ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા નાંદી-ફિજીમાં ૧૨માં વિશ્વ હિન્દી સંમેલનનું તા. ૧૫થી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને ફિજીના પ્રધાનમંત્રી સિતીવેની રાબુકા ૧૨માં વિશ્વ હિન્દી સંમેલનનું આવતા બુધવારે ઉદ્દઘાટન કરશે. આ વિશ્વ હિન્દી સંમેલનમાં ભારતના પ્રતિનિધિ મંડળમાં શિક્ષણવિદ્દ તેમજ ભાષાશાસ્ત્રી ડો. બળવંતભાઈ જાની વિવિધ સત્રોના અધ્યક્ષ તરીકે ભાગ લેશે. જર્નાદનરાય નાગર રાજસ્થાન વિદ્યાપીઠ ડીમ્ડ ટૂ બી વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ, હરિસિંહ ગૌર યુનિવર્સિટીના કુલાધ્યક્ષ, અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય સંરક્ષક, સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટના મેનેજિંગ ટ્રસ્ટી ઉપરાંત વિવિધ શૈક્ષણિક – સામાજિક સંસ્થાઓમાં મહત્વપૂર્ણ પદ પર સેવા આપી રહેલા ડો. બળવંતભાઈ જાની ૧૨માં વિશ્વ હિન્દી સંમેલનમાં ભાષાઈ સમન્વય અને હિન્દી અનુવાદ વિષયના સત્રની અધ્યક્ષતા કરશે. ડો. બળવંતભાઈ જાનીને ફિજીમાં આયોજીત ૧૨માં વિશ્વ હિન્દી સંમેલનમાં ભારત સરકાર દ્વારા મહત્વપૂર્ણ જવાબદારી અદા કરવામાં આવતા શિક્ષણ, સાહિત્ય અને ભાષા જગતના વિવિધ મહાનુભાવો દ્વારા શુભેચ્છા આપવામાં આવી રહી છે. રાજકોટ-સૌરાષ્ટ્રથી લઈ સમગ્ર ગુજરાત માટે આ ગૌરવની વાત હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈ.કુલપતિ ડો. ગીરીશભાઈ ભીમાણી, સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ સહિત વિવિધ ક્ષેત્રોના અનેક લોકોએ વિશ્વ હિન્દી સંમેલનમાં ભારતના પ્રતિનિધિ મંડળમાં ડો. બળવંતભાઈ જાનીના ભાગ લેવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે.