વાવડી ગામે રૂ. ૩.૭૦ કરોડ ના ખર્ચે નવનિર્મિત વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય તકતીનું અનાવરણ સાથે લોકાર્પણ

વાવડી ગામે નવનિર્મિત અદ્યતન અને સગવડયુક્ત પશુચિકિત્સાલય બનશે
અંદાજે રૂ. ૨૦ લાખના ખર્ચે જિલ્લામાં પશુપાલકોની સેવાર્થે બે (૨) વેટરનરી એમ્બ્યુલન્સને
લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવતા મંત્રી માલમ
પાંચ પશુપાલકોને બકરા પાલન એકમ હેઠળ રૂ. ૨.૪૫ લાખની સહાયના ચેકો મંત્રીના હસ્તે એનાયત
રાજપીપલા,તા 14
રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમના હસ્તે નર્મદા જિલ્લામાં પશુપાલકોના પશુઓને વધુ ઘનિષ્ઠ સારવાર મળી રહે તે માટે વાવડી ગામે અંદાજિત રૂ. ૩.૭૦ કરોડ થી પણ વધુના ખર્ચે નવનિર્મિત વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય તકતીના અનાવરણ સાથે લોકાર્પણ કર્યુ હતુ. તેની સાથો સાથ તેમજ જિલ્લાના પશુ દવાખાના માટે બે (૨) ફરતા વેટરનરી એમ્બ્યુલન્સને લીલી ઝંડી ફરકાવી પશુપાલકોની સેવાર્થે પ્રસ્થાન કરાવ્યું હતું.
પશુપાલન રાજ્યમંત્રી માલમે ગર્વની લાગણી અનુભવતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી ૭૨ હજારથી વધુ પશુ આરોગ્ય મેળાના આયોજન વડે રૂ. ૨.૯૫ કરોડથી વધુ પશુઓને વિવિધ પ્રકારની નિઃશુલ્ક સારવાર આપવામાં સરકારને બહોળી સફળતા મળી છે. દરેક પશુઓને સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી શરૂ કરાયેલ તમામ યોજનાઓનો મહત્તમ લાભ લેવા મંત્રીએ પશુપાલકોને ખાસ અનુરોધ કર્યો હતો.
મંત્રી માલમે વધુમાં જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં ૧૭૯૨ જેટલી સંસ્થાઓ ખાતે મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના હેઠળ રાજ્યના પશુઓને નિ:શુલ્ક પશુ સારવારની સુવિધાઓ મળી રહેલ છે. આ ઉપરાંત ૧૦ ગામ દીઠ એક ફરતા પશુદવાખાનાની સુવિધા ઉભી કરવાની યોજના હેઠળ રાજ્યના ૫૩૦૦ વધુ ગામોને આવરી લઈ રાજ્ય સરકાર દ્વારા કુલ ૪૬૦ ફરતા વેટરનરી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવ્યા છે. જેના દ્વારા આજદિન સુધીમાં ૩૮ લાખથી વધુ પશુઓને નિ:શુલ્ક સારવાર પુરી પાડવામાં આવી છે.
પશુઓના આરોગ્યની આધુનિક સુવિધાઓ ઉભી કરવા માટે હરહંમેશ ચિંતા કરતી રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં નવા ૪૦ પશુ દવાખાના શરૂ કરવા નિર્ણય કર્યો છે. જેના માટે વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં રૂ. ૨.૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માલિકવિહોણા અબોલ પશુઓની સારવાર માટે કરૂણા એનીમલ એમ્બ્યુલન્સની સેવાઓ શરૂ કરી આજદિન સુધીમાં રાજ્યના રૂ. ૪.૨૪ લાખથી પણ વધુ પશુઓને મફત સારવાર પૂરી પાડવામાં આવી છે.
રાજ્યના પશુપાલન નિયામક ડો. ફાલ્ગુની ઠાકરે જણાવ્યું હતું કે, રેફરલ હોસ્પિટલમાં નાના-મોટા સર્જીકલ ઓપરેશન સહિત રોગ નિદાનની જરૂરિયાત પણ સચોટ પણે કરી અદ્યતન સારવાર પુરી પાડવા માટે ટ્રાયબલ એરિયા સબપ્લાન હેઠળ જિલ્લાના બે વેટરનરી એમ્બ્યુલન્સ પશુસારવાર માટે ખુલ્લા મુકાયા છે. વધુમાં ઠાકરે પશુપાલકો માટે અમલી તમામ યોજનાઓથી પશુપાલકોને વિસ્તૃત જાણકારી આપી હતી.
જિલ્લાના અગ્રણી અને નર્મદા સુગર ફેક્ટરી તથા ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પણ પશુપાલન ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકાય તે માટે માર્ગદર્શન પુરુ પાડી પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે મંત્રી માલમ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બકરા પાલન એકમ હેઠળ ૫ પશુપાલક લાભાર્થીઓને રૂ. ૪૫ હજારની સહાય લેખે કુલ ૨.૨૫ લાખની સહાયના ચેકો એનાયત કરાયા હતા.
તસવીર :દીપક જગતાપ