નથી બગાડતા ,તેથી તેઓ વધુ ખુશ રહી શકે છે .
આવા વ્યક્તિ પોતાના સ્વમાન જાળવવાં કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હોય છે . સ્વમાન ના ભોગે એમને કાંઈ પણ મંજુર નથી હોતું . દરેકના પ્રશ્નો ના જવાબ આપવાનું ટાળતાં હોય છે .એમને સ્વત્રંતતા ખાસ પસંદ હોય છે .
મનના ઇન્દ્રધનુષના એકાદ રંગને પારખતા આવડી જાય તોય આપણું જીવન ધન્ય બની જાય ….એકાંત બસ એક એવો સમયગાળો છે .માનવી ચિંતન કરી તૃષ્ણાની પાંખો જાતે જ કાપે છે ત્યારબાદ એની ભીતર રહેલો શક્તિનો ખજાનો એને મળે છે . વ્યક્તિ તેના આચાર -વિચાર માં પારદર્શિતા રાખે એ અનિવાર્ય છે એના માટે મનોમંથન જરૂરી છે .મનને શુદ્ધ કરવા માત્ર ગંગા સ્નાન જરૂરી નથી ….ચારિત્ર્યશુદ્ધિ એ સૌથી જરૂરી અને પ્રથમ પગથિયું છે .એકાંત એક એવી સાધના છે જેમાં વ્યક્તિ પોતાની જાતને દર્પણ માં જોવે છે અને પોતાની અંતરાત્મા સાથે વાત કરે છે .
એકાંત જીવને શિવ સાથે એકાકાર થવાનો મોકો આપે છે .મારું માનવું છે એકાંત વ્યક્તિને પોતાની લાગણી પર સંયમ રાખતા શીખવે છે માટે રોજિંદી દોડધામ વાળી જિંદગીમાંથી દરેકે થોડોક સમય પોતાની જાત સાથે અવશ્ય ગાળવો જોઈએ જેથી બીજા દિવસ માટે વ્યક્તિ ચાર્જ થઇ જાય …આવનારી તમામ તકલીફો નો સામનો કરવા માટે .
એકાંતને સ્વીકારનાર વ્યક્તિ પોતાના જીવનના અભ્યુદય માટે દુનિયાની ભીડથી દૂર પોતાની જાતને આકાર આપે છે ….સાચા અર્થમાં એજ સત્યપથ છે .
-બીના પટેલ