વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ટીબી મુક્ત ભારત વર્ષ-૨૦૨૫ ના લક્ષ્યને સાકાર કરવા
નર્મદા જિલ્લા આરોગ્ય અને ક્ષય વિભાગની ટીમ સજ્જ

ટીબી ફોરમના અધ્યક્ષ અને જિલ્લા વિકાસ
અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક
રાજપીપલા,તા.21
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૨૫ સુધીમાં સમગ્ર ભારત વર્ષને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય સમગ્ર દેશવાસીઓને આપ્યું છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ ટીબીના દર્દીઓને યોગ્ય સમયે દવાઓ અને નિયમિતપણે યોગ્ય પોષણયુક્ત ખોરાક મળી રહે તે દિશામાં જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત “એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ” નર્મદા જિલ્લામાં હાલમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીના CSR પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવી રહી છે.જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા ટીબી ફોરમના અધ્યક્ષ અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબને વસાવાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને જિલ્લાને ટીબી મુક્ત બનાવવા કાર્ય કરી રહ્યાં છે સાથોસાથ ટીબીના દર્દીઓને ન્યૂટ્રિશિયન કિટ્સ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધર્યાં છે. જે અંતર્ગત જિલ્લામાં દર્દીઓને કિટ્સ અને પુરતી દવાઓ મળી રહે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી ઉક્ત બેઠકમાં WHO ના પ્રતિનિધિ ડૉ.રાહુલ સંઘવીએ ઉપસ્થિત રહી નર્મદા જિલ્લામાં થઇ રહેલી કામગીરી અંગેનો ચિત્તાર રજૂ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ટીબી મુક્ત ભારત ૨૦૨૫ ના સ્વપ્નને સાકાર કરવા માટેનો રોડમેપ પ્રસ્તૃત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ટીબી મુક્ત ભારત-૨૦૨૫ ના આહવાનને સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને આગળ આવી સહિયારા પ્રયાસ કરીએ. હાલમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ દિશામાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આ દિશામાં કામ કરી રહેલી સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે રાખી ટીબીના દર્દીઓને સમયસર દવા અને યોગ્ય પોષણક્ષમ ખોરાક મળી રહે અને તંદુરસ્ત જીવન જીવી શકે તે દિશામાં આગળ આવી કાર્ય કરવા આહવાન કર્યું હતું. તેમણે જિલ્લામાં ટીબી ચેમ્પિયન તરીકે કામગીરી કરી રહેલા કર્મયોગીઓને બિરદાવતા કહ્યું હતું કે, જેઓ પોતે જ આ યાતનામાંથી પસાર થયા છે તેઓ જ જ્યારે દર્દીઓને ટીબીના રોગ અને તેની નિયમીત દવા માટે સમજ પુરી પાડે ત્યારે ટીબી મુક્ત ભારતના અભિયાનને ખૂબ ઝડપભેર સફળ બનાવી શકાય તેમજ પ્રધાનમંત્રી ટીબી મુક્ત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને જનભાગીદારીથી પોષણ કિટ્સ મળી રહે તે માટે જિલ્લાના અગ્રણીઓ પણ ટીબીના દર્દીઓને દત્તક લઇ આ અભિયાનમાં સહભાગી બને તેવો જાહેર અનુરોધ પણ તેઓશ્રીએ કર્યો હતો.
જિલ્લા ટીબી ફોરમની યોજાયેલી બેઠકમાં ટીબીની નિયમીત દવા લઇ રોગમાંથી મુક્ત થઇ કેવી રીતે સ્વસ્થ જીવન જીવી રહ્યાં છે તેની પ્રસ્તૃતી પણ ટીબીને હરાવનાર નાગરિકોએ આપી હતી.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા