અમદાવાદઃ દિવાસ્વપ્ન (ગિજુભાઈ બધેકા), તોતોચાન (લેખિકાઃ શ્રીમતી તેત્સુકો કુરોયાનાગી) અને સમરહીલ (એ.એસ.નીલ) આ ત્રણ પુસ્તકો વિશે એએમએ (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) અને ગુજરાત કેળવણી પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ગોષ્ઠિમાં નિષ્ણાતોએ કહ્યું હતું કે બાળકોને અપાતા શિક્ષણમાં પ્રેમ, સંવેદના અને સ્વતંત્રતાને સવિશેષ મહત્ત્વ આપવું જોઈએ.

પ્રારંભમાં ગોષ્ઠિના સંયોજક ભિખેશ ભટ્ટે જણાવ્યું હતું આજે જે ત્રણ પુસ્તકોની વાત થવાની છે એ ત્રણેય પુસ્તકો શિક્ષણનાં શ્રેષ્ઠ પુસ્તકો છે અને પ્રત્યેક પ્રતિબદ્ધ શિક્ષકે તે વાંચવાં જ જોઈએ. આ પુસ્તકો શિક્ષકો માટે ગીતા જેવાં છે. બાળકોને કેવી રીતે ભણાવવાં જોઈએ તેનો આ પુસ્તકો નિર્દેશ આપે છે. બંકીમ મહેતાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
તોતોચાન (લેખિકાઃ શ્રીમતી તેત્સુકો કુરોયાનાગી) વિશે બોલતાં કેળવણીકાર મનસુખ સલ્લાએ જણાવ્યું હતું કે આ પુસ્તક બાળકને કેવા મુક્ત વાતાવરણમાં શિક્ષણ અપાવું જોઈએ તેનાં અનેક ઉદાહરણો આપે છે. એક બાળાને ટ્રેનના ડબ્બાઓમાંથી બનેલા વર્ગમાં મુક્ત રીતે ભણવાનું મળે છે અને પ્રેમ-સંવેદના સાથેના વાતાવરણમાં એ સાચી કેળવણી પામે છે. કહેવાતી પ્રતિષ્ઠિત શાળાઓમાં અપાતી કેળવણી શું ખરેખર સાચી કેળવણી હોય છે ? તેવો તેમણે સવાલ કરીને કહ્યું હતું કે આવાં પુસ્તકો દીવાદાંડી સમાન છે,.
બાળકને સમરહીલ (લેખકઃ એ.એસ.નીલ) વિશે બોલતાં લેખક-પત્રકાર રમેશ તન્નાએ જણાવ્યું હતું કે વિશ્વની સૌથી શ્રેષ્ઠ ગણાતી આ શાળા શરૂ થઈ ત્યારે સ્થાપકોએ નક્કી કર્યું હતું કે શાળાને કેન્દ્રમાં રાખીને નહીં પણ બાળકને કેન્દ્રમાં રાખીને જ શિક્ષણની વ્યવસ્થા ગોઠવાશે. બાળકને કશું શીખવવું ના જોઈએ, તે જાતે જ શીખે તેવું વાતાવરણ આપવું જોઈએ.
દિવાસ્વપ્ન (લેખકઃ ગિજુભાઈ બધેકા) વિશે બોલતાં સી.એન. વિદ્યાવિહારનાં નિયામક વૈશાલીબહેન શાહે જણાવ્યું હતું કે બાળકને ભણાવતી વખતે સર્જનાત્મક પ્રયોગો પણ કરી શકાય. તેમણે ગિજુભાઈના વિચારો જણાવીને ઉમેર્યું હતું કે કેળવણીનું કામ બાળકને ખીલવવાનું છે, જ્યારે આજનું શિક્ષણ બાળકને મુરઝાવી નાખે છે. તેમણે ગિજુભાઈ બધેકાની બાળનિષ્ઠાની વાતો કરી હતી. એએમએ દ્વારા ઓપન ફોરમમાં નિયમિત રીતે જુદા જુદા વિષયો પર કાર્યક્રમો યોજાય છે.
આ કાર્યક્રમમાં શિક્ષકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કેટલાક લોકો તો અમદાવાદ બહારથી ખાસ આ કાર્યક્રમમાં ભાગ
લેવા માટે અમદાવાદ આવ્યા હતા.