ગુજરાત આર્ટ સોસાયટી, અમરેલી શાખા અને શ્રી સર્વોદય સરસ્વતી મંદિર, બાબાપુરના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧૧ અને તા.૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ શનિ અને રવિવારના રોજ
બાબાપુર સ્થિત સરસ્વતી સર્વોદય આશ્રમ ખાતે ગુજરાત આર્ટ સોસાયટી, અમરેલી શાખાના સંયોજક ચિત્રકાર જે પી પડાયાના નેતૃત્વ હેઠળ કલા શિક્ષકો અને કલાકારોની એક કલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે અમરેલી જિલ્લા કલા શિક્ષક સંઘના કલા શિક્ષકો તેમજ ભાવનગરના નામાંકિત કલાકારો ડૉ. અશોક પટેલ, શૈલેષ ડાભી અને કલાકારોના સમુહ દ્વારા સરસ્વતી સર્વોદય આશ્રમ સંસ્થાની દિવાલોમાં શૈક્ષણિક તેમજ સામાજિક વિકાસ-ઉદ્દેશ્યના ચિત્રો ચિત્રીત કરવામાં આવશે. આ શિબિરના બીજા દિવસે સમગ્ર કલાકારો પોતાની સર્જનાત્મક શૈલીના મૌલિક ચિત્રોનું સર્જન કરશે. સમગ્ર કલા શિબિર દરમિયાન ગુજરાત આર્ટ સોસાયટીના સંયોજક અને ખજાનચી, મૂળ વડીયાના વતની હાલ વડોદરાના રહેવાસી ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત એવા શિલ્પકાર કૃષ્ણ પડિયા ઉપસ્થિત રહી ગુજરાત આર્ટ સોસાયટીનો ઉદ્દેશ – ગુજરાતના છેવાડાના સમકાલીન કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ કલાનુ સંવર્ધન કરી, કોઈ વાડાબંધીમાં ન રહી પોતાની મૌલિક કલાને માત્ર ગુજરાતમાં સિમીત ન રાખતા ગુજરાત બહાર પણ ગુજરાતી તરીકે ગુજરાતની કલાનું ગૌરવ વધારે, તે અંગે ચર્ચા કરી કલાકારોને સોસાયટી સાથે જોડાઈને સાંપ્રત કલામાં પોતાનું યોગદાન કઈ રીતે આપી શકે તે વિશેની વાતચીત કરશે. કલાકારોને આધુનિક લલિત કલાના પ્રવાહ અને તેના પ્રયોજન અંગે માહિતી અને માર્ગદર્શન પણ કૃષ્ણ પડિયા દ્વારા આપવામાં આવશે. મહત્વનું છે કે કૃષ્ણ પડિયાએ એમ એસ યુનિવર્સિટી ઓફ વડોદરાના ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ ખાતેથી અભ્યાસ કર્યો છે અને હાલ તેઓ સ્વતંત્ર કલાકાર તરીકે કાર્યરત છે.
આ કલા શિબિરમાં વરિષ્ઠ કલાકાર મનોજ ચુડાસમા તેમજ નામાંકિત કલાકાર ઉપસ્થિતિ રહેવાના હોય કલા શિક્ષકો, યુવા કલાકારો તેમજ કલા રસિકો મોટી સંખ્યામાં હાજર રહી કલા ચર્ચા તેમજ કલાકૃતિઓનો આનંદ ઉઠાવે તેવું સરસ્વતી સર્વોદય આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી સુશ્રી મંદાકિનીબેને જણાવ્યું હતું…