ગુજરાત યુનિવર્સિટીનાં હ્યુમન રીસર્ચ ડેવલપમેન્ટ સેન્ટર તથા સ્પોર્ટ્સ વિભાગ ધ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું છ દિવસ માટે આયોજન કરાયુ છે. આ કાર્યક્રમના ઉદ્દ્ઘાટન સમારોહમાં એચ. એ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે મુખ્ય વક્તા તરીકે ન્યુ એજ્યુકેશન પોલીસી -૨૦૨૦ વિષય ઉપર વક્તવ્ય આપ્યુ હતુ. પ્રિન્સીપાલ વકીલે કહ્યું હતુ કે આ નવી નીતિથી દેશના યુવાનોનું ઓવરઓલ ડેવલપમેન્ટ થશે જેથી તેઓમાં રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્ર પ્રેમ તથા આવતીકાલના પડકારોનો સામનો કરી આત્મનિર્ભર ભારત બનાવવાનો ઉદ્દેશ છે. કોઈપણ દેશની પ્રગતી તથા તંદુરસ્ત સમાજનું નિર્માણ દેશની શિક્ષણનીતિ ઉપર આધારીત હોય છે. કારણકે વિદ્યાર્થીઓને ક્રિએટીવ તથા જીજ્ઞાસુ બનાવવા જરૂરી હોય છે. આ શિક્ષણનીતિમાં ટેકનોલોજીની સાથે ભારતના ભવ્ય ઈતિહાસ, વારસો તથા સંસ્કૃતિની પણ વાત છે. તેથી જો આ નીતિનો અમલ બધાજ સ્ટેક હોલ્ડર્સ ધ્વારા એકજૂથ થઈને નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો ભારત વિશ્વગુરૂ બની શકે છે. દેશની શૈક્ષણિક સંસ્થાઓની ક્ષમતા મુજબ સ્વાયત્તતા આપી શિક્ષણને સઘન બનાવવાનો પ્રયાસ થશે. ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી દેશના યુવાનોને પરદેશ ભણવા જતા રોકી શકાશે. વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ દેશમાં પોતાના કેમ્પસ શરૂ કરશે જેથી આંતરરાષ્ટ્રીય કક્ષાના શિક્ષણની સાથે વિશ્વસ્તરીય સ્પર્ધા કરી શકશે. આ ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં આધ્યાપકોએ પ્રશ્નોત્તરી કરી પોતાના સમાધાનો મેળવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રા.ડી.બી.દેસાઈ, પ્રા.રમેશ ચૌધરી તથા પ્રા. રાજેન્દ્ર જાદવે પણ પ્રાસંગોચિત વક્તવ્યો આપ્યા હતા.
