‘અમદાવાદ : ગૌરવગાથા’ : આવકાર

અમદાવાદ વિશ્વવિખ્યાત ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ છે. તેને અનુરૂપ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં અનેક ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. આમ છતાં ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’નો આ ગ્રંથ નવી ભાત પાડે છે. આ ગ્રંથમાંથી અમદાવાદ નગરનો સળંગ ઇતિહાસ પ્રગટ થાય છે, પણ લેખકનો હેતુ માત્ર ઇતિહાસની હકીકતો પૂરતો મર્યાદિત નથી. તેથી તેમણે આજનાં હજારો ગુજરાતી વાચકને ઉપયોગી બને તેમજ તેમને રસ પડે તેવી રીતે ગુજરાતનાં ગઈકાલનાં તેમજ આજનાં સારસ્વતો, સાહિત્યકારો, ઇતિહાસકારો, ચિત્રકારો, સ્થપતિઓ, પત્રકારો, ડૉક્ટરો, રાજકારણીઓ, કેળવણીકારો, સમાજસુધારકો અને સામાજિક કાર્યકરોની ફોટોગ્રાફ સહિત જરૂરી વિગતો આપી છે અને તે દરેક વાચક માટે અમૂલ્ય રેડી રેફરન્સ’ની ગરજ સારે છે. લેખકનો આશય પૈસા કમાઈ લેવાનો નથી, પણ અમદાવાદ નગ૨ની અસ્મિતા ગરવી ગુજરાતી ભાષા દ્વારા પ્રગટ કરવાનો છે અને લેખક તેમના આ મિશનમાં સંપૂર્ણ સફળ થયા છે.
આ પુસ્તકની રસપ્રદ વાત તો એ છે કે લેખકે માત્ર અમદાવાદના ઇતિહાસને જ ઉલેખ્યો નથી, પણ સાંપ્રત સાંસ્કૃતિક પ્રવાહોને પણ લક્ષ્યમાં રાખ્યા છે. તેમાં અમદાવાદની ગૌરવ લેવા જેવી ઘણી બધી બાબતોનો સમાવેશ છે. પહેલાંના જમાનાનો અમદાવાદી કંજૂસ હતો અને તે હોટલમાં ચા પીવા જાય ત્યારે અડધી ચા મંગાવતો. આજનો અમદાવાદી ‘સુરતીલાલા’ની જેમ લહેરી હોવાથી તે હોટલ, રેસ્ટોરાં, ચાના સ્ટોલ, માણેકચોક અને લો-ગાર્ડનની ખાઉં’ગલી એમ બધે જ ફરી ફરીને જીભને અવનવા સ્વાદ આપે છે. બીજી તરફ માણેકભાઈ પ્રોફેશનલ ડેન્ટિસ્ટ છે, પણ તેઓ જીભ અને દાંત વચ્ચે સમાધાન કરી આપે છે. તેથી જ સ્તો એમણે અમદાવાદનાં ફરસાણ માર્ટ, રાયપુર ભજિયાં હાઉસ અને ચંદ્રવિલાસની ચટાકેદાર વાત કરીને લખ્યું છે કે ખુદ સ૨દા૨ વલ્લભભાઈ પટેલ પણ જ્યારે ઇંગ્લૅન્ડથી બૅરિસ્ટર થઈને 1913માં અમદાવાદ આવ્યા ત્યારે તેઓ ગુજરાત ક્લબમાં બેસીને મિત્રો સાથે રાયપુર ભજિયાં હાઉસમાંથી ગરમાગરમ ભજિયાં મંગાવીને તેનો ટેસ્ટ ચા સાથે માણતા હતા. ડૉ. માણેકભાઈએ આવી નક્કર ઐતિહાસિક હકીકતોને અમદાવાદની કલ્ચરલ લાઇફ સાથે સાંકળીને અમદાવાદને સદાબહાર’ બનાવ્યું છે.
આ બૃહદ ગ્રંથ એક વાર હાથમાં આવ્યા પછી છોડવાનું ગમતું નથી. ડૉક્ટરે ઇતિહાસ અને સાંપ્રત પ્રવાહો વચ્ચે મજબૂત અને પ્રેમાળ સેતુ રચી આપ્યો છે. લેખકની વર્ષોની તપશ્ચર્યા ફળીભૂત થઈ છે. આજની પેઢીના દેશ-વિદેશમાં વસતા અમદાવાદીઓ-ગુજરાતીઓ ડૉ. માણેકભાઈ પટેલનાં ઋણી રહેશે. અત્રે એક વાત ખાસ ઉમે૨વાની છે. માણેકભાઈનો આ ગ્રંથ અચાનક રીતે પ્રગટ નથી થયો. અગાઉ તેમણે ઘણા ગ્રંથો ગુજરાતને ચરણે ધર્યા છે. છેલ્લાં ત્રીસ વર્ષ અમદાવાદમય બની સંશોધન કામ કર્યું છે
ડૉ. માણેકભાઈ સાચા અર્થમાં અમદાવાદપ્રેમી છે. અમદાવાદ પ્રત્યેની ‘સેતુ’ની લગની મીરાંબાઈની યાદ અપાવે તેવી તીવ્ર અને ઊર્મિશીલ છે, જાણે મેરે તો ગિ૨ધ૨ ગોપાલ, દૂસરા ન કોઈ’ની મીરાંભક્તિનું રૂપાંતર 21મા સૈકામાં ડૉ. માણેકભાઈ પટેલે કર્યું છે. એમનો અમદાવાદપ્રેમ દાદ માગી લે તેવો છે. ડૉ. પટેલે તેમનું તખ્ખલુસ ‘સેતુ’ આ ગ્રંથ દ્વારા સાર્થક કર્યું છે. આવો ઉત્તમ ગ્રંથ રચવા બદલ ડૉ. માણકભાઈને ખૂબ ધન્યવાદ આપીએ છીએ.
એક બીજી વાત પણ અત્રે ક૨વી જોઈએ. કીમતી હીો સંઘ૨વા માટે એકદમ દળદાર કાસ્કેટની જરૂ૨ પડે જ. આ ગ્રંથ પ્રસિદ્ધ ક૨ના૨ શ્રી મનુભાઈ શાહ પ્રિન્ટિંગ ટૅક્નૉલૉજીના વિખ્યાત કસબી છે. પુસ્તકનો ‘ગેટઅપ’ જોઈને આ કથનનો ખ્યાલ આવશે. શ્રી મનુભાઈ શાહ અને તેમની પ્રકાશનસંસ્થા ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ને પણ અમે ધન્યવાદ પાઠવીએ છીએ.
17-4-2022 અમદાવાદ
ડૉ. શિરીન મહેતા
ડૉ. મકરન્દ મહેતા ગુજરાત યુનિવર્સિટી.
એમિરિટસ પ્રોફેસર