ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નિબંધકાર,વાર્તાકાર,વિવેચક,કવિ મણિલાલ હ.પટેલના ૭૪મા જન્મદિનપ્રસંગે તા.૯ નવેમ્બર, બુધવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,રા વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.’શબ્દજયોતિ’અંતર્ગત સાહિત્યકાર મણિલાલ હ.પટેલે પોતે પોતાનાં જીવન-કવન વિશેનું વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.આ પ્રસંગે પરિવારજનો,સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
——–
શ્રી મણિલાલ હ.પટેલ :
નાનપણમાં તો અભાવો વચ્ચે જીવવાનું થયું છે. પણ એ દિવસોએ મારા ઘડતરમાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. નાનપણમાં હાથમાં રહેલી ચોપડી મૂકીને ખેતરનું કામ કરવું ગમતું નહોતું પણ એ કરવું પડતું. નવમા ધોરણમાં જ્યારે મેં કલાપીનો કેકારવ વાંચવા માટે શિક્ષક જોડે માગી હતી ત્યારે તેમને નવાઈ લાગી હતી. માના દેહાંત બાદ જવાબદારીઓ આવી અને અમને ઉછેરવા આવેલા નાનીમાએ અમને પ્રેમથી ઉછેર્યા.
હું માનું છું કે માણસ થવા માટે એક જન્મારો ઓછો પડે પણ શિક્ષક થવામાં તો અચૂક એક જન્મારો ઓછો પડે જ. મારી પહેલી કવિતા જે કુમારના છપાઈ ત્યારે હું એસ વાય બી. એ માં હતો, જે કવિતાને શ્રેષ્ઠ સોનેટનો પુરસ્કાર મળ્યો હતો. એ સફર હજુય ચાલુ છે…હમણાં જ એક નવું ગીત લખ્યું જેનું મુખડું છે – ‘ તને ગમે તે તારું ગામ ‘
કોઈપણ કલાનું કામ કુતૂહલથી સમજણ તરફ જવાનું છે.
હું ઇડર કોલેજમાં હતો ત્યારે વક્તાઓને સાંભળીને તેમનું અનુકરણ કરવાનું ગમતું. હું તેવા લોકોનું અવલોકન પણ ખાસ્સું કરતો.
હું મહત્વકાંક્ષી છું એ વાત સાચી પણ એ મારા જેવડી જ હતી. હકીકતમાં પ્રતિભા ઘડવી પડે છે. એ માટે સામાજિક જીવનમાં ભોગ આપવો પડે છે.
કણમાંથી બનતું વૃક્ષ જમીન ફાડીને બહાર આવે છે આ રૂપાંતર ની પ્રક્રિયા સાહિત્યમાં પણ કામ લાગે છે.
