નર્મદા જિલ્લામાં નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ
માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના નેતૃત્વમાં સજ્જ બનતું જિલ્લા ચૂંટણીતંત્ર

ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા માટે કટિબધ્ધ બનતું નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર
રાજપીપલા,3
ભારતના ચૂંટણીપંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ થતાં ૧૪૮-નાંદોદ અને ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતદાર મંડળની ચૂંટણી માટે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ બનવાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલ માટે કટિબધ્ધ બન્યું છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણીઓ યોજવાની તારીખોની જાહેરાતની સાથે જ અને ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી અમલમાં રહેતી આદર્શ આચારસંહિતાના અમલ માટે જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે અને સંબંધિતોને સોંપાયેલી કામગીરી નિષ્પક્ષ રીતે હાથ ધરીને નર્મદા જિલ્લામાં ઉક્ત ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે જિલ્લા ચૂંટણીતંત્રને જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની જાહેરાત સાથે જ અમલી બનતી આચાર સંહિતાનુ જિલ્લામા ઉલ્લંઘન ન થાય તેની તકેદારી સાથે બદલી, બઢતી, નિમણૂંક ઉપર રોક લાગવા સાથે કર્મચારી/અધિકારીઓની રજા મંજૂર નહીં કરી શકાય.
ચૂંટણી પંચ દ્વારા નિયત કાર્યક્રમ અનુસાર પ્રથમ ચરણમા એટલે કે, તા.૧ લી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ ૧૪૮-નાંદોદ અને ૧૪૯-દેડિયાપાડા વિધાનસભા મતદાર મંડળની ચૂંટણી યોજાશે. ત્યારે આ ચૂંટણી સંપૂર્ણ પારદર્શક, નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે પણ જિલ્લા ચૂંટણીતંત્ર ધ્વારા ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે નિમાયેલા વિવિધ નોડલ અધિકારીઓ અને ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ,કર્મચારીઓ અને જે તે વિભાગના વડાઓને ખાસ સૂચનાઓ અપાઇ છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા