આજે પ્રેમપર્વ એટલે વૅલેન્ટાઈન ડે ના ખાસ અવસરે મારા દિલની થોડીક વાતો ….

મારા જીવનમાં …
તારે લીધે મારું હોવાપણું ,
અમાપ વ્હાલનું ન મળે માપણું ,
તારી કૃષ્ણતા સામે સ્વર્ગ પણ વામણું .
દરેકના જીવનમાં પ્રેમ અને લાગણીનું તાપણું સદાય એકબીજાને હૂંફ આપતું રહે એવી મનોકામના સાથે પ્રેમપર્વની આપ સૌને મારી શુભકામનાઓ .
—————–
આવી છું ….
તારાં માટે નવી નક્કોર ક્ષણો લઈને આવી છું ,
કેસૂડાંને પણ પરાણે
સાથે તેડી લાવી છું ,
આગંતુક સમયને સાનમાં સમજાવીને આવી છું ,
પડછાયાની જેમ રહીને સાથ આપવાં આવી છું ,
ખાલીપો વીંધીને ખામોશીનો ટહુકો ઝીલવાં આવી છું ,
આસ્તેથી આભ ઉતારીને સાંજના રંગ લેવાં આવી છું ,
હાથ પકડીને ,મેળાની ભીડમાં સંતાવવા આવી છું ,
મારા હાથની રેખાઓને નવો વળાંક દેવા આવી છું ,
ઉષ્મિલ અધરોની હું ,વાંસળી બનવાં આવી છું .
મીરા બનીને હું ,માધવમાં સમાઈ જવા આવી છું …
બીના પટેલ