કારતક વદ આઠમના કાલ ભૈરવ જયંતીની ઉજવણી કરાય છે. કાલે ભારતભરમાં આવેલા કાલ ભૈરવના સ્થાનકોમાં કાલ ભૈરવ જયંતીની વિવિધ અનુષ્ઠાનો સાથે ઉજવણી કરાશે. હિન્દુ ધર્મમાં ભૈરવ, શિવનો પાંચમો અવતાર માનવામાં આવેલ છે. ભૈરવનો અર્થ છે જે જોવામાં ભયંકર છે. પરંતુ ભયથી રક્ષા પણ કરે છે. શૈવ ધર્મમાં ભૈરવ, શિવના ઉગ્ર અવતાર માનવામાં આવેલ છે. બૌધ્ધ ધર્મમાં તેને ઉગ્ર વશીકરણ માનવામાં આવે છે. શ્રીલંકા, નેપાળ અને તિબેટમાં બૌધ્ધ ધર્મીઓ પણ કાલ ભૈરવને વિશેષ રૂપથી પૂજે છે.

દિલ્હીમાં બટુક ભૈરવનું પાંડવ કાળના અને ઉજજૈનના કાલ ભૈરવની પ્રસિધ્ધિનું કારણ ઐતિહાસિક અને તાંત્રિક છે. પુરાણોમાં ભૈરવનાથની ઉત્પત્તિના અલગ અલગ મત છે. શિવપુરાણને અનુસાર અંધકાસુર નામના દૈત્યએ ભગવાન શિવ ઉપર આક્રમણ કરવાનું દુસાહસ કર્યુ ત્યારે તેના સંહાર માટે શિવના રૂધિરથી ભૈરવની ઉત્પતિ થઇ. અન્ય પુરાણોના મતાનુસાર ભગવાન બ્રહ્માએ ભગવાન શંકરની વેશભૂષા અને તેમના ગણોની રૂપ સજ્જા જોઇને શિવનું અપમાન કર્યુ વધારે પડતું થવાથી શિવજી ક્રોધીત થયા ત્યારે તેમના શરીરમાંથી એક વિશાળ દંડકારી કાયા પ્રકટ થઇ,
જે બ્રહ્માના સંહાર માટે આગળ વધી, આથી બ્રહ્મા ભયભીત થઇ ગયા, ત્યારે ભગવાન શિવ દ્વારા જ તે કાયા શાંત થઇ, રૂદ્ર રૂપના કારણે તેને મહાભૈરવ નામની ઉપાધિ મળી. શિવજીએ તેને પૂરી કાશીનો નગરપાલ નિયુકત કર્યો.એક મત એવો પણ છે કે જયારે બ્રહ્માજી પાંચમા વેદની રચના કરી રહ્યા હતા, ત્યારે બધા દેવતાઓના કહેવાથી ભગવાન શિવજીએ બ્રહ્માજી સાથે વાર્તાલાપ કર્યો, પરંતુ બ્રહ્માજી ન સમજતા. મહાકાલથી ઉગ્ર પ્રચંડ રૂપમાં ભૈરવ પ્રકટ થયા. અને તેમણે પોતાના નખના પ્રહારથી બ્રહ્માજીના મસ્તકને ઇજા પહોંચાડી આથી ભૈરવને પાપ લાગ્યું.
કારતક વદ આઠમના કાલ ભૈરવ જયંતીના નામથી મનાવવા પાછળનું કારણ એ છે કે તે દિવસે ભગવાન શિવે બ્રહ્માજીના અહંકારને નષ્ટ કર્યો એટલા માટે મૃત્યુના ભયના નિવારણ હેતુ અનેક લોકો ભૈરવની ઉપાસના કરે છે. જયારે ભગવાન શિવે પોતાના અંશથી ભૈરવને પ્રકટ કર્યા ત્યારે તેમણે માઁ પાર્વતીને પણ એક શકિત ઉત્પન્ન કરવાનું કહ્યું ત્યારે માઁ પાર્વતીએ પોતાના અંશથી દેવી ભૈરવીને પ્રકટ કરી જે શિવના અવતાર ભૈરવની પત્ની છે. ભૈરવનું વાહન કાળા રંગનું શ્ર્વાન (કુતરો) છે.
તંત્ર શાસ્ત્રમાં અષ્ટ ભૈરવની વિભિન્ન રૂપોનો ઉલ્લેખ છે. અસિતાંગ ભૈરવ, ચંડ ભૈરવ, રૂરૂ ભૈરવ, ક્રોધ ભૈરવ, ઉન્મત ભૈરવ, કપાલ ભૈરવ, ભીષણ ભૈરવ તથા સંહાર ભૈરવ વગેરે. કાલાંતરમાં ભૈરવ ઉપાસનાની બે શાખાઓ બટુક ભૈરવ તથા કાલ ભૈરવના નામથી પ્રસિધ્ધ થઇ, બટુક ભૈરવ પોતાના ભકતોને અભયદાન આપનારા સૌમ્ય સ્વરૂપમાં વિખ્યાત છે. ત્યારે કાલ ભૈરવ અપરાધિક પ્રવૃતિઓ પર નિયંત્રણ કરનાર પ્રચંડ દંડ નાયકના રૂપમાં પ્રસિધ્ધ છે.
Suresh vadher