તમસ શું?, રજસ શું?, સત્વ શું? અનંત શું?
થયું સંધાન, ખબર પડી, અહાલેક શું? અલખ શું?

એ આખા પર્વતને અમે ખોદવા નીકળી પડ્યા,
પહેલા ઘા એ જ ખબર પડી, અસ્થિર શું? અટલ શું?
એણે ચપ્પુ વડે લંબાવી આયુ રેખા હાથની,
વેદના થઈ તો ખબર પડી, જીવન શું? મરણ શું?
અમે તો જરાક સહારો આપ્યો તો કાંધનો,
અડ્યા ત્યારે ખબર પડી, ચેતન શું? જડ શું?
પીઠી ચોળી તૈયાર થઈ હમસફરની રાહમાં,
વિદાય લેતા ખબર પડી, ઉંબર શું? ડુંગર શું?
દાદાજીની વાતો ને પરીઓની એ પાંખો,
સમય જતાં ખબર પડી, કહાની શું? અંત શું?
એક વનમાં – એક મહેલમાં વાટ જુએ પતિની,
સ્વજનના વિયોગે ખબર પડી લંકા શું? અવધ શું?
*કેતન ભટ્ટ*