નર્મદા જિલ્લામાં નોંધાયેલા કુલ-૪,૫૭,૭૦૩ મતદારો માટે કુલ-૬૨૪ મતદાન
મથકોએ તા.૧ લી ડિસેમ્બરે મતદાન યોજાશે

નર્મદા જિલ્લામાં વિધાનસભાની
સામાન્ય ચૂંટણીની તૈયારીઓ માટે સજ્જ બનતું જિલ્લા ચૂંટણીતંત્ર
નર્મદા જિલ્લાના
માધ્યમકર્મીઓ સાથે પત્રકાર પરિષદ રાજપીપલા,તા.4
નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ થતાં ૧૪૮-નાંદોદ અને ૧૪૯-દેડીયાપાડા વિધાનસભાની કામગીરી સંદર્ભે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લાના પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમ કર્મીઓ સાથે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીની આદર્શ આચારસંહિતાના અમલીકરણ બાબતોની જાણકારી સાથે ચૂંટણીલક્ષી અન્ય આનુષંગિક બાબતોની આંકડાકીય માહિતીથી માધ્યમોને વાકેફ કર્યા હતા.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જીજ્ઞાબેન દલાલ, મીડિયા નોડલ અધિકારીવાય. આર. ગાદીવાલાની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માધ્યમો સાથે સીધો વાર્તાલાપ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાએ ઉમેર્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓ યોજવાની તારીખોની જાહેરાતની સાથે જ અને ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી અમલમાં રહેતી આદર્શ આચારસંહિતાના અમલ માટે જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે
જિલ્લાની બન્ને બેઠકો માટે નોંધાયેલા કુલ-૪,૫૭,૭૦૩ મતદારોમાં ૨,૩૦,૪૫૦ પુરૂષ મતદારો અને ૨,૨૭,૨૪૮ સ્ત્રી મતદારો, ૩ ટ્રાન્સજેન્ડર મતદારો, ૧૯૦ સેવા મતદારો, ૪૦૮૪ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. તા.૦૧/૧૦/૨૦૨૨ ની સ્થિતિએ ૭,૨૧૫ જેટલા નવા મતદારો નોંધાયા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાએ જણાવ્યું હતું કે, આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સૌ પ્રથમ વખત બન્ને વિધાનસભા વિસ્તારમાં સાત-સાત સખી મતદાન મથક, એક-એક મોડેલ, ઇકો ફ્રેન્ડલી અને દિવ્યાંગ મતદાન મથકો પણ ઉભા કરવામાં આવશે. નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા વિસ્તારની બેઠકની ચૂંટણી માટે તા.૦૫ મી નવેમ્બર,૨૦૨૨ ના રોજ નોટીફીકેશન પ્રસિધ્ધ કરાશે અને તેની સાથે જ ઉમેદવારીપત્રો સ્વીકારવાની કામગીરી શરૂ કરાશે. તેમજ તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ મતદાન યોજાશે. જિલ્લાકક્ષાએ કંટ્રોલ રૂમ ફોન નંબર (૦૨૬૪૦) ૨૩૫૫૦૦/૨૩૫૫૦૧ તેમજ ટોલ ફ્રી નંબર–૧૮૦૦-૨૩૩-૮૩૯૬ અને વોટર હેલ્પ લાઇન નં-૧૯૫૦ રાઉન્ડ-ધી-ક્લોક કાર્યરત કરાયા છે અને તેના આધારે જિલ્લામાંથી મળનારી વિવિધ ફરિયાદોના નિકાલની કાર્યવાહી કરાશે.
જિલ્લાની બન્ને બેઠકો માટે કુલ-૪,૫૭,૭૦૩ મતદારો નોંધાયા છે અને કુલ-૬૨૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. તદઉપરાંત, C-Vigil એપ્લીકેશન પર ચૂંટણીલક્ષી ફરિયાદ કરી શકાશે તેમજ સુવિધા પોર્ટલ પરથી ચૂંટણીના ઉમેદવારો તેમની ઉમેદવારી ઓનલાઇન નોંધાવીને તેના જરૂરી સાધનિક દસ્તાવેજો સંબંધિત ચૂંટણી અધિકારની કચેરીએ નિયત સમયાવિધિમાં રજૂ કરવાના રહેશે એમ જણાવ્યું હતું.
qતસવીર :દીપક જગતાપ, રાજપીપલા