કોઈ ચાદર કોઈ છત્રથી મેળવે છે છાંયડો,
બેઘરોની આખરી છત પણ બને છે છાંયડો

છિદ્ર તાનાશાહના ગઢમાં ઘણાં દેખાય છે
કોપ સામે સૂર્યના બળવો કરે છે છાંયડો
આમતો છે ઝાડનો એ બિંબ માત્ર તે છતાં,
એમ લાગે મૂળમાંથી ઉદભવે છે છાંયડો
ભીડના લોકોથી સચવાયો મલાજો મોતનો,
ઢાંકવાને લાશને ખાપણ બને છે છાંયડો
જ્યાં છવાયો પાયમાલી ત્યાં રહી વરસો લગી,
સરહદોમાં છાવણીનો જો પડે છે છાંયડો
બાળકોના જન્મની સાથે અપેક્ષા અવતરે,
એમ જાણે સૂર્યની સાથે ઉગે છે છાંયડો
-વિશાલ🌸🌸🌸