આત્માને ઉર્ધ્વગતિમય બનાવવાં માટે પ્રેરવો …એટલે આધ્યાત્મિક બનવું .

પરમાત્માની પરમશક્તિ અને અસાધારણ અનુકંપાને પાત્ર બનવાં શરણાગત થવું એટલે આધ્યાત્મિક થવું .
ઈશ્વરના અનુગ્રહથી સર્વ કાંઈ શક્ય બને છે એવી વિચારધારાને મજબૂત પણે વળગીને જીવન જીવવું એટલે આધ્યાત્મિક બનવું .
આધ્યાત્મિકતા એ આસ્થા સાથે સંકળાયેલી વિચારસરણી છે .એ એક એવી સફર છે ….જેની મંઝિલ પરમાત્માની નિકટતા છે .
મારા મતે ,ઉજ્જવળ જીવન જીવવા સંન્યાસી બનવું ,એ ક્યારેય પ્રથમ શરત ન હોઈ શકે .જીવનની તમામ જવાબદારીઓ કિનારે મૂકી એક એવા માર્ગ પર ચાલી નીકળવું …જે રસ્તો તમને પરમ સત્ય તરફ લઇ જશે ,એવું તમારું માનવું છે .પ્રભુ સિવાય તમને બધું જ વિસ્મૃત થઇ જાય એવી તમારી ભીતરી ઈચ્છાને પૂર્ણ કરવા કંઈક જુદો ચીલો પાડવા ચાલી નીકળવું ….એ તમારાં નિકટવર્તી લોકો સાથે થયેલો અન્યાય છે .એવું મારું માનવું છે .
મારા મતે
સાત્વિક વિચાર અને સાત્વિક કર્મનો સરવાળો એટલે ઉજ્જવળ જીવન . આધ્યાત્મિક બનવાની દિશા તરફ પ્રયાણ કરવું ,એટલે પ્રામાણિક મનુષ્ય બનવાની શરૂઆત કરવી .હદયના કેદખાના માંથી નકારાત્મકતાને ધીરે ધીરે આઝાદ કરીને મનની શક્તિને સર્વોત્તમ રીતે કંડારવી …એજ એનું લક્ષ્ય છે .
આધ્યત્મિક બનવાં માંગનારે ધીરજને પોતાનો ખાસ મિત્ર , અનુભવને સમીક્ષક અને માણસાઈને પોતાનો સંરક્ષક બનાવવો જોઈએ .કારણકે આ ત્રણે ગુણ કેળવીને મનને શાંત અને સંયમિત રાખી શકાય છે .
આસ્તિક હોવું ,એ આધ્યાત્મિક બનવા માટેનું પહેલું અને મુખ્ય પગથિયું છે .આસ્તિક હોવું અને ધાર્મિક હોવું એ બન્નેનો અર્થ આમ તો સરખો જ છે . ધાર્મિક બનતા લોકો જો કટ્ટર બની જાય તો આધ્યાત્મિક હોવું પણ એમના માટે નિરર્થક ગણાય છે .
આધ્યાત્મિકતાનો અર્થ વિશાળ પટ પર લેવાય છે . જ્યાં દુનિયાના તમામ ધર્મનો અંતિમ હેતુ અને લક્ષ્ય હોય છે ….એક સર્વોચ્ચ શક્તિનો સ્વીકાર કરવો , આ શક્તિને ઓળખવાની આખી પ્રક્રિયામાં જોડાવવું એટલે આધ્યાત્મિક બનવાના પ્રવાહમાં જોડાવવું .
આ એક માર્મિક અને વિશિષ્ટ કેળવણી છે , જે પૃથ્વીના તમામ માનવીઓને એક માનવજાતના કલ્યાણના માર્ગે લઇ જાય છે .માણસને માણસ બનીને જીવતા આવડે એ મહત્વની વાત છે .
સમજણ ,સહિષ્ણુતા અને સૌજન્યના ત્રિવેણી સંગમથી માનસિકતા વિકસાવીએ એટલે આત્માને નિજાનંદ તરફ વાળીએ .
ઓમકારથી બનેલી આ સૃષ્ટિમાં ધર્મની માન્યતાઓ કદાચ સમાન નહીં હોય , પણ દરેક ધર્મની વાસ્તવિક અને યુનિવર્સલ લેંગ્વેજ એક જ છે .ધાર્મિકતા જરૂરી છે , પણ એનો અતિરેક અને એની કટ્ટરતા માણસને આધ્યાત્મિક રહેવા દેતો નથી .આ માનવીની સમજણમાં શૂન્યાવકાશ પેદા કરે છે .સહઅસ્તિત્વનો સ્વીકાર એટલે સમાજના આરોગ્યને સુદ્રઢ બનાવવાની પહેલ .
માત્ર ધાર્મિક સાહિત્ય વાંચવાથી કે ધાર્મિક ગતિવિધિમાં લિપ્ત રહેવાથી આધ્યાત્મિક નથી બનાતું . સાચા અર્થમાં એનું આચરણ કરવાથી જ આધ્યાત્મિક બનવાના રસ્તે આગળ વધી શકાય છે .આ કોઈ એવું સ્થળ નથી જ્યાં દરેક વ્યક્તિએ પહોંચવાનું છે . આ એક સફર છે .આ સફર નક્કી કરે છે કે માનવીએ જીવન જીવવા કયો માર્ગ પસંદ કર્યો છે .
માનવીય ગુણોનો વિકાસ એ ભૌતિક વિકાસ કરતાં વધુ આવશ્યક છે .ભૌતિક વિકાસની પરાકાષ્ઠા માણસની શાંતિ નથી આપી શકતી પણ ,
માનવીય ગુણોની પરાકાષ્ઠા તેને શાંતિ જરૂર આપી શકે છે .લોકસમૂહનો ધ્યેય વિશ્વની સુખ -શાંતિ હશે તો ,
આધ્યાત્મિકતાનું સ્થાન એમાં સૌથી અગત્યનું હશે .લોકો આધ્યાત્મિકતાનું પણ અર્થઘટન કરવાં લાગે છે .માત્ર ધર્મ સાથે જોડાવવાથી નહીં પણ એના મૂળભૂત વિચારો જીવનમાં ઉતારવાથી આધ્યાત્મિક ઉન્નતિ થઇ શકે છે .
સંત કબીર , નરસિંહમહેતા કે પછી પ્રેમદિવાની મીરાંબાઈએ કોઈ દીક્ષા નહોતી લીધી …ભક્તિમય જીવન સમાજમાં રહીને પણ અલિપ્ત જીવન જીવી શકાય એ સમજાવ્યું .જીવનના દરેક ઉતાર -ચઢાવમાં મનુષ્યત્વને આગળ રાખીને ઘણું સમજાવ્યું છે .સાદી અને સરળ ભાષામાં જીવનને કેવી રીતે જીવી શકાય એ શીખવાડ્યું છે .
આત્માની સિદ્ધિ માટે સર્વધર્મસમભાવ કેળવીને નીતિમય જીવન એટલે સાચું જીવન .
જે ધર્મને વ્યહવારમાં ન લાવી શકાય …તે મારા મતે ધર્મ નથી .સત્ય માટેની દરકાર ન હોય ,હદયમાં જો અન્ય માટે કરુણા ના હોય તો ધર્મમાંથી પણ
આસુરી ક્રૂરતા પ્રગટી શકે છે .
મારું માનવું છે , આધ્યાત્મિક બનવું એટલે ,
પરમાત્માને પ્રાર્થીને કહેવું ,સંપૂર્ણ ચરાચર સૃષ્ટિના રચયિતાના અમે અંશ માત્ર છીએ …અમને તું એકાત્મતાનો અનુભવ કરાવ .
સાત્વિક આસ્થા સાથે સાહજિક જીવન જીવીને આધ્યાત્મિક બનશું તો જરૂર આપણને ચીર શાંતિ મળશે .
બીના પટેલ