ગાંધી નાં ચાર પુત્રોમાં સૌ થી મોટા હરિલાલ ને ગાંધી ચિંધ્યા માર્ગે જવું હતું, એ માટે એમણે ઘણો સમય આપ્યો હતો.એક સમયે છોટે ગાંધી નું બિરુદ પણ મળ્યું હતું, પણ અચાનક એવું તે શું થયું કે હરિલાલ દારૂ નાં રવાડે ચડી ગયા? વ્યભિચારી પણ કહેવાયા? ઘણાં કારણો હતાં. ઘણું એવું હતું ,જે નહોતું હોવું જોઈતું. દંભ થી થાકી જવું, પોકળ વાતો, ખોખલી મર્યાદાઓ.. આ બધું અંતે કંટાળાજનક લાગે. વિરોધાભાસ કંટાળા જનક બાબત સાબિત થયો હોય છે. જેનું પરિણામ વિપરીત અસરો ઊભી કરે છે.
૨૩ ઓગસ્ટ,૧૮૮૮ નાં જન્મ નાં થોડા સમય બાદ જ પિતા આગળ ભણવા ઇંગ્લેન્ડ રવાના થઈ ગયા.એ સમયે ઇંગ્લેન્ડ સભ્યતાની,કવિઓ અને વિચારકો ની ધરતી કહેવાતી.આવું અંગ્રેજો એ પ્લાન્ટ કર્યું હતું.ઇંગ્લેન્ડ ની ધરતી નો ખૂબ પ્રચાર થતો. એમની પાસે ચારણો કે બારોટો નહોતા કે ઇંગ્લેન્ડ ની ભૂમિ નાં દુહા,છંદ અને કવિતાઓ ગાય. અખબારો માં ગુણગાન ગાવા માં આવતાં. મુક્ત વિચારકો, જીવનનાં સાચાં મૂલ્યો, આઝાદી જીવવા ની.. આવા આવા લેખો છાપવા માં આવતા. આથી દુનિયા ભરનાં યુવાનો ઇંગ્લેન્ડ પ્રત્યે આકર્ષણ અનુભવતા. વિશ્વ ની સતા નાં કેન્દ્ર સ્થાને ઇંગ્લેન્ડ હતું. અડધી દુનિયા પર રાજ હતું, આથી અતિ ચાલાકી થી ઇંગ્લેન્ડત્વ ની વાહવાહી કરવામાં આવતી. જેમાં યુવાનો ફસાઈ જતા.
આવા યુવાનો માં હરિલાલ ગાંધી પણ હતા. વિલાયત ભણી ને બરિસ્ટર બનવાનું દર ત્રીજા જુવાન નું સપનું હોતું. પિતાજી મોહનદાસ ગાંધી ની જેમ એમને પણ કાયદાવિદ બનવું હતું. હરિલાલ ગાંધી ને યોગ્ય પ્લેટફોર્મ મળવું જોઈતું હતું. પિતાજી પાસે થી ઘણું શીખ્યા હતા. આજ ના પરિપેક્ષ માં નેપોટિઝમ કહેવાય , પણ તોય આ વધુ જરૂરી હતું. ગાંધીજી પાસે જે હતું, તેને મઠારી ને સમાજ અને દેશ સેવા માં ઉપયોગ લઈ શકાય. એમની ખુદ ની પણ ઈચ્છાશક્તિ હતી કે દેશ સેવા કરવી. ૧૯૦૮,૧૯૧૧ એમ અનેક વખત જેલ પણ ગયા. પણ પિતા – પુત્ર વચ્ચે ગાંધી વિથ ગાંધી નહીં, ગાંઘી વિરૂદ્ધ ગાંધી હતું. આ વિષય પર ફિલ્મો બની છે અને પુસ્તકો પ્રગટ થયાં છે.
હરિલાલ ને પિતા ની જેમ બેરિસ્ટર બનવું હતું. પણ ગાંધીજી ની સ્પષ્ટ મનાઈ હતી. વિરોધાભાસ જુવો, કબા ગાંધીએ પોતાના પુત્ર ને જબરદસ્તી બેરિસ્ટર બનાવ્યા, પણ મોહનદાસ નાં પુત્ર ની ઈચ્છા હોવા છતાં વિરોધ કર્યો..! દલીલ પણ પોકળ હતી, વિદેશી શિક્ષણ નથી મેળવવું. પણ પોતે ખુદ એજ વિદેશી શિક્ષણ મેળવી ને આજીવિકા મેળવી. એ જમાના માં ઇંગ્લેન્ડ જઈ ને ભણવું એ યુવાનો નું સપનું રહેતું. હરિલાલ પણ વિદેશ ભણવા જવા ઈચ્છતા હતા. પછી ભલે ભણી ગણી ને દેશ સેવા કરવી હોય, એ મંજૂર હતું, પણ ભણવું જરૂર હતું. પણ ગાંધી તરફ થી વારંવાર ના સાંભળવા મળી. ( કબા ગાંધીના રાજકોટ સ્થિત ડેલા માં મિત્ર શ્રી શાંતિલાલ હીરાલાલ સોની – સુવઈ વાળા સાથે જવાનું થયું
ત્યારે મુલાકાત પોથી માં મેં લખ્યું હતું – ગાંધી ને માનવા જ એવો કોઈ સંવિધાનિક નિયમ છે કે? ગાંધી વિચાર હોઈ શકે, ધર્મ નહીં, કે માનવા માટે બાધ્ય કરવા માં આવે.)
પિતા ના નિર્ણય સામે બળવો કરી ને ૧૯૧૧ ના પરિવાર થી નાતો તોડી નાખ્યો. એમનાં લગ્ન ગુલાબ નામની સ્ત્રી સાથે થયેલ. બે પુત્રીઓ રાણી અને મનુ, તથા ત્રણ પુત્રો, કાંતિલાલ, રસિકલાલ, શાંતિલાલ થયા. રસિક અને શાંતિ નું નાની ઉંમરે નિધન થયું. રાણી નાં ચાર પૌત્રો – અનુશ્રી, પ્રબોધ, નીલમ, નવમલ્લિકા. કાંતિ ભાઈ નાં બે પૌત્ર – શાંતિ, પ્રદીપ, મનુ ની એક પૌત્રી – ઊર્મિ.. ભર્યા ભાદર્યા પરિવાર માં પણ હરિલાલ એકલતા અનુભવતા હતા. પત્ની ગુલાબ ગાંધી નું સ્પેનિશ ફ્લ્યુ ( ૧૯૧૮ ) થી મૃત્યુ થયું ત્યાર બાદ એકલતા વધુ સાલવા લાગી. સ્વભાવ થોડો આક્રમક. અંતે પરિવાર થી અલગ થઈ ગયા. આ દરમિયાન પત્ની ની બહેન કુમિ અડાલજા સાથે લગ્ન કરવા વિચારેલું. બાળ વિધવા કુમિ સાથે હરિલાલ નાં લગ્ન કરાવી ને વિધવા પુનઃ લગ્ન નો મોટો દાખલો ગાંધી બેસાડી શક્યા હોત, પણ એમને એવી કોઈ તમા કે ફુરસદ નહોતી. હરિલાલ નાં રોષ નું મુખ્ય કારણ આ પણ હતું. અવ્યક્ત રહેલી લાગણી ઓ વ્યક્ત કરવા માટે પણ કોઈ નહોતું. પિતા ને ઘણું કહેવું હતું. સાંભળવું પણ હતું. પણ પિતા રાષ્ટ્રપિતા બનવા નાં પંથે અગ્રસર હતા એટલે ફુરસદ નહોતી…!
વિધુર હરિલાલ ને પોતાની વિધવા સાળી કુમિ સાથે લગ્ન કરવાં હતાં.પણ ગાંધી આગળ ન આવ્યા. એક પુત્ર તરીકે પિતા પાસે થી આટલી અપેક્ષા તો હોય જ. વિદેશ ભણવા જવાની મનાઈ મંજૂર હતી. આખી જીંદગી કહ્યું માન્યું હતું. દેશ, દુનિયા નાં રાજકારણ માં વ્યસ્ત પિતા ને પરિવાર માટે સમય નહોતો. એવી કોઈ જરૂરત જ નહોતી લાગતી..! છુપો આક્રોશ, ધીમો અસંતોષ વકરી રહ્યો હતો જુના દરદ ની જેમ. હરિલાલ છાકટા બન્યા. બીજાં લગ્ન ન થઈ શક્યાં… એથી વધુ એકલતા અનુભવતા હતા. દારૂ ને રવાડે ચડી ને ખૂંવાર થતા રહ્યા. શું ગાંધી સુધી આ બધી વાતો નહીં પહોંચતી હોય? વિધુર પુત્ર દારૂ નાં રવાડે ચડી ગયો હતો. ગાંધી એ ધાર્યું હોત, મન માં લીધું હોત તો પુત્ર નાં ખભે હાથ મૂકીને વાળી શકાય એમ હતું. અને કદાચ પુત્ર આ જ ઈચ્છતો હતો. સાંત્વના.! કોઈ હૂંફ આપી ને કહે કે- કંઈ વાંધો નહીં બેટા, હું છું ને, બધુંય સારું થઈ જશે… બાપ ના આટલા શબ્દો રામબાણ ઇલાજ સાબિત થતા હોય છે.
ગાંધીજીની અંતિમ યાત્રા માં એક લઘર વઘર ઇન્શાન ને અમુક લોકો જ ઓળખી શક્યા હતા. દારૂ પી પી ને હરિલાલ ખલ્લાસ થઈ ગયા હતા. ઓળખી પણ ન શકાય એ હદે જાત ને બરબાદ કરી નાખી હતી. દેશ – દુનિયા માં ગાંધીવાદ જગાવતા ગાંધી નાં ખુદ નાં ઘર માં આવી હાલત હતી. અન્ય પાત્રો હાંસિયા માં ધકેલાઈ ગયા હતા, પણ હરિલાલ ને કદાચ હાંસિયો ગમતો નહોતો. હરિલાલ નાં પૌત્રી ( સૌ થી મોટાં રામી બેન ની પુત્રી) નીલમ પરીખે એક પુસ્તક લખ્યું હતું. નાના હરિલાલ ગાંધી નું જીવન ચરિત્ર. જેનું ટાઈટલ ધ્યાનાર્ષક હતું.: ગાંધીજી નું ખોવાયેલ ધન: હરિલાલ ગાંધી..!
આ પુસ્તક માં નીલમ પરીખે નાના નું જીવન ચરિત્ર ખુબ સરસ રીતે આલેખ્યું છે. નાના નાં પિતા મોહનદાસ પ્રત્યે ભાવતું ભાવતું ઘણું કહ્યું છે. જેનો સાર એ છે કે ઉપેક્ષા શા માટે કરવા માં આવી? પરિવાર સંભાળવા માં ગાંધી કસ્તુરબા પર આધારિત થઈ ગયા હતા. પણ જે કામ બાપ કરી શકે, તે કામ મા ન કરી શકે.
૧૯૩૫ ના વર્ષો માં ગાંધી દ્વારા હરિલાલ ને પત્રો લખવા માં આવે છે. એમાં પણ કુસંગે ચડી ગયેલા પુત્ર ને સમજાવવા ને બદલે દારૂડિયો, વ્યભિચારી નાં ઉચ્ચારણ છે. અન્ય અનેક આક્ષેપો નો સામનો કર્યો. પત્રો માં ગાંધીજી લખે છે કે મારા માટે દેશ નાં સંઘર્ષ ની સમસ્યા કરતાંય હરિલાલ ની સમસ્યા મોટી છે…
આવું લખ્યું, પણ પુત્ર માટે કંઇક કરવા નું આવ્યું, મોટું મન રાખીને આગોશ માં લેવા નું થયું, ત્યારે એક પિતા નાપાસ થયા હતા.? કદાચ હા. દુનિયા ને નશામુક્ત કરવા માં પુત્ર જ અઠંગ બંધાણી બની ગયો હતો…!
હરિલાલ સતત ગર્તા માં ધકેલાઈ રહ્યા હતા. વાળવા વાળું કોઈ નહોતું. અથવા એમને વળવું જ નહોતું.એક તરફ પિતા ની વાહવાહી થતી હતી, બીજી તરફ એ જ પિતા નો મોટો પુત્ર, જે એક સમયે છોટે ગાંધી બની ને ઉભરી રહ્યો હતો, એ અંધારા માં ખોવાઈ રહ્યો હતો. નર્યો દંભ, પાખંડ જોઈ જોઈ ને પાર વિનાની અવ્યક્ત પીડાઓ થી ત્રસ્ત બની ને મદિરા તરફ વળ્યા, એ પણ પુરતું ન હોય એમ વ્યભિચાર તરફ વધ્યા. ગાંધી નાં મૃત્યુ નાં ચાર મહિના બાદ ૧૮ જૂન,૧૯૪૮ નાં ૫૯ વર્ષ ની ઉંમરે મુંબઈ મ્યુનિસિપલ હોસ્પીટલ માં અંતિમ શ્વાસ લીધા. મુંબઈ ની બદનામ ગલીઓ કમાઠીપુર માં બેભાન હાલતમાં મળી આવેલા. કોઈ ભલા રાહગીરી એ હોસ્પિટલ માં દાખલ કરેલ ત્યારે ખબર નહોતી એ આ ગાંધી નાં મોટા પુત્ર હરિલાલ ગાંધી છે…! ખુદ હરિલાલે પોતાની ઓળખ નહોતી આપી. જસ્ટ થિંક, આજે ગાંધી સરનેમ ધારણ કરી ને નહેરુ પરિવાર રાજનીતિ કરી રહ્યો છે, એ જ ગાંધી નાં મોટા પુત્ર પોતાની ઓળખ છુપાવવા હતા. એ પણ મરણ પથારી એ હોવા છતાં ગાંધી સરનેમ છુપાવી હતી..! કેટલી નફરત થઇ ગઇ હશે પુત્ર ને પિતા પ્રત્યે? હાલ ની સીવરી ટીબી હોસ્પિટલ માં બનેલું મૃત્યુ પ્રમાણપત્ર બૃહદ મુંબઇ મહાનગર પાલિકા નાં વાકોલા માં સંગ્રહિત કરવા માં આવેલ છે.
ગાંધી વિથ ગાંધી… ની ડાર્ક સાઈડ પર ધૂળ નાખવા માં કોઈ કસર બાકી રાખવા માં આવી નથી. હરિલાલ ઘેરા અસંતોષ સાથે દુનિયા છોડી ગયા પોતાનું નામ પણ બતાવ્યા વગર.! ભણવા ની તીવ્ર ઈચ્છા હતી, પણ ભણવા ન દેવાયા, વિધુર થયા બાદ પુનઃ લગ્ન કરવાં હતાં, એ પણ ન બની શક્યું, ગાંધી બનવું હતું, એ પણ ક્યાં બની શક્યું? જેમ જેમ પીઢ થતા ગયા તેમ તેમ બધું સમજાતું ગયું. ડોળ, દંભ, પાખંડ… ખોખલા આદર્શો.. ખોટી ભક્તિ… ખોટાં સ્મિતો, ખોટું માન…. બધું જ ડંખ્યા કર્યું જીવન નાં પાછલા વર્ષો માં. અનેક સર્જકો ની આ બાબતે નજર પડી ગઈ હતી.આંતરરાષ્ટ્રીય લેવલે ઘણાં નાટકો, ફિલ્મો બન્યાં છે.પિતા – પુત્ર ના મતભેદો પર અનેક પુસ્તકો પણ લખાયાં છે.એક ફિલ્મ આવી હતી ૩ ઓગસ્ટ,૨૦૦૭ માં અબ્બાસ ખાન ની ગાંધી માય ફાધર. અનિલ કપૂર નિર્મિત અને અક્ષય ખન્ના એ હરિલાલ ગાંધી નું પાત્ર ભજવ્યું હતું. ડાર્ક સાઈડ ધરાવતી આ ફિલ્મ અનેક સવાલો ખડા કરી ગઈ હતી. સવાલો તો આજે પણ ફેણ ચડાવી ને ઉભા છે અને ઉભા રહેવાના. ગાંધી વિરુદ્ધ ગાંધી નામ થી નાટક પણ આવ્યું હતું. ગાંધી વિથ ગોડસે ની ઉહાપોહ વચ્ચે ગાંધી વિરૂદ્ધ ગાંધી દબાઈ ગયું છે. અન્ય પુત્રો, પરિવાર ને પણ પણ ગાંધીજી પ્રત્યે ઘોર કહી શકાય એવો અસંતોષ હતો. એક દલીલ એ પણ આપી શકાય કે રાષ્ટ્ર માટે પોતાનો પરિવાર દાવ પર લગાવી દીધો. પણ આ દલીલ ખોટી પડે. ગાંધી રાજનેતા હતા, કોઈ સાધુ નહોતા કે પરિવાર નો ત્યાગ કર્યો હતો. જો રાષ્ટ્ર પ્રત્યે એમની ફરજ હતી,તો ઘર ના વડીલ તરીકે પરિવાર પ્રત્યે પણ જવાબદારીઓ હતી જ..

*અવતરણ*
હરિલાલે ઇસ્લામ ધર્મ અંગિકાર કરી લીધો હતો. ગાંધી રઘુપતિ રાઘવ રાજા રામ ગાવા માં વ્યસ્ત અને મસ્ત હતા. આર્ય સમાજે વચ્ચે પડી ને ઘર વાપસી કરાવી. નહીં તો આજે ગાંધી નાં મુસ્લિમ વંશજો પણ હોત.. અને બહુ સંભવ છે કે સંસાધનો પર પહેલો હકક એમનો જ હોત. રાજનીતિ માં હોત એવું પણ બને..!