
ઝારખંડ સરકારે ( Jharkhand govt ) જૈન સમુદાયના ( Jain community ) તીર્થસ્થાનોમાંના એક ‘શ્રી સમ્મેદ શિખરજી’ને ( Shri Sammed Shikharji ) પ્રવાસન સ્થળ ( tourist place ) તરીકે જાહેર કર્યું છે. આ જાહેરાત બાદથી જૈન સમુદાયમાં ઝારખંડ સરકાર સામે ગુસ્સો છે. દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં ( protest ) વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને નિર્ણય પાછો ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગુજરાતના પાલિતાણામાં પણ જૈન મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી, જૈન સમાજના લોકો આ બંને મુદ્દે મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર પ્રદર્શન કરી રહ્યા છે.
મુંબઈમાં ભીડને કાબૂમાં લેવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે જૈન સમુદાય આજે પણ દેશભરમાં ઝારખંડ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ મુંબઈમાં આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની અપેક્ષા નહોતી. આવી સ્થિતિમાં ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ ઝારખંડ સરકારના સમ્મેદ શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના નિર્ણય સામે રાષ્ટ્રપતિ ભવન ખાતે મેમોરેન્ડમ જમા કરશે. આ નિર્ણય જૈન સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડનારો છે. આનાથી આ પવિત્ર યાત્રાધામ પ્રદુષિત થશે તેવું જૈન સમાજનું માનવું છે..
મીડિયા અહેવાલો અનુસાર, ગુજરાતના ભાવનગર જિલ્લા હેઠળના પાલિતાણામાં શત્રુંજય ટેકરી પરના બોર્ડ અને લોખંડના થાંભલાઓને રવિવારે નુકસાન થયું હતું. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારથી શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ અને નીલકંઠ મહાદેવ સેવા સમિતિના બે સમુદાયો વચ્ચે તંગદિલીભર્યું વાતાવરણ છે.
આ તીર્થસ્થાન શા માટે ખાસ છે?
સમ્મેદ શિખરજી, ઝારખંડ રાજ્યના ગિરિડીહમાં સ્થિત એક તીર્થસ્થાન, જૈન ધર્મના પવિત્ર યાત્રાધામોમાંનું એક છે. સમ્મેદ શિખરજીને પારસનાથ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. પારસનાથ પર્વત એ ગિરિડીહ જિલ્લામાં છોટા નાગપુર ઉચ્ચપ્રદેશ પર સ્થિત એક ટેકરી છે. સમ્મેદ શિખરજીમાં, જૈન ધર્મના 24 તીર્થંકરોમાંથી 20 (સર્વોચ્ચ જૈન ગુરુ)એ મોક્ષ મેળવ્યો હતો. તેમજ અસંખ્ય મહામુનિરાજોએ આ પવિત્ર ભૂમિ પરથી તપસ્યા કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું છે. 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ પણ અહીં નિર્વાણ પામ્યા હતા. તેથી જ તેને સિદ્ધ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. આ યાત્રાધામ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે.
સમ્મેદ શિખરજીની ઓળખ શું છે?
સમ્મેદ શિખરજી યાત્રાધામ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. જૈન ધર્મમાં એવી માન્યતા છે કે તેમની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. જૈન ધર્મની માન્યતા મુજબ સમ્મેદ શિખર અને અયોધ્યા તીર્થો સૃષ્ટિના આરંભથી અસ્તિત્વમાં છે. તેથી જ તેમને અમર તીર્થ નામ આપવામાં આવ્યું છે.
એવું માનવામાં આવે છે કે સમેદ શિખરજીના આ વિસ્તારનો દરેક કણ પવિત્ર છે. અહીં અનેક જૈન મુનિઓએ તપસ્યા કરીને મોક્ષ મેળવ્યો છે. એક માન્યતા એવી પણ છે કે જે વ્યક્તિ જીવનમાં એકવાર સમ્મેદ શિખર તીર્થની મુલાકાત લે છે તેને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જૈન સમુદાયના લોકો સમ્મેદ શિખરજી પાસે પહોંચે છે અને તેના પરિઘમાં ફેલાયેલા મંદિરોની મુલાકાત લે છે અને પ્રાર્થના કરે છે.