દેડીયાપાડા ખાતે
“વિશ્વાસથી વિકાસયાત્રા” નો પ્રાંતકક્ષાનો કાર્યક્રમ યોજાયો

રૂા.૬.૮૫ કરોડથી વધુની રકમના ખર્ચે ૫૦૩ જેટલા વિવિધ વિકાસ કામોનું
મંત્રીના હસ્તે કરાયું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત
સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને હુકમપત્રો અને લાભોનું કરાયું વિતરણ
રાજપીપલા,તા12
ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં પોલિટેકનિક કૃષિ ઇજનેરી કોલેજ ખાતે આજે દેડીયાપાડા પ્રાંત કક્ષાના “વિશ્વાસથી વિકાસયાત્રા” ના યોજાયેલા કાર્યક્રમને દેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ તારાબેન રાઠોડ, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ રોહિદાસ વસાવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન વસાવા, વનમંત્રી મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિત અન્ય પદાધિકારીઓ સહિતના મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો.
સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા મંત્રી વિનોદભાઇ મોરડીયાએ જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘ દ્રષ્ટિ અને લોકાભિમૂખ અભિગમના કારણે દેશમાં વસવાટ કરતા પ્રત્યેક સમાજના લોકોને તેમની સંસ્કૃતિ ટકાવી રાખવા માટે અનેક મોટા નિર્ણયો અને વિકાસ કાર્યો કર્યા છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનએ હંમેશા આદિવાસી સમાજની ચિંતા કરી અને તેમના જ કારણે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરા-ધરોહરને ટકાવી રાખવા માટે નર્મદા જિલ્લાને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની મહામૂલી ભેટ મળી છે.
મંત્રી મોરડીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં દેશને ગૌરવ આપવાનું કામ કર્યું છે, જેમાં સૌ નાગરિકોએ પણ પોતાનું યોગદાન આપી દેશને સશક્ત બનાવવા પ્રયત્નો કર્યા છે. માત્ર એટલું જ નહીં પણ ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલા યોગને વિશ્વ ફલક પર લઈ જઈને સમગ્ર વિશ્વને આરોગ્યની ચાવી સમાન વિશ્વ યોગ દિવસની ભેટ આપી છે.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર ગુજરાતના વિકાસને વેગ આપી અનેક લોકહિતના કાર્યો કરી રહી છે, જેના ફળ આજે છેવાડાના માનવી પણ ચાખી રહ્યા છે. ગરીબ લોકોના પાકા ઘરનું સ્વપ્નને સાકાર કરી લોકોને ઘરમાં નળથી પાણી મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા