આપણને એક સવાલ થાય કે આપણી પહેલી મિત્રતા કોની સાથે? તો *એનો બેજીજક શ્રેષ્ઠ જવાબ ‘માં’જ આપણી પહેલી મિત્ર* જે હંમેશા પોતાના સુખની પરવા કર્યા વગર કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના હરહંમેશ આપણી ચિંતા આપણો ખ્યાલ રાખ્યા કરે,રાત દિવસ કશુંય ના જુએ,ના તડકો ના છાંયડો ના ઠંડી ના ગરમી કાશયનીય ફિકર કર્યા વિના હર પળે હર ઘડી હર એક એવી પળ જ્યાં આપણને એના સાથની જરૂર હોય ત્યાં અડીખમ આપણી પીઠ થાબડતી આપણને સ્વર્ગ સમા સુખોની અનુભૂતિ કરાવે છે ને ખુશ રાખે છે દુઃખનો ઓછાયોય આપણા ઉપર પાડવા દેતી નથી એ માં એટલે આપણાં માટે જગતની પહેલી મિત્ર.
એજ માં ની છત્રછાયામાં આપણને દુનિયાદારીના અનેક મિત્રોની ઓળખ કરાવે છે.અને એ વાત બાળપણ ના ભેરુ,ભાઈબંધ,સાથી,સંગાથી મિત્ર,સખા સુધી લઈ જાય છે.મિત્ર માટે અનેક ભાષાઓમાં અનેકાનેક કહેવતો છે જેમાં ગુજરાતીમાં સુંદર કહેવત છે જે આપણે સૌએ સાંભળી છે.
*શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક જેમાં સુખ દુઃખ પામીએ, તે લાખોમાં એક*
મિત્રતાના ઉત્તમ આદર્શોમાં ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામા ની મિત્રતા ભગવાન શ્રીકૃષ્ણએ સુદામાને વગર માંગે એમની દરિદ્રતા દૂર કરી,મિત્રતા શ્રીરામ અને સુગ્રીવની, જેમાં શ્રીરામ અને સુગ્રીવે એક બીજાની મદદ કરી અને શ્રી રામે વાલી જેવા બળવાન યોદ્ધાને હણીને સુગ્રીવને સુરક્ષા બક્ષી.બસ જીવનમાં એકાદ મિત્ર તો એવો હોવો જોઈએ જે મિત્ર આપણા સુખ દુઃખમાં આપણા ખભે ખભો મિલાવી ઊભો રહે, સારી બાબતો શીખવે,માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન આપે. એક સારા મિત્રની સંગત સુખ,સમૃદ્ધિ અને શાંતિ આપી ગમે એ પરિસ્થિતિમાં હિમાલયની જેમ અડગ રહી શકે. જોકે સારો અને સર્જન મિત્ર શોધવાનું કામ સહેલું નથી.એ નસીબથી મળે છે.

મિત્ર અને મિત્રતાની વ્યાખ્યા શું હોય?? *જયારે બે વ્યક્તિ એકબીજાના સુખ દુઃખ લાગણીઓ,ભાવનાઓ સાથે એવા સુગ્રથિત થઈ જાય જે માત્રને માત્ર એક બીજાના પ્રેમ ભાવ,વેદના માટે સર્વસ્વ સમર્પિત કરી દે એ મિત્ર* અને મિત્રતા એટલે *બે વ્યક્તિ જ્યારે કોઈપણ ભેદભાવ વિના એક બીજાના જીવ બની જાય ત્યારે સાચી મિત્રતા*
સ્વભાવ અલગ હોય અને એકમેકને અનુકૂળ થાય. એક બીજાની પસંદગીને માન આપે, એકબીજાના પ્રત્યે નિસ્વાર્થ સ્નેહની ભાવના બંધાય ત્યારે મિત્રતા જન્મે છે.. મિત્રતા એ કોઈ પણ સગપણ વિનાનો, અપેક્ષા,આકાંક્ષા કે શરત વિનાનો અદ્ભુત સંબંધ છે.
*મિત્રતા, એ મનુષ્યને માગ્યા વગર ઈશ્વરે આપેલું વરદાન છે.*
આવી મિત્રતાની વાત જ્યારે જ્યારે સાંભળું છું ત્યારે મને મારા બાળપણના મિત્ર કિરીટસિંહ જે હાલ બરવાળા તાલુકાના સુંદરિયાળા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે જેનું મારા જીવનમાં આગવું મહત્વ અને વિશિષ્ટ સ્થાન છે.સાથે રમ્યા સાથે ભણ્યા એ ઢીંગા મસ્તી એ બચપણ હજુય યાદ આવે છે. અને એથીય વિશેષ મારી કપરી પરિસ્થિતિમાં એક સાચા મિત્ર તરીકે જ્યારે મારી પડખે ઉભો રહી મને જે પ્રોત્સાહન અને પ્રેરણા પુરી પાડી છે તે જીવનના છેલ્લા શ્વાસ સુધી ચીર સ્મરણીય રહેશે.
*મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,*
*સુખમાં પાછળને દુઃખમાં આગળ હોય.*
મારા માટે આદર્શ,પ્રેરણા અને દોસ્તીની જાગતી મિશાલ એટલે મારો ભાઈબંધ, મારો જીગર જાન દોસ્ત કિરીટસિંહ.*સંગ એવો રંગ ને સોબત એવી અસર*
મારા જીવનમાં મારા આ જીગરજાન દોસ્તની સંગત અને સોબતથી આજ મારું આ અસ્તિવ સૂર્યની ચમક અને ચંદ્રની શીતળ ચાંદની જેવું ઝળહળે છે.
છેલ્લે આવા મારા મિત્રને તેના જન્મ દિનને મારી બધી ખુશીઓ અર્પણ.
*જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.*
*કવિ – જયેશ પલિયડ ‘શુકુન’* ની ભાઈબંધીની પંક્તિઓ યાદ આવી જાય છે,
*જીગર જાન મારા તું દોસ્ત જીગરી,*
*તું તો છે રે મારા કાળજાથી ઉપરી.*
*તું ખુશ રહે સદા તારા કામ થાય બધા,*
*તારા પ્રેમના બંધનમાં દોસ્ત રહે સદા.*
*તું મહેકતો રહે તું ચમકતો રહે,*
*જીગર જાન મારા તું દોસ્ત જીગરી.*
*તારો જીગર જાન મનોજ.* *જખવાડા*,*તા.વિરમગામ*