એકતાનગર ખાતે યોજાયેલીવિવિધ રાજ્યોના કાયદો અને ન્યાય વિભાગના મંત્રીઓ અને સચિવ કોન્ફરન્સનું સમાપન

દેશના વિવિધ રાજ્યોના કાયદો અને ન્યાય વિભાગના મંત્રીઓ અને સચિવ કોન્ફરન્સમાં હાજરી આપી ભારતીય ન્યાયપ્રણાલી વિશે કરેલું વિચાર મંથનરાજપીપલા,તા16
દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદામંત્રીઓ અને કાયદા સચિવો ની અખિલ ભારતીય પરિષદ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર-ટેન્ટસીટી નં-૨ ખાતે યોજાઈ હતી. જેમાં દેશના વિવિધ રાજ્યોના કાયદો અને ન્યાયતંત્ર બાબતોના મંત્રીઓ અને સચિવો એ ઉપસ્થિત રહી ભારતીય ન્યાયપ્રણાલી સાથે નવા કાયદા-સુધારાઓ સંદર્ભે વિચાર-મંથન કરી આગામી સમયમાં તેના ઉપર કેવી રીતે કાર્ય કરી શકાય તે અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. એકતાનગર ખાતે યોજાયેલી આ રાષ્ટ્રીય પરિષદના સમાપન સત્રમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુએ આ કોન્ફરન્સમાં બે દિવસ દરમિયાન થયેલી ચર્ચાઓ અને તેના નિષ્કર્ષ, આગામી ભાવી આયોજન, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવેલા દેશના ભવિષ્ય સાથે ન્યાય પ્રણાલીને સરળ અને ઝડપી બનાવવા માટેના પ્રયાસો ઉપર થયેલી ચર્ચાઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો. પરિષદ સંપન્ન થયા બાદ માધ્યમો સાથેના સંવાદમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું હતું કે, એકતાનગર ખાતે કાયદા મંત્રીઓ અને સચિવઓની યોજાયેલી બે દિવસીય બેઠકમાં ખૂબ સારો નિચોડ સામે આવ્યો છે. અનેક મુદ્દાઓ રાજ્ય સરકારો પાસેથી પણ સાંભળ્યા છે. અમારું સૌથી મહત્વનું લક્ષ્ય છે કે, આમ જનતાને ન્યાય ઝડપથી કેવી રીતે આપી શકાય અને તેની સાથે કોર્ટ કચેરીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવાકે કોર્ટરૂમ, જજીસ રૂમ, કોર્ટ હોલ, જજીસ માટેની અન્ય સુવિધાઓ, કોર્ટ સંકુલમાં એટવોકેટ્સ માટે અને નાગરિકો માટેની સુવિધાઓ વિશે પણ ચર્ચાઓ થઈ છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, દેશમાં બાકી પડતર કેસોનો ટેક્નોલોજીના માધ્યમથી કેવી રીતે ઝડપથી દૂર કરી શકાય તે માટે કામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી આ બાબતનો સારો અહેવાલો પણ મળ્યો છે. માત્ર એટલું જ નહીં, પણ પારંપારિક પદ્ધતિથી કેસનો ઉકેલ લાવી શકાય તે બાબત ખૂબ જ મહત્વની છે. તેને (ઈન્સ્ટીટ્યૂશનલાઈઝ) કેવી રીતે કરી શકાય તેના ઉપર પણ વિશેષ ચર્ચાઓ થઈ છે. પ્રાચીનકાળથી ચાલી આવતી આ પરંપરાને મુખ્ય ધારા સાથે જોડવા માટે માત્ર રૂપ આપવાનું છે. તેના માટેના કાયદાઓ બનાવી ન્યાય પ્રક્રિયામાં સરળતા લાવી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવશે, તેમ પણ તેઓએ જણાવ્યું હતું. તસવીર :દીપક જગતાપ, રાજપીપળા