સુખ સૌ બહાર જ શોધે છે કેમ, કોને ખબર
ભીતરે જ કોઈ ખોળતું નથી કેમ, કોને ખબર

દ્રવી દ્રવીને આંખો ગઈ છે થાકી હવે, પણ
નવાં નીર આવ્યા કરે છે કેમ, કોને ખબર
સ્તબ્ધતામાં સંભળાયા કરે છે ડરનો પગરવ
ત્યાં અદ્રશ્ય શક્તિ સંભાળે છે કેમ, કોને ખબર
રજકણોનો સંપ બની જાય છે વંટોળ ક્યારેક
ટીપાં વરસાદનાં ત્યાં જીતે છે કેમ, કોને ખબર
શ્રદ્ધા વિના બળ ક્યાં મળે છે કોઈ વ્યક્તિને
અનાડી બચે ને મરજીવા ડૂબે કેમ, કોને ખબર
હેમ જેવું આયખું ‘કેમ’ના ચક્કરમાં અટવાય, ને
જવાબોના ચક્કરમાં અંત બગડે કેમ, કોને ખબર
પૂજન મજમુદાર ૩૦/૧૧/૨૦૨૨