દીકરી મારી દેવચકલી
એને બાપનો માળો વ્હાલો
એને કારણ શોભતો બાપનો
ભમ્મરિયાળો ભાલો
નીકળ્યા નહીં ને નીકળશે નહીં
એમના હેતનાં માપ
દીકરી એટલે બારણે ચિતર્યાં
અખૂટ શુભ ને લાભ

ઓરડે ઓશરી આંગણ એને ઊડતાં જોતો બાપ
મનમાં મનમાં માવડી કરતી જગદંબાના જાપ
આંગણેથી ઊડે તે દી મળજો
મનનું ગમતું આભ
દીકરી એટલે બારણે ચિતર્યાં
અખૂટ શુભ ને લાભ
જોગમાયાનું રુપ છે મારગ ચીંધતી ઊડે આગળ
ઊજળે લૂગડે જીવવું હો તો ચાલવું એની પાછળ
બાપના ઘરની આબરુ માટે
જીરવી જાણે તાપ
દીકરી એટલે બારણે ચિતર્યાં
અખૂટ શુભ ને લાભ
– *તુષાર શુક્લ*
સોર્સ. વાઇરલ.