આજનો દિન વિશેષ

સુમતિબેન મોરારજી જન્મજયંતિ
ગુજરાતના વહાણવટાની જનની
દેશના વહાણવટાઉધોગમાં પ્રથમ ભારતીય નારી તરીકે નામના પ્રાપ્ત કરનારા સુમતિ મોરારજીનો જન્મ 13 માર્ચ 1909ના રોજ કચ્છના મુંબઈ આવીને સ્થિર થયેલા કચ્છી ભાટિયા શેઠ મથુરદાસ ગોકુલદાસને ત્યાં થયો હતો.. જમુના 13 વરસનાં થયાં એટલે તેમનાં માતા પ્રેમાબાઇના આગ્રહને વશ થઇ તેના પિતાએ તેમનું લગ્ન મુંબઇના ઉધોગપતિ અને શિપિંગ અને ટૅક્સ્ટાઇલ ઉધોગના અગ્રણી એવા શેઠ નરોત્તમ મોરારજી કુટુંબમાં તેમના પુત્ર શાંતિકુમાર સાથે કર્યાં.જમુનાનું લગ્ન થતાં સસરા પક્ષે તેમનું નામ સુમતિ રાખવામાં આવ્યું. તેમના વર્તન અને વ્યવહારથી તેઓ પોતાના પિતા જેટલો જ પ્રેમ તેમના સસરા નરોત્તમ મોરારજી પાસે પામ્યાં હતાં. ઇ.સ.1923માં જ્યારે સુમતિ માત્ર 20 વર્ષનાં હતાં ત્યારે શેઠ નરોત્તમે તેમને ‘સિંધિયા સ્ટીમ નૅવિગેશન લિમિટેડ કંપનીની મૅનેજિંગ કમિટીનાં સભ્ય તરીકે સામેલ કર્યા હતાં. 5, નવેમ્બર 1929ના રોજ સોલાપુરથી મુંબઈ પરત આવી રહેલાં સુમતિના સસરા નરોત્તમ મોરારજીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. આવી અણધારી આફત આવતાં સોલાપુર અને મુંબઇની મિલો અને સિંધિયા સ્ટીમ નૅવિગેશન લિમિટેડની જવાબદારી તેમના પતિ શાંતિ કુમાર અને સુમતિ પર આવી પડી. 1936માં મુંબઈમાં જ્યારે ‘સિંધિયા હાઉસ’નો પાયો નંખાયો ત્યારે સરદાર પટેલે તેનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે “સિંધિયા કંપનીનો ઇતિહાસ ભવ્ય છે. આ ઇમારતની એક-એક ઈંટ અને પથ્થર ઉપર ભારતીય વહાણવટાનો ઇતિહાસ લખાશે.“ સુમતિની દીર્ઘદ્રષ્ટિને કારણે શિપિંગ ઉધોગ માટે જરૂરી પ્રશિક્ષક મળી રહે તે માટે તેમણે 1948માં નૌકાવિષયક ઈજનેરી કૉલેજ છાત્રાલય સાથે શરૂ કરી અને રડાર નિરીક્ષણનો અભ્યાસક્રમ પણ દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે તાલીમજહાજ “ડરિન”ની શરૂઆત સ્વતંત્રતા પહેલાં કરી હતી. આ જહાજ થકી શરૂઆતમાં 50 કૅડેટને તાલીમ આપવામાં આવતી પરંતુ સમય જતાં આ સંખ્યા 80ની કરવામાં આવી. વર્ષ 1979થી વર્ષ 1987 સુધી સુમતિ કંપનીનાં પ્રમુખ રહ્યાં. ફડચામાં ગયેલી ‘સિંધિયા સ્ટીમ નૅવીગેશન કંપનીને જ્યારે સરકારે પોતાના હસ્તક લીધી ત્યાર બાદ પણ સુમતિબે મોરારજી ઈ.સ. 1992 સુધી કંપનીનાં માનદ્ પ્રમુખ બન્યાં રહ્યાં. તેમને ઈ.સ. 1971માં નાગરીક સેવાઓ માટે દેશનું દ્વિતીય સર્વોચ્ચ નાગરિક સન્માન “પદ્મવિભૂષણ” એનાયત કરવામાં આવ્યું હતું. ભારતના ભાગલા થયા તે સમયે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરતા હિન્દુઓને ભારત લાવવામાં તેઓનો ફાળો ઘણો મોટો હતો. ભારતના સાંસ્કૃતિક વારસાને ફેલાવવામાં મદદ કરવામાં પણ તેમનું નામ અગ્રેસર રહ્યું. આવા વિદુષી, ઉધોગસાહસિક, દક્ષ વ્યવસ્થાપક અને સમાજસેવીનું 27 જૂન 1998 ના રોજ 91 વર્ષની ઉંમરે અવસાન થયું.
સંકલિત