થોડી ઠંડી થોડી ગરમીનો થયો છે ગોટાળો
ફરી પાછો આવવા થનગની રહ્યો છે ઉનાળો
કોઈ તો ઓ’ જતા શિયાળાને પાછો વાળો,
કોઈ તો….

કપડાં હવે તો ગરમ જોઈને કંઇક થાય છે
પવન ઉકળાટના જુઓ ધીમે ધીમે વાય છે
સાંજ બગીચામાં ગાળવાનો આવી ગયો ગાળો,
કોઈ તો…
વાતાવરણ હવે રંગબેરંગી વસંતનું જામશે
ફૂલો નવી ખુશ્બૂ ને નરી માદકતા પામશે
મન થાય લાવને કોઈને કરીએ કાંકરીચાળો,
કોઈ તો…
સંધ્યા
ખીલે ને આભ આખું રતુંબલ છલકે
જોઈ મને આંખ કોની નાજુક નમણી મલકે
રૂપ એનું છે માત્ર સ્નેહ શરમનો સરવાળો,
કોઈ તો…
પૂજન મજમુદાર.