ઐતિહાસિક ફોટો ટૂર
નિહારિકા ફોટો સોસાયટી આયોજિત અંબાજી-દાંતા ફોટો ટૂરની જાહેરાત નિહારિકાના પ્રમુખશ્રી વ્રજ મિસ્ત્રી દ્વારા થતાં જ ૧૭ ફોટોગ્રાફર્સ ફોટો ટૂર માટે તૈયાર થઇ ગયા અને ૧૭ સીટર ટેમ્પો ટ્રાવેલ્સનું બુકીંગ પણ થઇ ગયું. ત્યાર બાદ પણ બે-ચાર ફોટોગ્રાફર્સના આ ફોટો ટૂરમાં જોડાવા માટે ફોન આવ્યા પરંતુ વાહનની સીટની સંખ્યા પ્રમાણે ફોટોગ્રાફર્સની સંખ્યા થઇ ગઈ હોવાથી તેમને ના પાડવી પડી.
તા. ૧૮/૩/૨૩ ને શનિવારે સવારે ૪ કલાકે ફોટો ટૂરની શરૂઆત થઇ તમામ ૧૭ તસવીરકારો પોતાની કેમેરાબેગ સાથે ૩:૪૫ કલાકે મીસ્ત્રી સ્ટુડીઓ પર સમયસર આવી ગયા હતા. તેથી પ્રવાસ સમયસર શરૂ થઇ શક્યો. સવારે ૬ વાગ્યાની આસપાસ વડનગર પાસે ચા-પાણી અને નાસ્તામાં ગરમાગરમ ભજીયાનો આનંદ માણ્યો. આશરે ૮ વાગે દાંતા પહોંચ્યા ત્યારે પાલનપુરના પાંચ તસવીરકાર મિત્રોએ અમારા સ્વાગત માટેની તૈયારી કરી રાખી હતી. તમામ ૨૨ તસવીરકારોએ પોતાનો પરિચય આપીને ફોટોગ્રાફીની શરૂઆત કરી. ભાટીયારાણી માતાજીના મંદિરની દિવ્ય આરતીના દર્શન અને ફોટોગ્રાફી કરવાની તક મળી. ત્યારબાદ ચા- નાસ્તો- ગરમાગરમ ફાફડા, કઢી, જલેબી, ભજીયાને ન્યાય આપીને દાંતા પેલેસની ફોટોગ્રાફીની શરૂઆત ગ્રુપ ફોટોથી કરી. આ પેલેસમાં પ્રી વેડીંગ ફોટોગ્રાફી માટે આશરે પચ્ચીસ હજાર રૂપિયા જેટલી ફી ચૂકવવી પડે છે પરંતુ પાલનપુરના હાડા સાહેબની ટીમને કારણે અમને નિઃશુલ્ક ફોટોગ્રાફી મોડલ સાથે કરવાની તક મળી. ત્યારબાદ દાંતા સ્ટેટનો રાજવી પરિવાર જે મહેલમાં રહે છે ત્યાં પણ અમને ફોટોગ્રાફીની પરમીશન મળી હતી. અને મહારાજ સાહેબની મુલાકાત પણ થઇ. આ મહેલમાં કોઈને પ્રવેશ મળતો નથી પણ હાડા સાહેબના યોગ્ય ટીમવર્કને કારણે અમને પ્રવેશ પણ મળ્યો અને ફોટોગ્રાફી કરવાની તક પણ મળી. ત્યારબાદ બપોરનું ભોજન પતાવી ૨ વાગે રીસોર્ટમાં પહોંચી એક કલાક આરામ કરવાનું નક્કી કર્યું પણ અચાનક વાતાવરણ બદલાયુ અને કરા સાથે વરસાદ તૂટી પડ્યો તેથી ૧ ના બદલે ૨ કલાક આરામ કરવા મળ્યો.
વરસાદના કારણે અંબાજી –ગબ્બરના મંદિરો, પત્થરો, હેરિટેજ ઈમારતો સ્વચ્છ થઈ ગયા. અંબાજી મંદિરના પ્રાંગણમાં – ચાચર ચોકમાં તથા નીચે બહુચર ચોકમાં દર્શન –ફોટોગ્રાફી કરવાની પરમિશન બનાસકાંઠા કલેકટર કચેરી દ્વારા એડવાન્સમાં મેળવવાનું કામ શ્રી હાડા સાહેબે કર્યું હતું. તેમના કહેવા મુજબ ભાદરવી પૂનમના મેળા દરમિયાન પ્રક્ષાનલ વિધિ કરવામાં આવે ત્યારે જેવી સ્વચ્છતા હોય છે તેનાથી પણ વધુ સ્વચ્છતા કુદરતે વરસાદ દ્વારા કરી આપી. ચાચર ચોકમાં વરસાદી પાણીમાં મંદિરનું પ્રતિબિંબ દેખાય એવી સ્વચ્છતા પ્રાંગણમાં હતી અને અમને તેની ફોટોગ્રાફી કરવાની તક મળી. મંદિરની વહીવટી કમિટીમાં સામેલ અને જરૂરી મદદ કરનાર એસ.ડી.એમ. મેડમની સાથે ગ્રુપ ફોટો લીધો. મંદિરની સામેની ઈમારતની છત પરથી માતાજીની આરતી સમયે થતી રોશનીની ફોટોગ્રાફી કરી. ત્યારબાદ માતાજીના પ્રસાદઘરમાં જ સાંજનું ડીનર કરી જ્યાં બપોરે આરામ કર્યો હતો તે રિસોર્ટમાં રાત્રીરોકાણ કર્યું.
19/૦૩/૨૩ રવિવારે સવારે ૫.૩૦ કલાકે બધા તસવીરકારો તૈયાર થઈને નીકળ્યા અંબાજી બસ સ્ટેન્ડ પાસે ચા નાસ્તો કરીને કોટેશ્વર મંદિરની ફોટોગ્રાફી કરી.કુંભારિયા જૈન મંદિરમાં ફોટોગ્રાફી કરવા અમદાવાદની કલ્યાણજી આનંદજી પેઢીમાંથી પરમીશન લાવવી પડે એ જાણ બહાર હોવાથી ત્યાં માત્ર ગ્રુપ ફોટો લઈને ગબ્બરની તળેટીમાં જવા રવાના થયા. ગબ્બરની તળેટીમાં ત્યાંના સ્થાનિક આદિવાસી કલાકારોએ તેમના ટ્રેડીશનલ ડ્રેસમાં ઢોલના તાલે સાંસ્કૃતિક કાર્યક્રમ-નૃત્ય રજૂ કર્યા તેની ફોટોગ્રાફી કરવાનો આનંદ સૌએ માણ્યો.
ગબ્બરની તળેટીમાંથી આદિવાસી કલાકારોને સાથે લઈને અમે સૌ નિહારિકા કલબ તરફથી માતાજીને ધજા ચઢાવવા માટે અંબાજી મંદિરના મુખ્ય દ્વારેથી ઢોલ-નગારાના તાલે જ્ય અંબેના નાદ સાથે ગળામાં માતાજીના નામનો ખેસ ધારણ કરીને ધજા ચઢાવવા માટે મંદિરના શિખરે પહોંચ્યા. આવી સુંદર તક માતાજીની કૃપાથી મળી. અમે સૌ ભાવવિભોર થઈને જીવનમાં ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવો લાભ મેળવીને ધન્ય થયા..સૌની આંખમાં હરખના આંસુ હતા. ફોટોગ્રાફી કલબે માતાજીના મંદિરમાં ઢોલ-નગારા-સ્થાનિક આદિવાસી કલાકારોના નૃત્ય સાથે ધજા ચઢાવી એ ઐતિહાસિક ઘટના નિહારિકા અને તેના સભ્યો માટે મહત્વપૂર્ણ રહી કારણ જેવી અમે ધજા ચડાવી કે તરત જ આકાશમાંથી અમી છાંટણા થયા. ત્યારબાદ મંદિરમાં માતાજીના દર્શન કરીને ચાચરચોકમાં જ સાંસ્કૃતિક કાર્યક્રમની ફોટોગ્રાફી કરી. વી.આઈ.પી. ગેટથી એન્ટ્રીની વ્યવસ્થા હાડા સાહેબે એડવાન્સમાં કરી રાખી હતી. બપોરનું ભોજન અંબિકા જૈન ભોજનાલયમાં લઈને ત્રિશુળીયા ઘાટ તરફ સૌ રવાના થયા. ત્રિશુળીયા ઘાટ પાસે પણ આદિવાસી કલાકારોના નૃત્યની ફોટોગ્રાફી કરીને બપોરબાદ પાંચ મિત્રો પાલનપુર તરફ અને બાકીના ૧૭ મિત્રો અમદાવાદ તરફ રવાના થયા. સાંજે સંધ્યા સમયે અમે સૌ અમદાવાદ પહોચ્યા અને નિહારિકા ફોટો સોસાયટીની એક ઐતિહાસિક ફોટો ટૂર હેમખેમ, આધ્યાત્મિક અને કલાત્મક યાદો સાથે પૂર્ણ થઇ.આ પ્રવાસમાં અમે સૌ માન. કલેકટર શ્રી –બનાસકાંઠા, માનનીય એસ.ડી.એમ.-દાંતા, જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, મહારાજ સાહેબશ્રી પરમવીરસિંહજી પરમાર, શ્રી પ્રભુજી રાઠોડ તથા શ્રી અહમદ હાડા અને તેમની ટીમનો વિશેષ આભાર માનીએ છીએ. આ તસવીરોનું પ્રદર્શન એ સૌને માટે દિવ્યદર્શન બની રહેશે એવી અપેક્ષા.

__અહેવાલ લેખન ડૉ. હેમંત પંડ્યા
પ્રિન્સિપાલ- રામેશ્વર હાઇસ્કુલ, નિકોલ, અમદાવાદ