*ગુજરાત સ્થાપના દિન વિશેષ…*

હેજી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી..
– કવિ કાગ
૧ મે,૧૯૬૦ નાં રોજ ગુજરાત ની સ્થાપના થઈ. ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખાય છે. અલબત,
ગુજરાત તો યુગો યુગો થી છે જ, કૃષ્ણ થી માંડી ને અનેક ઋષિઓ, રાજાઓ, દાતાઓ, શૂરવીરો, ભક્તો આ ભૂમિ ને તપાવી ગયા, પણ નવા પરિપેક્ષ માં ૧ મે ગુજરાત સ્થાપના દિવસ છે ત્યારે ગુજરાતીતા ની ઓળખ સમા કવિ કાગ ને યાદ કરીએ.
કવિ કાગ ગુજરાતી સાહિત્ય નું મુઠી ઊંચેરું નામ છે. એમની અનેક રચનાઓ આજે લોક જીવન માં અનેક રીતે વણાઈ ગઈ છે. એમની કવિતાઓ લોકગીત બની ગયાં છે. એમનાં ભજનો આજે ઘર ઘર માં ગુંજે છે. સાવ સરળ ભાષા માં રચનાઓ અર્દભુત અસર ઉભી કરે છે.
કાગબાપુ (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા. તેઓ ચારણ (ગઢવી) હતા. ગઢવીઓ ને દેવીપુત્ર કહી ને આદર આપવા માં આવે છે .ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતોના દર્દને વાચા આપી .ન્યાય ની, વટ, વચન, વહેવાર ની વાત એમનાં લખાણ માં ખુબ આવે છે એનું કારણ છે કે એમને સત્ય વધુ પસંદ હતું. મર્દાનગી ની વાતો એમનાં દુહાઓ માં ભારોભાર છલકાય.
એમનો જન્મ મહુવાના નજીકના સોડવદરી ગામે થયો હતો. અન્ય સ્રોત મુજબ મજાદર ગામને દુલાકાગની જન્મ ભૂમિ ગણાવે છે. તેમના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું. તેમણે માત્ર ૫ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું. ભણતર ઓછું, પણ ગણતર ઝાઝું.નાની ઉંમરે જ સાહિત્ય તરફ પ્રયાણ આદર્યું . સરળ ભાષા માં સચોટ રીતે લખવું એ એમની પ્રાથમિકતા અને શોખ હતો. ત્યાર બાદ કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા. ઢોરોને ચરવવા જતા ત્યારે મળનારા સમયમાં પદ્ય ની રચનાઓ કરતા. તેમણે તેમની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં આપી હતી.રતુભાઇ અદાણી સાથે મળી જુનાગઢમાં લોકસાહિત્યની શાળાનું નિર્માણ તથા ભાવનગરમાં “ચારણ બોર્ડિંગ હાઉસ” જેવી સંસ્થાઓ સ્થાપી હતી. તેઓ ચારણ હિતવર્ધક સભા ના પ્રમુખ પણ રહ્યા હતા. ભવનાથ જેવા શિવરાત્રીએ ભરાતા લોકમેળામાં ભક્તો માટે ઊતારા તરીકે ઓળખાતા રાતવાસામાં દુલાકાગનો ઉતારો જાણીતો હતો. તેમણે જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળી પદ્ય સર્જન કર્યું છે. તેમની કવિતાઓમાં રાષ્ટ્રવાદી છાંટ પણ ઉપસે છે. તેમણે ગાંધીવાદી વિચારધારા અને ભૂદાન યોજના સંબંધીત રચનાઓ ગરબા સ્વરૂપે કરી હતી. તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના આઠ ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે. કાગવાણી – ભાગ ૧ (૧૯૩૫), ૨ (૧૯૩૮), ૩ (૧૯૫૦), ૪ (૧૯૫૬), ૫ (૧૯૫૮), ૬ (૧૯૫૮), ૭ (૧૯૬૪). વિનોબાબાવની (૧૯૫૮). તો ઘર જાશે, જાશે ધરમ (૧૯૫૯). શક્તિચાલીસા (૧૯૬૦). ગુરુમહિમા, ચન્દ્રબાવની, સોરઠબાવની અને શામળદાસ બાવની. ઝવેરચંદ મેઘાણી અને કાગ વચ્ચે સામ્યતા એ કે બન્ને એ લોકજીવન પર સાહિત્ય નું સર્જન કર્યું . કલ્પના વિશ્વ ખડું કરવા કરતાં બંને સાહિત્યકારો ને લોકો ની વચ્ચે જઈ ને લોક જીવન ની વાતો આલેખવા નો નાદ હતો.છંદ, કવિતા, સોરઠા,વાર્તા ,જેવા સાહિત્ય પર એમની હથોટી હતી.૧૯૬૨માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. ૨૫ નવેમ્બર ૨૦૦૪ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. એમનું અવસાન ૭૪ વર્ષ ની વયે ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭ નાં રોજ થયું.લોકગાયકો અને લોકસાહિત્યકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા બદ્દલ “કવિ કાગ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવે છે. કાગધામ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેમની કવિતાઓ ,કૃતિઓને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે. કાગધામ ગામે કાગબાપુની સ્મૃતિમાં કાગધામ ગામના પ્રવેશદ્વાર તરીકે “કાગ દ્વાર” બનાવામાં આવેલો છે.
આવા મૂર્ધન્ય સાહિત્યકાર ને ઝાઝા કરી ને વંદન.