મા,
લાવ તારા હાથ ચૂમી લઉં
કેટકેટલું કર્યું છે આ બંને હાથે,
વ્હાલથી માથામાં ફેરવ્યા ને
આંગળી પકડી ચાલતા કર્યા,
તેં જ,
મનગમતાં ખાવાનાં અને પકવાન
ઉપરાંત સમય સમય પર,
રોજિંદાં રસોઈના રાંધણ તો ખરાં જ,
રોજનાં ટિફિન, સૌની તૈયારીમાં મદદ
સાફ સફાઈ ને કંઈ કેટલુંય,
ઘરકામથી ક્યાં થાક્યાં છે કદી આ હાથ ?
એલાર્મ વગર રોજ તું કેવી રીતે
વહેલી જાગતી હોઈશ મા ?
તને જોઇને લાગે તું કદી સુતી જ
નહીં હોઈશ મા
થાક જેવો શબ્દ તારા શબ્દકોશમાં
જાણ્યો જ નથી
તેં જાણે જીવનનો આનંદ ભરપૂર
માણ્યો જ નથી,
અમારી ખુશી એજ તો તારો આનંદ રહ્યો છે મા
વૃદ્ધત્વને આરે તું પહોંચી,
પણ અભરખા તારા એવા જ છે
અમને સંભાળવાના, સાચવવાના
પણ તું વૃદ્ધ નહીં થાય મા,
કારણકે તારી તાજગી
તારા આ કુટુંબ થકી છે,
અને તારા સ્મિતથી અમારી
દુનિયા બની છે,
તું વૃદ્ધ નહીં થાય ને મા ?
તું અમને છોડીને ક્યાંય નહીં જાય ને મા ??
તારા હાથે કેટલાં ઓવારણાં લીધાં
ને આજીવન કેટલાં આશિષ દીધાં,
૧ નહીં જિંદગીના તમામ દિવસો તારા છે,
તેં ઓવારણાં લઈ આપેલા આશિષ બધાં મારા છે.
મા,
લાવ આજ તારા હાથ ચૂમી લઉં
પૂજન મજમુદાર