🌻દામ્પત્ય દર્પણ🌻
દામ્પત્યજીવનની સમસ્યાઓ સામે દર્પણ ધરતી લઘુવાર્તાઓની વિચાર શૃંખલા…

વિચારવાર્તા – ૯
શીર્ષક: ‘શંકાનો કીડો’
🌾 🥀 🌾 🥀 🌾 🥀 🌾 🥀 🌾 🥀 🌾 🥀 🌾 🥀
મૃગા અને પ્રથમેશ વચ્ચે કોલેજ સમયમાં પ્રેમ પાંગર્યો હતો. તેઓ બંને એકબીજાને ખૂબ ચાહતા હતા. તેમની પ્રણય જોડી કોલેજના બીજા મિત્ર વર્તુળમાં ઈર્ષ્યારૂપ બનતી. તેઓ બંને ખુબ આનંદી અને સ્પષ્ટ વિચારસરણી ધરાવતા યુવક-યુવતી હતા. મૃગા દેખાવે સુંદર, ચપળ, બોલકણી અને આધુનિક વિચારસરણી ધરાવતી આજના યુગની યુવતી હતી, જ્યારે પ્રથમેશ શાંત, સરળ, ઓછાબોલો અને વિચારશીલ યુવક હતો. મૃગાને કોઈની પણ સાથે હળી-મળી જતાં ક્ષણભરની વાર થતી નહીં, જ્યારે પ્રથમેશને માત્ર તેની પસંદગીના લોકો સાથે એક મર્યાદામાં સંબંધ અને વાતચીત પસંદ રહેતી. મૃગા અને પ્રથમેશ એકબીજાની ખૂબીઓ અને ખામીઓથી સુપરિચિત હતા અને તેમની સાથે એકબીજાને પસંદ કરતા હતા. તેમની પ્રબળ ભાવના હતી કે તેઓ બંને ચોક્કસ એકબીજાના પૂરક જીવનસાથી બની શકે તેમ છે. બંનેએ એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કરી લગ્નના કોલ આપી દીધા.
મૃગા અને પ્રથમેશના કુટુંબીજનો પણ આજના સમયની આધુનિક વિચારસરણી ધરાવતા હતાં. બંને બાળકોનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ જોતાં ખુશી-ખુશી તેમના લગ્ન માટેની મંજૂરીની મહોર મારી દીધી. મૃગા અને પ્રથમેશના આનંદનો પાર નહોતો. સાથે જ બંનેએ નક્કી કર્યું હતું કે તેઓ બંને અભ્યાસ પૂરો થયા બાદ પોતપોતાની કારકિર્દીને પ્રાથમિકતા આપશે અને કારકિર્દીમાં સ્થિર થયા બાદ જ લગ્ન કરશે. બંને અભ્યાસમાં તેજસ્વી હતા મૃગાને કારકિર્દીની શરૂઆતમાં જ ઘણી સારી જોબ ઓફર મળી ગઈ અને પ્રથમેશે તેની ઈચ્છા અનુસાર એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું. પૂરી ગંભીરતાથી બંનેએ પોતપોતાની કારકિર્દી શરૂ કરી. આગળના બે-ત્રણ વર્ષમાં બંનેએ પોતપોતાના ક્ષેત્રમાં સારી પ્રગતિ પણ કરી. અવારનવાર તેઓ એકબીજાને મળતાં રહેતા, એકબીજાના ઘરે આવતા-જતા રહેતાં અને આ રીતે તેમનો પ્રેમ સંબંધ વધુ ગાઢ બનતો ગયો.
આશરે ત્રણ વર્ષ બાદ બંનેના લગ્ન લેવાયા. ખૂબ ધામધૂમથી બંનેના કુટુંબીનો, સ્નેહીજનો અને મિત્રોની હાજરીમાં લગ્ન થયા. બંને એકબીજાના પ્રેમી મટીને જીવનસાથી બન્યા. આનંદ અને ઉત્સાહથી તેમની નવી જિંદગીનો પ્રારંભ થયો. મનોમન બંનેએ નક્કી કર્યું હતું કે હંમેશા તેઓ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરશે, કોઈપણ સમસ્યાનો ભેગા મળીને સામનો કરશે અને બંનેનું સન્માન સચવાય તે રીતે તેને હલ કરશે. મૃગાનો વાચાળ સ્વભાવ તેના વ્યક્તિત્વનું એક આગવું પાસું હતું. પ્રથમેશના કુટુંબીજનોમાં પણ ટૂંકા ગાળામાં તેના પ્રેમાળ અને વાચાળ સ્વભાવને કારણે તે ખૂબ પ્રિય બની ગઈ. તેને માટે જાણે તેના સ્વપ્નનો સંસાર તેની નજર સામે તેના ઘરમાં આકાર લઇ રહ્યો હતો.
સમય પસાર થતો ગયો અને મૃગાને તેની ઓફિસમાં વધુ ઉંચી પદવી ઉપર નિયુક્તિ મળી. નવા પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે તેને એક ચોક્કસ પ્રકારની નવી જવાબદારી સોંપવામાં આવી. અમેરિકાની કંપની સાથેનો નક્કી થયેલ આ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રોજેક્ટ હતો. પ્રોજેક્ટની માંગ અનુસાર મૃગાને ઘણી વખત ઓફિસના સમય બાદ પણ રોકાવું પડતું. તે તેના પ્રોજેક્ટ ડિરેક્ટર સુહાસ સરને સીધો રિપોર્ટ કરતી. આના ભાગરૂપે તેને સુહાસ સર સાથે વધુ મીટીંગો કરવી પડતી અને વધુ સમય આપવો પડતો. સુહાસ એક મળતાવડો, વાચાળ, હસમુખો અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતો હોંશિયાર આધેડ ઉંમરનો વ્યક્તિ હતો. મૃગા પણ પહેલેથી બોલકણી, હસમુખી અને મજાક મસ્તીવાળો સ્વભાવ ધરાવતી યુવતી હતી. આથી તે બંનેને એકબીજાની સાથે હળવા વાતાવરણમાં ઓફિસનું કામ કરવું ગમતું. ધીમે ધીમે તેમની વચ્ચે અધિકારી અને સહકર્મચારી કરતાં અંગત મિત્રતાનો સંબંધ વધુ વિકસવા લાગ્યો.
બંનેની કૌટુંબિક મુલાકાતો પણ વધવા લાગી. સુહાસ પ્રથમેશ સાથે મિત્રતાના ભાવે આત્મિય થવા લાગ્યો. તે પણ મૃગાના વખાણ કરતાં થાકતો નહીં. મૃગા તેના ઓફિસના કામ વિશે અને સુહાસ સર વિશે પ્રથમેશ સાથે અવારનવાર ખુલ્લા દિલે વાત કરતી અને સુહાસ સરના સરળ અને હસમુખા સ્વભાવની પ્રશંસા પણ કરતી. મૃગા જાણતી નહોતી કે તેની અને સુહાસ સરની મિત્રતા આગળ જઈને તેને માટે સમસ્યા સર્જી શકે છે. આમ તો પ્રથમેશ સમજદાર અને સંવેદનશીલ હતો. મૃગા ઉપર તેને સંપૂર્ણ વિશ્વાસ હતો પરંતુ સુહાસની બાબતે નાની નાની વાતમાં તેનું મન વિચારોની ચગડોળે ચડી જતું હતું. તેને કોઈક રીતે લાગતું હતું કે મૃગા સુહાસના વ્યક્તિત્વથી એક પ્રકારે અંજાઈ રહી હતી, જે તેને માટે ચિંતા સર્જતી હતી. મનમાં શંકાનો કીડો સળવળતો હતો તેથી હવે તે દરરોજ આડકતરી રીતે મૃગાને ઓફિસની બધી ગતિવિધિઓ વિશે પૂછતો રહેતો.
ઓફિસના કામની એક મીટીંગ માટે મૃગા અને સુહાસને સાથે બે દિવસ માટે મુંબઈ જવાનું નક્કી થયું. મૃગાએ ઘરે આવીને આ વિષયે પ્રથમેશને જણાવતાં તેનો પહેલો પ્રતિભાવ ‘ના’ હતો. તેનું કહેવું હતું કે, ઓફિસમાં અને શહેરમાં તેની અને સુહાસની રોજિંદી મીટીંગો બરાબર છે પરંતુ શહેરની બહાર મૃગાએ સુહાસની સાથે એકલા જવું તેને યોગ્ય નથી લાગતું. મૃગા આ વખતે પ્રથમેશના આવા પ્રતિભાવથી અચંબિત થઈ ગઈ. તેણે પ્રથમેશને સમજાવવા કોશિશ કરી કે આ તેની વ્યાવસાયિક ટૂર છે. આ ટૂરમાં જવું તેની પસંદગી નથી પરંતુ તેના કામનો હિસ્સો છે. મીટીંગ અગત્યની છે અને આ મિટિંગમાં હાજરી આપવી તેની કારકિર્દી માટે મહત્વનું છે. સુહાસ સરનું મિટિંગમાં સાથે હોવું એ તેનું મનોબળ વધારનારું બની રહેશે. કચવાતા મને પ્રથમેશે હા તો કહી પરંતુ અણગમો દર્શાવીને. મૃગાને પણ પ્રથમેશની આ વર્તણૂક ગમી નહીં પરંતુ તે મૌન રહી.
મૃગાના મુંબઈથી આવ્યા બાદ પ્રથમેશની અને મૃગાની એકબીજા પ્રત્યેની વર્તણૂકમાં ફરક આવી ગયો હતો. બંને વચ્ચે ચૂપકીદીની દિવાલ ચણાવા લાગી. અંગત સંબંધોમાં અંતર આવવા લાગ્યું. મૃગાએ પ્રથમેશ આગળ સુહાસ સરની વાત કરવાનું ટાળવા માંડ્યું. પ્રથમેશને આ વાતનો અંદાજ આવતો હતો પરંતુ તેને તે પોતાની જીત તરીકે મૂલવવા લાગ્યો. મૃગા અંદર ને અંદર મુંઝાવા લાગી. મૃગા પોતે ઓફિસમાં પણ સુહાસ સરનો સંપર્ક શક્ય તેટલો ઓછો રાખવા કોશિશ કરતી. સુહાસને મૃગાનું આ ઉપેક્ષિત વલણ સમજાતું નહોતું. એવામાં ફરીથી એક મિટિંગ માટે મૃગાને બે દિવસ માટે દિલ્હી જવા માટે કહેવામાં આવ્યું. આ વખતે પણ તેની સાથે પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે સુહાસને જવાનું હતું. મૃગાએ કોઈ જવાબ ન આપ્યો. છેલ્લા થોડા સમયથી તેના ચહેરા ઉપર તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સુહાસ પણ તેના શુષ્ક વર્તનને કારણે તેનું કારણ વારંવાર પૂછવા કોશિશ કરતો હતો પરંતુ મૃગા મૌન રહેવાનું પસંદ કરતી. આ વખતે મૃગાએ દિલ્હી જવા માટે અંગત કારણોસર ‘ના’ કહી. સુહાસે મૃગાને પ્રોજેક્ટના મધ્યાહને આ તક ગુમાવી પોતે પોતાની કારકિર્દીને નુકસાન કરી રહી છે તેમ ચેતવણી આપતા કહ્યું અને તેના અંગત હિતેચ્છુ મિત્ર તરીકે સાચી વાત જણાવવા વિનંતી કરી. જયારે મૃગાએ તેની દ્વિધા કહી ત્યારે સુહાસને આશ્ચર્ય થયું, દુઃખ થયું અને સાથે પ્રથમેશની વિચારસરણી ઉપર દયા પણ આવી. મૃગાને સાંત્વના આપતાં કહ્યું કે તું નિશ્ચિંત રહે. આ સમસ્યા મારે કારણે ઊભી થઈ છે. હવે હું જ એનો હલ કાઢીશ.
બીજે દિવસે સુહાસે પ્રથમેશને ફોન કરીને તેમને બંનેને આગ્રહપૂર્વક પોતાના ઘરે ડીનર લેવા માટે આમંત્રિત કર્યા. પ્રથમેશે ઘણી આનાકાની પછી હા કહી. મૃગા અને પ્રથમેશ બંને સુહાસના ઘરે પહોંચી ગયા. સુહાસે અને તેની પત્નીએ બંનેને પ્રેમથી આવકાર્યા. ચારેય જણ ડીનર ટેબલ ઉપર બેઠા વાતો કરવા લાગ્યા. સુહાસે હિંમતભેર વાત છેડી. તે મૃગા અને પ્રથમેશ તરફ જોઈને બોલ્યો ” તમે બંને મારાં સારા મિત્રો છો. મારે આજે મારી પત્નીની હાજરીમાં એક કબુલાત કરવી છે. મારી પત્નીને હું ખૂબ પ્રેમ કરતો હતો. મારી પત્ની મારા જેટલી જ હોંશિયાર હતી અને કદાચ મારાથી પણ વધુ. કારકિર્દીની શરૂઆતમાં જ મારા શંકાશીલ સ્વભાવને કારણે તેની નોકરીમાં, અધિકારીઓ અને સહકર્મીઓ સાથેના તેના સંબંધમાં મેં અસંખ્ય મર્યાદાઓ લાદી દીધી. તે મૂંગા મોંઢે સહન કરતી ગઈ અને ગુંગળાતી ગઈ. મેં તેની પર વિશ્વાસ કર્યો નહીં. અમારા પ્રેમને મહત્વ આપ્યું નહીં. છેવટે કંટાળીને તેણે નોકરીને તિલાંજલિ આપી અને કારકિર્દી ટૂંકાવી દીધી. તેણે જો કારકિર્દી ચાલુ રાખી હોત તો કદાચ આજે મારા કરતાં પણ તે આગળ હોત. મને મારી આ ભૂલ સમજાતાં ઘણો સમય લાગ્યો. હું તેનો સૌથી મોટો ગુનેગાર છું. વીતેલો સમય પાછો નથી આવતો માટે જ હું ઈચ્છું છું કે કોઈ પણ પ્રેમાળ દંપતિ મારા જેવી ભૂલ દોહરાવે નહીં.”
પ્રથમેશ અને મૃગા સુહાસની વાત શાંતચિત્તે સાંભળી રહ્યા અને એકીટશે એકબીજાની આંખોમાં જોઈ રહ્યા. તેની વાતનો અણસાર સારી પેઠે સમજી ગયા. પાછા ઘરે જઈ પ્રથમેશે મૃગાને પોતાની નજીક બેસાડી કહ્યું “મૃગા, સુહાસની વાતે આજે મારી આંખો ખોલી દીધી. મને માફ કરી દે. હું શંકાશીલ તો હતો જ પરંતુ સ્વાર્થી પણ બની ગયો હતો. હું તારી પ્રત્યેની અધિકાર ભાવનાથી એટલો પીડાવા લાગ્યો હતો કે તને જાણે અજાણે અન્યાય કરવા લાગ્યો હતો. હું એ પણ ભૂલી ગયો કે આપણે તો બંને એકબીજાને અસીમ પ્રેમ કરીએ છીએ તો પછી મારું તારા પ્રત્યેના અવિશ્વાસનું કોઈ કારણ જ રહેતું નહોતું. તું હંમેશા મારા પ્રત્યે નિખાલસ રહી છે અને હું તારા સંબંધો અને કારકિર્દી બંનેને ગુંગળાવીને થીજવી દેવા તૈયાર થયો. તારી લાગણીઓ અને સંવેદનાઓની કદર કરવાનું ભૂલી ગયો. આજે મને સમજાયું કે સુહાસ જેવો સરળ, નિખાલસ અને સમજદાર વ્યક્તિ તને એક અધિકારીના સ્વરૂપે મળવો અને મને કૌટુંબિક મિત્રના સ્વરૂપે મળવો તે એક કિસ્મત જ છે. હું તેના જેવી જ ભૂલ આપણા જીવનમાં દોહરાવવા જઈ રહ્યો હતો. કારકિર્દીના આ મુકામે મારે તારી પર વિશ્વાસ રાખીને તને પ્રોત્સાહન આપવાનું હતું. તારો વાચાળ અને નિખાલસ સ્વભાવ તારા વ્યક્તિત્વનું એક ઉમદા પાસું છે અને એ મૃગાને તો મેં પ્રેમ કર્યો છે. તેને ઉદાસ શી રીતે જોઈ શકું? આજથી હું તને ખાત્રી આપું છું કે મારા તરફથી આ બાબતે તને કોઈ પ્રશ્ન નહીં, કોઈ દબાણ નહીં. એક પત્ની તરીકે તને તારી બધી મર્યાદાઓ ખબર છે. આપણા દામ્પત્ય જીવનને આંચ આવે એવું એક પણ કામ હું કે તું ભવિષ્યમાં નહીં કરીએ એની મને ખાતરી છે.”
આજે મૃગાને તેનો વર્ષો જૂનો પ્રેમી પ્રથમેશ પાછો મળી ગયો હતો તેનો આનંદ હતો. મૃગાની આંખોમાંથી હર્ષના આંસુ રોકાતા નહોતા. પ્રથમેશનો હાથ પકડી તે બોલી “સાચું કહું છું. હું તો આ કંપનીમાંથી રાજીનામું આપવાનું વિચારી રહી હતી. પરંતુ ખરી વાત તો એ છે કે સુહાસ સર સાચા અર્થમાં મારા વેલવિશર, ફિલોસોફર અને ગાઈડ છે. એનાથી વિશેષ કાંઈ નહીં. તેમનું વ્યક્તિત્વ મને ગમે છે, તેમની સાથે વાત કરવી મને ગમે છે પરંતુ તારી સાથે તેમની ક્યારેય સરખામણી થઈ ન શકે. આપણી વચ્ચેનો પ્રેમ હંમેશા અકબંધ રહેશે. હવે તારી હિંમત અને વિશ્વાસે હું આગળ વધીશ. હું તો કહેવાનું જ ભૂલી ગઈ આવતા અઠવાડિયે પ્રોજેક્ટના કામ અંગે મારે અને સુહાસ સરને બે દિવસ માટે દિલ્હી જવાનું છે. તારી મંજૂરી તો છે ને!” પ્રથમેશના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું અને ઈશારાથી જ મંજૂરી આપી દીધી. પ્રેમની હેલીમાં શંકાનો કીડો વહી ગયો.
પરિકલ્પના:
– નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૩૦ નવેમ્બર ૨૦૨૨