
*સમાન સિવિલ કોડ છેલ્લા દિવસે જાહેર કરી ભુપેન્દ્ર પટેલ સરકારે ખૂબ મોટી તક ઝડપી કહેવાય.આનું પરિણામ ગુજરાત વિધાનસભામાં મળ્યું જ છે.2024 માટે પણ ભાજપા આ મુદ્દે આશાવાદી છે અને આ તકનો લાભ લેતાં ભાજપા ને આવડે જ છે.*
દેશના તમામ નાગરિકો માટે વિવિધ વિસંગતતા દૂર કરવા સાથે એક કાંકરે અનેક પક્ષી મારવાનો આ ઉત્તમ દાવ ભાજપ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
એક તરફ ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી હવે આવનારી ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. ચાર રાજ્યમાં વિધાનસભા અને 2024 લોકસભા માટે અમિત શાહ નેતૃત્વ સાંભળવાના છે. આ અંગે પાર્લામેટ્રી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં પણ આવી રહી છે. બધા જ રાજકીય પક્ષો મતદારોને લોભવવા માટે અનેક વિધ તરકીબો સામે લાવી રહ્યા છે અને લડાવશે. રાજકારણ સાથે જોડાયેલને વેકેશન હોતું નથી. આમ છતાં દિવાળીની રાજાઓ સમયે કેજરીવાલે હિન્દૂ મતદારોને રાજી રાખવા માટે ખાસ જાહેરાત કરી હતી. ભારતની ચલણી નોટો ઉપર ગાંધીજી ઉપરાંત ગણેશ અને લક્ષ્મીજીનો ફોટો મુકવાનો તગલખી વિચાર અમલી કરવા કેન્દ્ર સરકારને ભલામણ કરતો પત્ર લખ્યો.પણ,ગુજરાતમાં એનો લાભ થયો નહીં.
ગુજરાતના મતદારો છેલ્લા અનેક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ને વિજય માળા પહેરાવતા રહ્યા છે. ગત સરકારની ભુપેન્દ્ર પટેલની છેલ્લી કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે સમિતિ બનાવવાની જાહેરાત કરી. આ જાહેરાત થકી ભાજપે કેજરીવાલ ને સીધાદોર કરી દીધા હતા. લક્ષ્મીજી અને ગણેશના ફોટા કરતાં સમાન સિવિલ કોડ થકી ભાજપે એના કાયમી મતદારો અને એન્ટી ઇન્કમબન્સીથી થોડે દૂર જનાર ને પણ સાથે લાવી દીધા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયું છે કે, હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ સમિતિનું નિર્માણ થશે. આ સમિતિમાં ચારથી પાંચ સભ્યોને નિમણૂક આપવામાં આવશે. આ સભ્યો નક્કી ભજપાની ફેવર વાળા જ હશે એ નક્કી છતાં સમાન સિવિલ કોડના અમલની વાતથી જ ગુજરાતના રાજકારણમાં નવો રંગ નજીકના દિવસમાં જોવા મળશે.
આ વાતને સરળતાથી સમજવા માટે કહી શકાય કે ભારતના નાગરિકો માટે ક્રિમિનલ કાયદા સમાન છે પરંતુ આ જ નાગરિકો ધર્મ કે જાતિને આધારે સિવિલના કાયદામાં વિવિધતા જોવા મળે છે.કેજરીવાલના હિન્દૂ કાર્ડ સામે આ હુકમનો એક્કો સાબિત થશે એમ કહેવું ખોટું નથી. એક તરફ બિહારમાં નીતીશ કુમારે જાતિ આધારિત વસતી ગણતરી માટે 500 કરોડ ફાળવી દીધાની જાહેરાત કરી આ મુદ્દે રાજકારણની શરૂઆત કરી દીધી છે.
રાજકીય પક્ષો ભલે આ અંગે વિવિધ નિવેદન કરતા હોય. આ બાબતને ગેર બંધારણીય કહેતા હોય પણ, કાયદાના જાણકાર લોકો કહે છે કે બંધારણમાં શિડયુલ ચાર ને આધારે કલમ ચુંમાલિસની જોગવાઈઓ સામે રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોઈ ગમેતે કહે પણ આવનારી સરકાર ભાજપની ભુપેન્દ્ર પટેલની બીજી વખતની સરકાર બની એ પછી આ કમિટી માટેની કામગીરી અગ્રતાક્રમમાં છે. આ મુદ્દે સરકાર સક્રિય છે. આ મુદ્દે સરકાર સક્રિય થઈ ઝડપી આ કામ પૂર્ણ કરશે એવું અંદખાનેથી જાણવા મળે છે.
મતદાન થાય એ પહેલાં ગોઠવણ મુજબ ભાજપના નેતાઓ એક સાથે એ પણ બોલતા થયા છે કે આને કારણે આદિવાસીઓના બંધારણીય અધિકારોને અસર થાય એમ નથી.આદિવાસીઓને બંધારણમાં વિશેષાધિકાર આપવામાં આવ્યા છે. આ અધિકારો જળવાઈ રહે તે રીતે સમાન સિવિલ કોડને આગળ વધારવામાં આવશે.આ અંગે એવું આજે ભાજપના નેતાઓ જાહેરમાં કહેતા અને સવાલ ન કરાયો હોય તોય કોઈ પણ જવાબ આપતાં આપતાં આ અંગે સ્પષ્ટતા કરી રહ્યા છે.
અહીં જોવા જઈએ તો ગોવા જેવા નાના રાજ્યમાં આ કાયદો અમકી છે.ઉપરાંત હિમાચલ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હાઈ પ્રોફાઈલ સમિતિની રચના કરી દેવામાં આવી છે. હા, એ નક્કી કે આ બંને રાજ્યોની સમિતિ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં નીમવામાં આવેલ છે. આ અંગે કેટલાક રાજકીય પક્ષો ધીરે અવાજે કહેતા થયા છે કે હાઇકોર્ટના સંભવિત ભાજપાઈ વિચારધારા ધરાવનારને આ સમિતિમાં અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવશે. શું થશે? કોણ અધ્યક્ષ બનશે અને ક્યારે શું થશે એ પછી ખબર પડશે પણ હાલ તો ભાજપના ચૂંટણી લડાવતા આગેવાનોએ આ મુદ્દે પહેલ કરી સૌને ચોંકાવી દીધા છે.
વર્ષ:2014 પછી એક ભારત શ્રેષ્ઠ ભારતની સાથે સૌનો સાથ અને સૌનો વિકાસ સૂત્ર જાણે સાર્થક કરવાના હેતુ સાથે ભાજપે આ જાહેરાત કરી છે. તીન તલાક અને ત્રણસો સિત્તેરની કલમ દૂર કર્યા પછી ભાજપની પ્રયોગશાળા સમાન ગુજરાતમાં ચૂંટણી સમયે થયેલ જાહેરાત ભાજપને સારું પરિણામ અપાવશે કે અન્ય પક્ષો દ્વારા આની સામે કોઈ નવો અખતરો કરશે એ જોવું રહ્યું. છતાં એ નક્કી કે આ વખતની એટલે કે 2022 ગુજરાતની ચૂંટણી માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશ માટે કેન્દ્રસ્થાને રહેશે એ હવે નક્કી થતું જાય છે. આગળ શું થશે એ અંગે તો 2024 પહેલાં ઘણું નવું જોવા મળશે.
ડૉ. ભાવેશ પંડ્યા(પાલનપુર)