બ્રાહ્મણ એટલે કોણ ? બાળપણથી વાર્તાઓમાં વાંચતા આવ્યા છીએ કે એક ગરીબ બ્રાહ્મણ હતો… બ્રાહ્મણ ગરીબ જ હોય ? આ કઇ ગરીબી ? આપણે ઘણાં બધા શબ્દોના અર્થ ખોઇ બેઠા છીએ અને ઘણાં બધા શબ્દોના અર્થ બગાડી બેઠા છીએ. મહારાજનો અર્થ રસોઇઓ થતો જ નથી. મૃગ એટલે પ્રાણી. મૃગયા એટલે પ્રાણીનો શિકાર. મોટાભાગે શિકાર હરણનો થતો હતો.

અર્થનું સંકોચન થયું અને મૃગ એટલે હરણ થઇ ગયુ. ગરીબ બ્રાહ્મણ એટલે રાંક ભાવ, અકિંચન ભાવ. આજે બ્રાહ્મણને માથે કોઇ પણ વાત ઠોકી બેસાડી શકાય છે. ખરેખર તો બ્રાહ્મણ એટલે શું એ ઘણાં બધાને ખબર જ નથી. આ લખી રહ્યો છું ત્યારે એક બ્રાહ્મણ નથી એવા ભાઇએ વોટ્સ એપ પર મોકલેલ મેસેજમાંથી થોડીક વાતો અહીં જણાવવી યોગ્ય છે.
સવર્ણોમાં એક જાતિ આવે છે બ્રાહ્મણની. આ બ્રાહ્મણો ઉપર સદીઓથી રાક્ષસ, પિસાજ, દૈત્યો, યવન, મોગલ, અંગ્રેજો અને અનેક રાજકીય પક્ષોએ આક્રમણ કર્યું છે. બ્રાહ્મણ ઉપર આરોપ છે કે જ્ઞાાતિભેદ એમણે ઊભો કર્યો છે. ખરેખર તો જે વેદોને અપૌરુષેય ગ્રંથ ગણવામાં આવે છે તેનું સંકલન વેદ વ્યાસે કરેલું છે અને વેદ વ્યાસ માછીમાર સ્ત્રીના પુત્ર હતા. અઢાર પુરાણ, મહાભારત, ગીતા એ વ્યાસજીએ રચેલા છે. જેમાં વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થાની વાત આવે છે. વ્યાસ બ્રાહ્મણ નહોતા. બ્રાહ્મણ દ્વારા કોઇ એવો ગ્રંથ લખાયો નથી જેમાં જાતિ વ્યવસ્થાની વાત થઇ હોય. કદાચ કોઇને મનુસ્મૃતિનું નામ યાદ આવે. તો મનુ મહારાજ ક્ષત્રિય હતા.
મનુસ્મૃતિ કોઇએ આખી વાંચી નથી. મનુસ્મૃતિનો અભ્યાસ કરવામાં આવે તો વાત કંઇક જુદી જ સમજાય એવી છે. ખરેખર તો બ્રાહ્મણોએ જે ગ્રંથોની રચના કરી છે તે જાણવા જેવી છે. (૧) યંત્રસર્વસ્વમ્ (એન્જીનિયરીંગનો આદી ગ્રંથ – લેખક ભરદ્વાજ) (૨) વૈમાનિક શાસ્ત્ર (વિમાન બનાવાનું શાસ્ત્ર – લેખક ભરદ્વાજ) (૩) સુશ્રુત સંહિતા (સર્જરી ચિકિત્સા – લેખક સુશ્રુત) (૪) ચરક સંહિતા (ચિકિત્સા લેખક – ચરક) (૫) અર્થશાસ્ત્ર (જેમાં સન્ય વિજ્ઞાાન, રાજનીતિ, યુધ્ધનીતિ, દંડ અને કાનૂન વગેરે મહત્વપૂર્ણ વિષયોની ચર્ચા છે.) લેખક – કૌટિલ્ય. (૬) આર્યભટીયમ (ગણિત) લેખક – આર્યભટ્ટ.
એવી જ રીતે છંદશાસ્ત્ર, નાટયશાસ્ત્ર, પરમાણુવાદ, ખગોળવિજ્ઞાાન, યોગવિજ્ઞાાન સહિત પ્રકૃતિ અને માનવ કલ્યાણ અર્થે અનેક વિદ્યાઓનો સંચય, તેનું સંશોધન અને તેના પ્રયોગો માટે બ્રાહ્મણોએ પોતાનું પૂરું જીવન ભયાનક જંગલોમાં, ઘોર દરિદ્રતામાં વિતાયેલું છે. બ્રાહ્મણો પાસે દુનિયાના પ્રપંચો માટે સમય નહોતો. બ્રાહ્મણો શક્તિશાળી હતા અને છતાં કોઇ પૃથ્વીના ભોગવિલાસ માટે રાજા નથી બન્યા. વિદેશી માનસિકતાને કારણે કમ્યુનિસ્ટોએ ખોટા ઇતિહાસો રચ્યા છે.
બ્રાહ્મણોએ હંમેશા રાષ્ટ્ર શક્તિશાળી બને, અખંડ બને, ન્યાય અને વ્યવસ્થા સુદ્રઢ બને તે પ્રાર્થનાઓ કરી છે.
સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા,
સર્વ ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુ:ખ ભાગ્ભવેત.
આવા મન્ત્રો આપનારો બ્રાહ્મણ, વસુધૈવ કુટુભકમ્ કહેનાર બ્રાહ્મણ, અધ્યયન અને અધ્યાપન કરનારો બ્રાહ્મણ કેમ દેખાતો નથી ? અને આ કામ માત્ર બ્રાહ્મણોએ જ કર્યું છે એવું નથી ઘણાં બધા ઋષિઓએ, મુનિઓએ, વિદ્વાનોએ, અન્ય વર્ણના લોકોએ પણ કર્યું છે. જે દેશને શક્તિશાળી બનાવા માટે બ્રાહ્મણના ત્યાગ અને તપસ્યાનું યોગદાન રહ્યું હોય તે બ્રાહ્મણને લોકો ખોટું સમજી રહ્યા છે. જે બ્રાહ્મણોએ મોગલો, યવનો, અંગ્રેજો અને રાક્ષસી પ્રવૃત્તિવાળા લોકોના ભયાનક અત્યાચારો સહન કરીને પણ આ દેશની સંસ્કૃતિ અને જ્ઞાાનને બચાવી રાખ્યું છે.
તેને સમજવામાં ભૂલ કરી રહ્યા છીએ. જ્યારે વેદોને સળગાવવામાં આવ્યા હતા ત્યારે તેને કંઠસ્થ કરીને નવી પેઢી સુધી તેને પ્હોંચતું કર્યું છે. બ્રાહ્મણ જે અધ્યાપન કરતો હતો તેના બદલામાં તેની રોજી-રોટી માટે સમાજ પૈસા આપતો હતો. આ દેશમાં કોઇ ગરીબીની સામે નથી લડી રહ્યું જાતિઓ સામે લડી રહ્યું છે.
બ્રાહ્મણ ઘણાં વ્યવસાય કરી શકતો નથી કારણકે એનો ધર્મ એને અનુમતિ આપતો નથી. જેણે આ દેશની શિક્ષણ વ્યવસ્થાને બચાવી છે એ જ ક્યાંક હાંસિયામાં ધકેલાઇ રહ્યો છે. બ્રાહ્મણોએ તો શાસ્ત્રોને જીવવાનો પ્રયત્ન કર્યો છે. ખોટા તથ્યોને આધારે બ્રાહ્મણને શા માટે સતાવવામાં આવે છે ? એની શીખા, જનોઇ, એની વેષભૂષાની શા માટે મજાક કરવાની જરૃર ? વિશ્વની સમૃદ્ધ અને એકમાત્ર વૈજ્ઞાાનિક ભાષા સંસ્કૃત છે. દરેક યુગમાં બ્રાહ્મણની સાથે આ ભેદભાવ શા માટે ? આ દુ:ખમાંથી આ ગઝલ જન્મી છે.
ખરેખર બ્રાહ્મણ એટલે જે બ્રહ્મતેજથી ઝળહળ છે. પૂર્ણજ્ઞાાનથી નીર્મળ છે. ગંગાને ત્રિપથગામીની કહી છે. તે આકાશમાં, પૃથ્વી ઉપર અને પાતાળમાં ત્રણેય લોકમાં વહે છે. બ્રાહ્મણ તેના જ્ઞાાન દ્વારા નીર્મળ ગંગાની જેમ વ્હેતો રહે છે. વિચરણ કરે છે. મુક્તિ અપાવે તે વિદ્યા. બ્રાહ્મણ આપણા મનની સાંકળોને ખોલી આપે છે. બ્રાહ્મણની એક ટૂંકી ટચ વ્યાખ્યા એ છે કે જેની બ્રહ્મમય ચર્યા એ બ્રાહ્મણ. જે બ્રહ્મને જાણી ગયો તે બ્રાહ્મણ. બ્રાહ્મણ જપ-તપ-તીર્થ કરતો રહે છે. અને આ પૃથ્વી ઉપર જ્ઞાાન પામતો રહે છે અને જ્ઞાાન આપતો રહે છે. અધ્યયન અને અધ્યાપન બંને કરે છે.
આ પૃથ્વી ઉપર કોક જ એવા વીરલાઓ છે બહુ ઓછા લોકો છે જેઓ જાણે છે કે આ સંસારમાં તરનારો અને આ સંસાર સાગરથી તરાવનારો એકમાત્ર બ્રાહ્મણ છે. ગરીબ બ્રાહ્મણની વાર્તાઓનો સાર ભૂલાઇ ગયો છે માત્ર ગરીબ બ્રાહ્મણ યાદ રહી ગયો છે એ આપણી દુર્દશા છે. જે સર્વ વિદ્યાનો પારંગત હતો એ બ્રાહ્મણ આજે કેમ સાવ નિષ્ફળ લાગે છે ? પ્રત્યેક બ્રાહ્મણે પોતાની જાતને પૂછવા જેવું છે.
જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મમય થઇ જાય છે.
બ્રહ્મ વિદ બ્રહ્મૈય ભવતિ…
બ્રહ્મતેજથી ઝળહળ બ્રાહ્મણ,
પૂર્ણ જ્ઞાનથી નિર્મળ બ્રાહ્મણ.
ત્રિપથગામીની ગંગા જેવો,
વહે બ્રહ્મમય ખળખળ બ્રાહ્મણ.
મુક્તિનો પર્યાય જ્ઞાાન આ,
ખોલી નાંખે સાંકળ બ્રાહ્મણ.
ક્રોધ સૂર્ય જેવો જો તપતો,
ચંદ્રસમો કૈં શીતળ બ્રાહ્મણ.
સતત બ્રહ્મચર્યા જેની,
અંદર-બાહર હરપળ બ્રાહ્મણ.
જપ-તપ-તીરથ ભણે ભણાવે,
રહે નિરંતર ઉજ્જવળ બ્રાહ્મણ.
કોક જ વીરલા ભેદ જાણતા,
તરે-તરાવે કેવળ બ્રાહ્મણ.
કથા ભૂલાઇ સાર ભૂલાયો,
યાદ ગરીબ ને નિર્મળ બ્રાહ્મણ.
બધીય વિદ્યાનો પારંગત,
આજ સાવ કાં નિષ્ફળ બ્રાહ્મણ ?
– રાજેશ વ્યાસ મિસ્કીન
તા. 07/03/2018 ગુજરાત સમાચાર, શતદલ, શબ્દ સૂરને મેળે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન
*આ લેખને શેર કરો, જેથી સમાજમાં બ્રાહ્મણો વિરુદ્ધ ઝેર ઓકતા લોકોને સાચી સમજણ આવે.*