ટાઢો શિયાળો હજી બેઠો ન બેઠો ત્યાંજ
ગરમી તો થઇ ગઈ છે ગુલ
વાદળની ઓથે ઓલ્યો સુરજ વિચારે
મારી એવી તે થઇ ગઈ શું ભૂલ
બગીચે બારેમાસ ઉભી રહેલી
સપ્તપર્ણી ને આવ્યાં છે ફૂલ

મસ્તીમાં આવ્યો આ લીલોછમ ફાલ છે
શિયાળો એ કુદરતનું ટાઢુંમીઠું વ્હાલ છે
ચારેબાજુ આજકાલ સ્વેટર ને ધાબળાના
વધી ગયાં છે જાણે મૂલ
સપ્તપર્ણીને આવ્યાં છે ફૂલ
ઠંડકમાં ઊંધિયા ને ચીક્કીનું રાજ છે
રુદિયામાં વાગી રહ્યાં જુદાજુદા સાજ છે
ઠંડીનો ચાબખો એવો વાગે જાણે
ભોંકાતી અણીદાર શુલ
સપ્તપર્ણીને આવ્યાં છે ફૂલ
સાંજ આ સુંવાળી ને હરદમ ચકચૂર છે
માદક નજરોની અહીં મસ્તી ભરપુર છે
શ્વાસો નરમ અને સપનાં ગરમ
ચાલ કરીએ કોઈ મનગમતી ભૂલ
સપ્તપર્ણીને આવ્યાં છે ફૂલ
– પૂજન મજમુદાર