હોઠને જે સહેજે મલકાવે નહી,
એને મળવાનું મને ફાવે નહીં.
અન્ય સાથે ખુદને સરખાવે નહી,
માણસોમાં એ સમજ આવે નહી.
જેવો છું એવો જો અપનાવે નહીં
એને કહેજો, હાથ લંબાવે નહીં!
આવડત ખુદની જો અજમાવે નહી.,
તો સફળતા દ્વાર ખખડાવે નહી.
એ મિલન કંઈ બહુ મજા લાવે નહી,
જ્યાં સુધી બંનેને તડપાવે નહી.
આંખ ચાહે, દિલને જે ભાવે નહીં,
રહેવા દો, એ કોઈ પણ ભાવે નહીં!