આજે રવિવાર હતો,
આંખ વહેલી ખુલી,
ચશ્મા શોધ્યા,
ફોન લીધો,
ક્યાંક ઊંઘમાં રિંગ ના સંભળાઈ હોય તો?
…… પણ, ફોન નહોતો આવ્યો!

પહેલી ચા હું બનાવું,
એને સવારે શરીર જકડાઈ જાય,
ઉઠવામાં તકલીફ થાય,
હળવેક થી ઉઠાડી,
એણે પૂછ્યું,
ફોન આવી ગયો?
….. પણ, ફોન નહોતો આવ્યો!
પરવારી છાપું લીધું,
ફરી એક વાર સેટિંગ ચેક કર્યા,
ક્યાંક રાત્રે સાયલન્ટ મોડમાં ના મુકાઈ ગયો હોય,
પણ એમ નહોતું,
બધું બરાબર હતું,
…… પણ, ફોન નહોતો આવ્યો!
સુરજ ઉગે એટલે આથમે જ,
અંધકાર છવાય જ,
સતત ફોન પાસે જ હતો,
બાથરૂમ માં પણ લઈને ગયો,
એણે કહ્યું તમને બહુ વાર લાગે છે,
અને તેને સંભળાય નહિ,
બહાર આવ્યો ને તરત પૂછ્યું,
…… પણ, ફોન નહોતો આવ્યો!
ફરી એ જ પથારી,
એ જ ઓઢવાનું,
એ જ પંખો ધીમો રાખવાની સૂચના,
ચશ્મા કાઢવા,
પાસે ફોન મુકવો,
ફરી એક વાર જોવું,
ખાત્રી માટે,
….. પણ, ફોન નહોતો આવ્યો!
હાશ,
હવે કાલે તો સોમવાર હતો,
બધા બહુ વ્યસ્ત થઇ જવાનાં,
હવે, ચેક નહિ કરવાનું,
પાક્કું,
ફોન નહિ જ આવે!
*મેહુલ ભટ્ટ (27.2.23)*💥💥