નર્મદા જિલ્લાના પાંચ તાલુકા અને નગર પાલિકા વિસ્તારના ૬૧૭ સખી મંડળોને ૬૩૨.૬૪ લાખની કેશ ક્રેડિટના ચેકનુંવિતરણ
કરાયું

રાજપીપલાખાતે
કેશ ક્રેડિટ, રિવોલ્વીંગ ફંડ અને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમ સ્થળે હેલ્થ ચેકઅપ અને વેક્સિનેશન કેમ્પ પણ યોજાયો
રાજપીપલા, તા18
રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વ-સહાય જૂથોનો ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના પાંચ તાલુકા અને રાજપીપલા નગરપાલિકા વિસ્તારના મળી કુલ-૬૧૭ જેટલાં સ્વ-સહાય જૂથોને કુલ રૂા.૬૩૨.૬૪ લાખની કેશ ક્રેડિટ, રિવોલ્વીંગ ફંડ અને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેકનું ઉપસ્થિત મહાનુભવોના હસ્તે સ્વ-સહાય જૂથના બહેનોને વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીના ૭૨ માં જન્મદિવસે સમગ્ર નર્મદા જિલ્લા વતી તેમને શુભકામનાઓ પાઠવતા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાએ વડાપ્રધાનના મહિલા સશક્તિકરણના કાર્યને યાદ કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્રતા પુરી પાડવા અને તેઓ પગભર બની પરિવારના સંચાલનમાં સહભાગી બની શકે તે માટે કરેલા પ્રયાસના ભાગરૂપે મિશન મંગલમની કરેલી શરૂઆત આજે વિશાળ વટવૃક્ષ બની ગઇ છે.
વડાપ્રધાનના મહિલા સશક્તિકરણ સ્વપ્નને સાકર કરતા આ કાર્યક્રમમા, નર્મદા જિલ્લામા કાર્યરત સ્વસહાય જુથો પૈકી ૬૧૭ સખી મંડળોને રૂા. ૬૩૨.૬૪ લાખની લોન મંજુર કરવા સાથે, ૧૦૫ સખી મંડળોને રૂા. ૨૬.૪૩ લાખનુ રીવોલ્વિંગ ફંડ, અને ૩૪૪ સખી મંડળોને રૂા.૪૦૭.૪૧ લાખની કેશ ક્રેડિટ લોન અને ૧૬૮ સખી મંડળોને રૂા ૧૯૮.૮ લાખનું કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ આપવામા આવ્યું હતુ.
રાજપીપલા ખાતે આયોજીત કેશ ક્રેડિટ કેમ્પમાં રૂા.૧૦.૫૦ લાખની ક્રેડિટ મેળવનાર તિલકવાડાના દિવાળીબેન નવઘણભાઇ વસાવાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે ભાગ્યલક્ષ્મી સખી મંડળની પાંચેક વર્ષ પૂર્વે શરૂઆત કરી હતી. ત્યારબાદ ગામમાંથી અન્ય બહેનો પણ સખી મંડળો બનાવવા માટે તૈયાર થતાં કુલ-૦૭ જેટલાં સખી મંડળો શરૂ થયાં આ તમામ મંડળોએ ભેગા મળી અમે શિવ સખી સંઘની રચના કરી હતી.
સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા ઉક્ત કાર્યક્રમના સ્થળે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નાંદોદ અને ગરૂડેશ્વરના આરોગ્ય અધિકારી ડૉ.કે.એસ.સુમનના માર્ગદર્શન હેઠળ હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રોગોના નિષ્ણાંત ૧૨ જેટલાં તબીબોની ટીમે મહિલાઓના બ્લડ પ્રેસર, સુગર, હિમોગ્લોબિન, હાઇપરટેન્શન, ડાયાબિટીશ તેમજ આંખ અને કાનની નોન કમ્યુનિકેબલ ડીસીઝની સ્થળ પર જ ચકાસણી કરી હતી. સાથોસાથ આયુષ્યમાન કાર્ડ અને કુટુંબ નિયોજન અંગે પણ મહિલાઓનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સ્થળે નિ:શૂલ્ક દવાઓના વિતરણ સાથે વેક્સિનેશનની કામગીરી પણ કરવામાં આવી હતી.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા