કુમકુમ મંદિર ખાતે લાભપંચમીની ઉજવણી કરવામાં આવી.

જીવનમાં સુખી થવા માટે પોઝીટીવ થિન્કીંગ કરવું.- સાધુ પ્રેમવત્સલદાસજી
તા. ર૯ – ૧૦ – ૨૦રર ને શનિવારે સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર ખાતે લાભપાંચમી – જ્ઞાનપંચમી હોવાથી સવારે ૮ – ૦૦ વાગ્યાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યો હતો.
અને શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતો આદિ ગ્રંથો મૂકવામાં આવ્યા હતા. વેપારીઓ ભગવાનના દર્શન કરીને પોતપોતાના ધંધા વ્યાપારનો પ્રારંભ કરવા માટે ગયા હતા.
લાભપંચમી પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ દિવસે એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે.
દિવાળીના દિવસે જે વેપારીઓને ચોપડાપૂજન કરવાનું રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે.
આ દીવસે સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનની પાસે સુવર્ણનાં કળશમાં શ્રીફળ પધરાવવામાં આવે છે અને જનમંગલના પાઠ કરવામાં આવે છે. આ દિવસે વેપારીઓ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સંતના આશીર્વાદ લઈને પોતાનો ધંધા વેપારનો પ્રારંભ કરે છે.
લાભ પંચમી એટલે આ દિવસે આપણે આપણા જીવનમાં લાભ થાય અને દેશ અને સમાજને પણ કાંઈક લાભ થાય તે માટે પાંચ નિયમો લઈને લાભપંચમી ઉજવવી જોઈએ.
આ દિવસે આપણે સ્વછતા જાળવીશું,દારૂ – ગુટકા આદિના વ્યસનો નહીં કરીએ, માતાપિતાની સેવા કરીશું, લાંચ રુશ્વત નહીં લઈએ, ક્રોધ નહીં કરીએ આવા નિયમો જો આજના દિવસે જનસમાજ અંગીકાર કરે તો તે પણ સુખી થશે અને આ નિયમો લેવાથી દેશને અને સમાજને પણ ખૂબ જ લાભ થઈ શકે છે.
જે મનુષ્યો આધ્યાત્મિક માર્ગે આગળ વધવું છે તેમણે આ વર્ષમાં મારે ધર્મ,જ્ઞાન, વૈરાગ્ય,ભક્તિ અને સેવા કરવી છે એવા મુખ્યત્વે પાંચ નિયમો ગ્રહણ કરવા જોઈએ.
આજે લાભપંચમી – જ્ઞાનપંચમી છે. આજના દિવસથી સૌ ધંધા – વેપારનો પ્રારંભ કરે છે. તેની સાથે – સાથે આજથી આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે પણ જીવનમાં કાંઈક નૂતન સંકલ્પ કરીને પ્રારંભ કરવો જોઈએ. વેપારી ધંધામાં નફો થાય તેવો જ વેપાર કરે છે. તેમ આપણે આધ્યાત્મિક માર્ગે નફો થાય તેવો જ વેપાર કરવો જોઈએ એટલે કે, જીવનમાં સુખ – શાંતિ મેળવવા માટે પોઝીટીવ થિન્કીંગ કરવું જોઈએ. સકારાત્મક દ્રષ્ટિ કેળવવી જોઈએ. દરેકમાંથી સારા ગુણો લેવાનો પ્રારંભ કરવો જોઈએ.
લાભપંચમી ને જ્ઞાન પંચમી કહેવાય છે. લાભ પાંચમથી જેમ ધંધા વ્યાપારનો પ્રારંભ કરવામાં આવે છે.તેમ જ્ઞાનપંચમીથી આપણે વચનામૃત, જીવનપ્રાણ બાપાશ્રી આદિ ગ્રંથોનું પઠન કરવાનો નિયમ લેવો જોઈએ અને નૂતન વર્ષને સાર્થક બનાવવું જોઈએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
- મો. ૯૮૯૮૭૬૫૬૪૮