હું હોસ્પિટલના ICU વૉર્ડમાં મારા પપ્પાની બેડ પાસે બેઠો હતો…
મારા પપ્પાને આજે સવારે છાતીમાં દુખતું હતું એટલે દાખલ કર્યા હતા..

આ હોસ્પિટલમાં એ સારું હતું કે એક અંગત વ્યક્તિને દર્દીની બાજુમાં બેસવાની છૂટ આપવામાં આવી હતી.
હું સવારથી જોતો હતો…
એક ૫૦ વર્ષની આજુબાજુ લાગતી દેખવાડી સ્માર્ટ પેન્ટ ટીશર્ટ પહેરેલ સ્ત્રી દેખવામાં આધુનિક છતાં પણ વાતો કરવામાં શાલીનતા વિવેક ચુક્યા વગર દાદાની સેવા કરી રહી હતી.
ઘડીકમાં નાક સાફ કરે,
તો ઘડીકમાં મોઢું સાફ કરે, થોડીવાર થાય એટલે ચમચીથી ખોરાક મોઢામાં આપે…
ઘડીકમાં માથે હાથ ફેરવે તો ઘડીકમાં પગ પણ દબાવે…
આધુનિક કપડાંમાં સ્ત્રી હોય એ સારું લાગે પણ જ્યારે આધુનિકતા તેમના વ્યવહાર વર્તનમાં આવે ત્યારે એ આકરું લાગે,
આધુનિકતાનો મતલબ સ્વછંદીપણુ નથી,
માત્ર બદલતી દુનિયા સાથે કદમ મેળવવા એ આધુનિકતાનો અર્થ છે…
મારી ઉંમરના અનુભવ પ્રમાણે તેના ચહેરાના ભાવ ઉપરથી વગર સ્વાર્થ કે અપેક્ષાએ પોતાનું કાર્ય કરતી હતી એ સ્પષ્ટ હતું…
મારાથી રહેવાયું નહિ.
મેં કીધું ‘તમારા પપ્પા છે?’
એ છોકરીએ કીધું હા મારા પપ્પા છે…
બેટા તારી સેવાને સલામ કરું છું.
ઈશ્વર છે કે નહીં એ શ્રદ્ધાનો વિષય છે પણ જાગતો દેવ આપણી સામે છે…
સાચી વાત અંકલ, ખુબજ પ્રેમાળ છે મારા પપ્પા,
મારી તકલીફના સમયે પહાડની જેમ ઉભા હતા, મારી આંખોનાં આસું તેમણે ઝીલ્યા છે…
મારી રાતના ઉજાગરા સમયે એ મારી સાથે બેઠા છે…
મારું પાકીટ જ્યારે ખાલી રહેતું ત્યારે નોટોની થપ્પી તેમણે મારા પાકીટમાં મૂકી છે.
તેમનો ઉપકારનો બદલો શબ્દો માત્રથી હું ચૂકવી શકું તેટલી સમર્થ નથી…..
મારી મુસીબત સમયે ઘણા હાથ છોડાવી ભાગ્યા તો
ઘણા નજર ચુકાવી ભાગ્યા પણ આ મારા પપ્પાએ મારો મજબૂતીથી હાથ પકડી રાખ્યો.
ભાઈ, તોફાન તો પસાર થઈ ગયું.
એક સુંદર સવાર પણ ઊગી..
આ સુંદર સવારના હક્દાર આ મારા પપ્પા છે.
ફરીથી તેમના માથે આ બેને હાથ ફેરવ્યો…
મેં કીધું બહેન તમને વાંધો ન હોય તો આપનું નામ કહેશો..
ભાવના..
મેં કીધું તમારી ભાવના શુદ્ધ છે.. ભાવનાબહેન ઈશ્વર તમને તેનું ફળ જરૂર આપશે..
હું ખુશ થયો.વાહ…
બાપ દીકરીનો પ્રેમ જોરદાર છે. ત્યાં અચાનક ડોકટર વિઝીટમાં આવ્યા….
બધાને ચેક કરતા કરતા ડોકટર સાહેબ બાજુવાળા દાદા પાસે ગયા…
થોડી વાર ચેક કરી, બધા રિપોર્ટ જોઈ ભાવના બહેન સામે જોઈ ડોકટર બોલ્યા,
મમ્મી ચિંતા જેવું નથી..
દાદાને સારું થઈ જશે’..
ભાવનાબહેને આંખ બંધ કરી ઈશ્વરનો આભાર માન્યો.
પણ હું મૂંઝાઈ ગયો…
આ ડોકટર ભાવના બહેનને મમ્મી કહે છે…
મેં ભાવનાબહેનને કીધું…
દાદાને દીકરો નથી…?
ભાવનાબહેનની આંખો ભીની થઇ એ બોલ્યા..
પુત્ર હતો પણ કાર અકસ્માતમાં ઘણી નાની ઉંમરે ગુજરી ગયો..
હું તેમની વિધવા પુત્રવધુ છું.અને હમણાં જે ડોકટર ચેક કરવા આવ્યા હતા એ મારો પુત્ર ડો. પ્રણવ હતો…
હું ઉભો થઇ ભાવનાબહેનને હાથ જોડી પગે લાગ્યો..
બહેન તમે દીકરીને શરમાવે તેવી સસરાની સેવા કરો છો…
અરે મોટા ભાઈ, મારા પતિ ગુજરી ગયા ત્યારે મારા પિયર પક્ષે સિફતાઈથી અંતર બનાવી લીધું હતું..
મારો પુત્ર પ્રણવ આઠ ધોરણમાં હતો…
હું ત્યારે નોકરી કરતી ન હતી.. આવા વિપરીત સંજોગોમાં આ મારા બાપથી પણ જેને હું ઉંચો દરજ્જો આપું છું એ મારા સસરાએ મારો હાથ પકડી કીધું બેટા દીકરો ગુમાવ્યો છે..
તેનો મતલબ તું મારી નજરમાં પારકી નથી..
તું મારી દીકરી છે…
આજથી ઘરનો આર્થિક વ્યવહાર તારે સાચવવાનો છે..
આ પકડ ચેક બુક..
રૂપિયાની ચિંતા કરતી નહિં… પ્રણવને તારી ઈચ્છા મુજબ ભણાવ..
ઈશ્વર કૃપાથી મેં પણ નોકરી શોધી લીધી…
પણ ઘર ખર્ચ..
પ્રણવનો ભણવાનો ખર્ચ…
આ મારા સસરાએ નૈતિકપણે ઉપાડી લીધો હતો…
પરિણામ સ્વરૂપ તમે જોયું મારો પુત્ર ડોકટર બની ગયો…
આવી મહાન વ્યક્તિની સેવા કરવાનો મોકો મને મળે એતો પુણ્યનું કામ છે….
મેં કીધું ભાવના બહેન આજે.
Daughter’s Day છે.
તમે સંસારને એક સંદેશ આપ્યો.
તમે તમારા સસરાની દીકરી બનીને આજે ઉભા રહ્યા છો.
ભાવનાબહેનની સજજનતા તો જુઓ એ પણ હસીને બોલ્યા, ‘ભાઈ મારા સસરા પણ મારી મુસીબત વખતે બાપ બનીને ઉભા રહ્યા..
મોઢું છુપાવી ભાગ્યા નથી….’
સંસારનો નિયમ છે..
જેવું વાવો તેવું લણો… ભાવનાબહેન દાદાની સેવામાં ફરી પડી ગયા..
પણ હું એક કુળવધુને એના અલગ સ્વરૂપથી નતમસ્તક બની જોતો રહ્યો..
મિત્રો..
*સંબધો..કોઈ પણ હોય..*
*એ સબંધ પાસે અપેક્ષાઓ રાખતા પહેલા આપણે તેને લાયક બનવું પડે*…